06 August, 2025 06:57 AM IST | Dubai | Gujarati Mid-day Correspondent
વસીમ જાફર, માઇકલ વૉન
ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર વસીમ જાફર અને ઇંગ્લૅન્ડનો ભૂતપૂર્વ કૅપ્ટન માઇકલ વૉન ઘણા સમયથી સોશ્યલ મીડિયા પર એકબીજાને ટ્રોલ કરતા રહે છે. માઇકલ વૉને ભારતની ઇંગ્લૅન્ડ-ટૂર દરમ્યાન યજમાન ટીમ ૩-૧થી સિરીઝ જીતશે એવી ભવિષ્યવાણી કરી હતી. ઓવલ ટેસ્ટ-મૅચના ચોથા દિવસે જ્યારે ઇંગ્લૅન્ડની ટીમ જીતની નજીક હતી ત્યારે માઇકલે સોશ્યલ મીડિયા પર વસીમ જાફરને ટૅગ કરીને લખ્યું હતું કે મને આશા છે કે તું સ્વસ્થ હશે.
ગઈ કાલે જ્યારે સિરીઝ ૨-૨થી બરાબર થઈ ત્યારે વસીમ જાફરે દુબઈમાં ખાટલા પર સૂતેલો પોતાનો ફોટો શૅર કરતાં બાઝબૉલ શૈલીની મજાક કરતાં લખ્યું કે ‘બાઝ (ખાટલા કે ચારપાઈ) પર આરામ કરતાં બૉલનો આનંદ માણી રહ્યો છું, તું શું વિચારી રહ્યો છે માઇકલ વૉન?’ ઇંગ્લૅન્ડનો આ ભૂતપૂર્વ કૅપ્ટન સ્પષ્ટ જવાબ આપવાનું ટાળીને લખે છે કે ‘તારી કન્ટેન્ટ ટીમે સારું કામ કર્યું છે વસીમ.’
માઇકલ વૉન આ પહેલાં પણ ભારત વિરુદ્ધ સિરીઝના રિઝલ્ટની ભવિષ્યવાણી કરીને બેઇજ્જત થઈ ચૂક્યો છે.