અકરમ ‘ઘરડો’ ભલે થયો, પણ ઇનસ્વિંગ યૉર્કર નથી ભૂલ્યો!

21 June, 2022 11:39 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ચૅરિટી મૅચમાં આથર્ટનને કર્યો ક્લીન બોલ્ડ : બ્રાયન લારા નૉન-સ્ટ્રાઇક એન્ડ પર અને ક્લાઇવ લૉઇડ હતા અમ્પાયર

વસીમ અકરમે આથર્ટનને ક્લીન બોલ્ડ કરીને વિકેટ સેલિબ્રેટ કરી હતી

ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ કૅપ્ટન માઇક આથર્ટનને કુલ ૬ વખત આઉટ કરનાર પાકિસ્તાનના ભૂતપૂર્વ લેફ્ટ-આર્મ ફાસ્ટ બોલર વસીમ અકરમે ઑસ્ટ્રેલિયાના મહાન સ્પિનર શેન વૉર્નની યાદમાં રમાયેલી એક ચૅરિટી મૅચમાં આથર્ટનને ઇનસ્વિંગ યૉર્કરથી ક્લીન બોલ્ડ કરીને સૌકોઈને આશ્ચર્યચકિત કરી દીધા હતા.

ક્રિકેટ ડિસ્ટ્રિક્ટ દ્વારા સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવેલા વિડિયોમાં બતાવાયા મુજબ ૫૬ વર્ષનો પાકિસ્તાની ક્રિકેટ-લેજન્ડ વસીમ અકરમ આ @WellbeingofWmen ચૅરિટી મૅચમાં આકર્ષણનું કેન્દ્ર હતો. તેણે મૅચ પછી ટ્વીટમાં લખ્યું, ‘સૉરી  @Athersmike  આપણે ઉંમરમાં ભલે મોટા થઈ ગયા, પણ કેટલીક બાબતો ક્યારેય બદલાતી નથી.’ અકરમનો કહેવાનો અર્થ એ હતો કે તે ક્રિકેટના મેદાન પર ભલે ‘ઘરડો’ લાગતો હોય, પરંતુ તે હજી અસલ ઇનસ્વિંગ યૉર્કર જરાય નથી ભૂલ્યો.

આ મૅચમાં આથર્ટન સામે નૉન-સ્ટ્રાઇક એન્ડ પર મહાન કૅરિબિયન ક્રિકેટર બ્રાયન લારા હતો. તે આથર્ટનને અકરમના પિચ-પર્ફેક્ટ યૉર્કરમાં ક્લીન બોલ્ડ થતો જોઈને દંગ રહી ગયો હતો. વેસ્ટ ઇન્ડીઝના મહાન કૅપ્ટન ક્લાઇવ લૉઇડ આ મૅચમાં અમ્પાયર હતા અને તેમણે સચોટ નિર્ણય આપ્યા હતા.

અકરમ ૧૯૮૪થી ૨૦૦૩ સુધી ૧૦૪ ટેસ્ટ અને ૩૫૬ વન-ડે રમ્યો હતો. ૧૯૯૨ની વર્લ્ડ કપ ચૅમ્પિયન ટીમના ખેલાડી અકરમ શાર્પ સ્વિંગ તેમ જ યૉર્કર માટે જાણીતો હતો. તેણે ટેસ્ટમાં કુલ ૪૧૪ અને વન-ડેમાં કુલ ૫૦૨ વિકેટ લીધી હતી. માત્ર ૨૩.૦૦ તેની બોલિંગ-ઍવરેજ હતી. આથર્ટને ૧૯૮૯થી ૨૦૦૧ દરમ્યાન કુલ ૧૭૦ જેટલી ઇન્ટરનૅશનલ મૅચમાં ૯૫૦૦ રન બનાવ્યા હતા.

sports sports news cricket news shane warne wasim akram brian lara