સુંદર પાસે નહોતાં સફેદ પૅડ્સ: ફીલ્ડિંગ કોચનો ખુલાસો

24 January, 2021 03:29 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

સુંદર પાસે નહોતાં સફેદ પૅડ્સ: ફીલ્ડિંગ કોચનો ખુલાસો

વૉશિંગ્ટન સુંદર

ઑસ્ટ્રેલિયા ટૂર પર વૉશિંગ્ટન સુંદરે શાનદાર ટેસ્ટ ડેબ્યુ કર્યું હતું અને સૌકોઈ પાસેથી પ્રશંસા મેળવી હતી. એવામાં ટીમ ઇન્ડિયાના ફીલ્ડિંગ કોચ આર. શ્રીધરે સુંદર સાથે જોડાયેલો એક રોચક કિસ્સો તાજેતરમાં જણાવતાં કહ્યું હતું કે ‘સુંદર પાસે એ સમયે બૅટિંગ કરવા માટે પૅડ્સ પણ નહોતાં. ઑસ્ટ્રેલિયા ટૂર પર માત્ર ટી૨૦ સિરીઝમાં જ વૉશિંગ્ટન સુંદરને સ્થાન આપવામાં આવ્યું હતું, પણ અનેક પ્લેયર્સ ઈજાગ્રસ્ત થતાં તેને ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યુ કરવાની તક મળી હતી. તેને રવિચન્દ્રન અશ્વિનના સ્થાને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો.’

વાસ્તવમાં ટી૨૦ મૅચ રમ્યા બાદ ભારતીય બૅટ્સમૅન ઑફ સ્પિનર નૅથન લાયન સામે રમવાની તૈયારી કરી શકે એ માટે સુંદરને નેટ બોલર તરીકે ટીમ મૅનેજમેન્ટે રોકી રાખ્યો હતો. એ વખતે તેને ટેસ્ટ સ્ક્વૉડમાં સામેલ નહોતો કરાયો. અશ્વિન ઈજાગ્રસ્ત થતાં જ્યારે સુંદરને ટેસ્ટ ટીમમાં સામેલ કરવામાં આવ્યો ત્યારે તેની પાસે સફેદ પૅડ્સ નહોતાં. તે બ્લ્યુ રંગનાં પૅડ્સ પહેરીને નેટમાં બૅટિંગ કરતો હતો. ૨૦૧૭ પછી સુંદર કોઈ ફર્સ્ટ ક્લાસ મૅચ પણ નહોતો રમ્યો. ફીલ્ડિંગ કોચ આર. શ્રીધરના જણાવ્યા પ્રમાણે ‘સુંદર માટે સફેદ પૅડ્સ શોધવામાં ઇન્ડિયન ટીમ અને સપોર્ટ-સ્ટાફે ઘણી મહેનત કરવી પડી હતી. લાંબી હાઇટના સુંદરને દરેક પૅડ્સ નાનાં પડતાં હતાં. ઑસ્ટ્રેલિયન ટીમમાંથી પણ અમે પૅડ્સ મેળવવાનો પ્રયાસ કર્યો, પણ કોરોનાને લીધે કોઈ પૅડ્સ નહોતું આપી રહ્યું. છેવટે અમે દુકાને ખરીદવા ગયા હતા.’

sports sports news cricket news