પાકિસ્તાન આ એશિયા કપમાં ટ્રોફી જીતવા માટે બેસ્ટ ટીમ છે

07 September, 2026 09:58 AM IST  |  Dubai | Gujarati Mid-day Correspondent

ભારત સામે ૫૫ રનમાં ઓલઆઉટ થઈ સાત વિકેટે હાર્યા છતાં વહાબ રિયાઝે પાકિસ્તાનને વિમેન્સ T20 એશિયા કપની શ્રેષ્ઠ ટીમ ગણાવી છે. હવે પાકિસ્તાનની નજર હૉન્ગકૉંગ સામેની નિર્ણાયક મૅચ પર છે.

પાકિસ્તાની મહિલા ટીમનો મેન્ટર વહાબ રિયાઝ

દુબઈમાં શનિવારે વિમેન્સ T20 એશિયા કપમાં ભારત સામે પંચાવન રનનો લોએસ્ટ સ્કોર કર્યા પછી પાકિસ્તાનને ૬૮ બૉલ પહેલાં ૭ વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. આ કારમી હાર છતાં પાકિસ્તાનનો ભૂતપૂર્વ ક્રિકેટર અને પાકિસ્તાની મહિલા ટીમનો મેન્ટર વહાબ રિયાઝ ટીમનાં ગુણગાન ગાઈ રહ્યો છે. 
૪૧ વર્ષનો વહાબ રિયાઝ કહે છે, ‘મારું માનવું છે કે અમારી ટીમના બધા ખેલાડીઓ ખૂબ જ કુશળ છે અને તેમને ફક્ત પોતાના પર વિશ્વાસ રાખવાની જરૂર છે. અમારી આગામી મૅચ હૉન્ગકૉન્ગ સામે છે. અમે ભારત સામે શું ખોટું કર્યું એની ચર્ચા કરીશું. અમે એ જ ભૂલો ન કરવાનો પ્રયાસ કરીશું. હું હજુ પણ માનું છું કે પાકિસ્તાન આ એશિયા કપમાં ટ્રોફી ઉપાડવા માટે શ્રેષ્ઠ ટીમ છે, કારણ કે પરિસ્થિતિઓ ખરેખર અમારા માટે અનુકૂળ છે.’
પાકિસ્તાન આજે પોતાની અંતિમ ગ્રુપ-સ્ટેજ મૅચ હૉન્ગકૉન્ગ સામે રમશે. હૉન્ગકૉન્ગ પોતાની બન્ને મૅચ હારીને ગ્રુપ Aમાં તળિયાની ટીમ છે. સેમી-ફાઇનલમાં સ્થાન પાકું કરવા માટે પાકિસ્તાને આજની મૅચ જીતવી પડશે. પાકિસ્તાન હારશે તો થાઇલૅન્ડ સાથે નેટ રનરેટના આધારે બીજી સેમી-ફાઇનલિસ્ટ નક્કી થશે. ભારત હૅટ-ટ્રિક જીત સાથે ૧૦ સપ્ટેમ્બરની સેમી-ફાઇનલ મૅચમાં સ્થાન મેળવી ચૂક્યું છે.

t20 asia cup team india indian womens cricket team cricket news pakistan dubai sports news sports