સિડનીમાં ભારત-ઓસ્ટ્રેલિયાની ચાલુ મેચમાં અદાણી કોલ પ્રોજેક્ટ સામે વિરોધ

27 November, 2020 03:28 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

સિડનીમાં ભારત-ઓસ્ટ્રેલિયાની ચાલુ મેચમાં અદાણી કોલ પ્રોજેક્ટ સામે વિરોધ

તસવીર સૌજન્યઃ રોનક કપૂરનું ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે સિડનીમાં મેચ ચાલુ છે, દરમિયાન એક વ્યક્તિએ મેદાનમાં ઘુસીને અદાણી ગ્રુપનો વિરોધ કર્યો. તેના હાથમાં એક પ્લે-કાર્ડ હતું, જેના પર સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા અદાણી ગ્રુપને એક અબજની લોન ન આપે તેવું લખ્યું હતું. અદાણી ગ્રુપના કોલ પ્રોજેક્ટનો ઓસ્ટ્રેલિયામાં ઘણા લાંબા સમયથી વિરોધ થઇ રહ્યો છે.

ગયા વર્ષે ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન સ્કોટ મોરિસનની સભામાં પણ અદાણીના કોલ પ્રોજેક્ટ સામે પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પર્યાવરણની તરફેણ કરનારાઓ તરફથી વિરોધ થઇ રહ્યો છે એવી ઓસ્ટ્રેલિયાના સેન્ટ્રલ ક્વીન્સલેન્ડમાં તેના કાર્માઈકલ ખાણ પર કામ શરૂ કરવા માટે અદાણી ગ્રુપની અદાણી ઓસ્ટ્રેલિયાને ગત વર્ષે અંતિમ પર્યાવરણીય મંજૂરી આપવામાં આવી હતી.

અદાણી ગ્રુપે થોડા વર્ષો પૂર્વે ઓસ્ટ્રેલિયામાં ક્વિન્સલેંડમાં કોલસાની ખાણ ખરીદી હતી અને કંપની તેમાં અંદાજે 15 અબજ ડોલરનું રોકાણ કરવાની યોજના ધરાવે છે. પરંતુ, આ કોલ માઇનના કારણે પર્યાવરણને ભારે નુકસાન થશે જે આગળ જતાં ઓસ્ટ્રેલિયામાં પૂર અને દુષ્કાળની પરિસ્થિતી ઊભી કરશે. અદાણી દ્વારા ક્લાઇમેટને કોઈ નુકસાન નહીં પહોચડવાની ખાતરી અપાયા છતાં પણ તેની સામે વિરોધ ચાલુ છે. વિરોધ કરનારાઓનું માનવું છે કે, આ પ્રોજેકટના કારણે જમીનના જળશ્રોતને ખાતાં થઈ જશે, હવામાનમાં કાર્બનનું પ્રદૂષણ ફેલાશે. આ સાથે જ આ વિસ્તારના સ્થાનિકોની સંસ્કૃતિને ખતમ કરી દેશે. આ બધી બાબતોને કારણે છેલ્લા 4 વર્ષથી અદાણીના પ્રોજેક્ટનો વિરોધ થઈ રહ્યો છે. અદાણી ગ્રુપના આ પ્રોજેક્ટ માટે ભારતની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા તેને 1 અબજ ડોલરની લોન આપવાની છે.

જે આંદોલનકાર પ્લે-કાર્ડ સાથે મેદાનમાં ઘુસી આવ્યો હતો તેના કાર્ડમાં લખ્યું હતું કે 'SBI અદાણીને 1 અબજ ડોલરની લોન ન આપે'. અગાઉ 21 નવેમ્બરે ઓસ્ટ્રેલિયાના મારગાઓમાં SBIની બ્રાંચ સામે ધરણા કરી અને બેંક પાસે માગ કરી હતી કે તે અદાણીની લોન માટેની અરજી મહેરબાની કરીને ન સ્વિકારે.

ભારત અને ઓસ્ટ્રેલિયા વન-ડે સિરીઝનું પ્રસારણ સોની સિક્સ ચેનલ પર થઇ રહ્યું છે. સામાન્ય રીતે આવી કોઈ ઘટના બને ત્યારે લાઈવ ટેલીકાસ્ટ ચાલુ રહે છે. પરંતુ જયારે ચાલુ મેચમાં યુવાન અદાણીનો વિરોધ કરવા માટે મેદાનમાં આવ્યો ત્યારે સોનીએ તે ફીડ થોડા સમય માટે અટકાવી દીધી હતી અને જાહેરાતનું પ્રસારણ ચાલુ કરી દીધું હતું.

australia cricket news sydney