એમસીએને હાશકારો, વાનખેડેનો ગ્રાઉન્ડ-સ્ટાફ કોરોના-નેગેટિવ

06 April, 2021 02:39 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

વાનખેડેમાં આઠ વાગ્યા પછી પણ પ્રૅક્ટિસ કરી શકશે ખેલાડીઓ: મહારાષ્ટ્ર સરકાર

વાનખેડે

આઇપીએલ પહેલાં મુંબઈમાં વધી રહેલા કોરોનાના કેરે આયોજકોની ચિંતામાં વધારો કર્યો હતો, પણ ગઈ કાલે વાનખેડે સ્ટેડિયમના ૧૫ સભ્યો કોરોના-નેગેટિવ આવતાં મુંબઈ ક્રિકેટ અસોસિએશન (એમસીએ)એ રાહતનો શ્વાસ લીધો હતો. નેગેટિવ આવેલા સભ્યોને સ્ટેડિયમના બબલમાં સામેલ કરવામાં આવ્યા છે, જ્યારે પૉઝિટિવ આવેલા બે સભ્યો ક્વૉરન્ટીન છે.

એમસીએએ ગઈ કાલે જણાવ્યું કે ‘ગયા અઠવાડિયે કોરોના-પૉઝિટિવ આવેલા બે ગ્રાઉન્ડ-સ્ટાફ ક્વૉરન્ટીન થયા હતા. ત્યાર બાદ વાનખેડે સ્ટેડિયમના સ્ટાફમાંના ૧૫ સભ્યો નેગેટિવ આવ્યા હતા. જોકે અમને હજી સુધી રિપોર્ટની ફાઇનલ કૉપી નથી મળી. કોરોના-નેગેટિવ આવેલા ૧૫ ગ્રાઉન્ડ-સ્ટાફને વાનખેડે સ્ટેડિયમમાં રાખવામાં આવ્યા છે.’

 

વાનખેડેમાં આઠ વાગ્યા પછી પણ પ્રૅક્ટિસ કરી શકશે ખેલાડીઓ: મહારાષ્ટ્ર સરકાર

મુંબઈમાં કોરોનાની સ્થિતિ વણસી રહી છે અને આઇપીએલ પણ ગણતરીના દિવસોમાં શરૂ થઈ રહી છે એવામાં મહારાષ્ટ્ર સરકારે ગઈ કાલે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રાતે આઠ વાગ્યા પછી ખેલાડીઓને પ્રૅક્ટિસ કરવાની અને નાઇટ કરફ્યુ દરમ્યાન સ્ટેડિયમથી ટીમની હોટેલ સુધી જવાની મંજૂરી આપી દીધી છે.

મુંબઈ-મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ વધતાં સરકારે સેક્શન-૧૪૪ અમલી બનાવ્યું હતું અને રાતે આઠથી સવારે સાત વાગ્યા સુધી કરફ્યુ જાહેર કર્યો છે. 

આઇપીએલની ટીમને બાયો-બબલમાં રહેવાની કડક સૂચના આપવામાં આવી છે. વળી મૅચના સમયને ધ્યાનમાં રાખીને તેઓ પ્રૅક્ટિસ કરી રહ્યા છે.

sports sports news cricket news