ભારતીય ટીમના કોચ પદ માટે કર્સ્ટન-સહેવાગ-જયવર્ધને એપ્લાય કરી શકે છે

23 July, 2019 10:37 PM IST  |  Mumbai

ભારતીય ટીમના કોચ પદ માટે કર્સ્ટન-સહેવાગ-જયવર્ધને એપ્લાય કરી શકે છે

Mumbai : ભારતીય ક્રિકેટ ટીમના નવા કોચ માટે અરજીઓ મંગાવવામાં આવી છે. જેની છેલ્લી તારીખ 30 જુલાઇ છે. રવિ શાસ્ત્રીનો મુખ્ય કોચ પદેનો કાર્યકાળ વર્લ્ડ કપ બાદ પુરો થઇ ગયો છે. પરંતુ વેસ્ટ ઇન્ડિઝ સીરિઝ સુધી તેનો કાર્યકાળ લંબાવવામાં આવ્યો છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ટીમ ઇન્ડિયાના કોચ પદ માટેનીરેસમાં ભારતના પુર્વ કોચ ગેરી કર્સ્ટન, મહેલા જયવર્દને, ટોમ મૂડી અને વીરેન્દ્ર સહેવાગ શામેલ છે.


કર્સ્ટનની કોચિંગમાં ભારતે 2011નો વર્લ્ડ કપ જીત્યો હતો

મહત્વની વાત છે કે ગેરી કર્સ્ટનની કોચિંગમાં ભારતીય ટીમે 28 વર્ષ બાદ એટલે કે 2011માં વર્લ્ડકપનો ખિતાબ જીત્યો હતો. તો બીજી તરફ શ્રીલંકાના દિગ્ગજ પુર્વ ક્રિકેટર મહેલા જયવર્દનેની કોચિંગમાં મુંબઈ ઇન્ડિયન્સ 2 વાર અને ટોમ મૂડીએ સનરાઇઝર્સ હૈદરાબાદને એક વાર ચેમ્પિયન બનાવ્યું હતું.


ગેરી કર્સ્ટન

ગેરી કર્સ્ટનનું નામ ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરમાં લખાશે. કારણ કે તેની આગેવાનીમાં ભારતીય ટીમે 28 વર્ષ બાદ વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. વર્ષ 2007ના વર્લ્ડ કપમાં ગ્રેગ ચેપલની કોચીંગ સમયે ભારતીય ટીમ ગ્રુપ સ્ટેજમાંથી જ બહાર થઇ ગઇ હતી. ત્યાર બાજ વર્ષ 2008માં કર્સ્ટનને ટીમનો કોચ બનાવવામાં આવ્યો હતો. તેણે 2008થી 2011 દરમિયાન ટીમને કોચિંગ આપી હતી. પરિવાર સાથે સમય વિતાવવા તેણે પોતાનો કરાર વધાર્યો ન હતો. ભારત પછી તે 2 વર્ષ માટે દક્ષિણ આફ્રિકાનો કોચ રહ્યો હતો. તે પછી 2014માં દિલ્હી ડેરડેવિલ્ડનો કોચ અને 2018થી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો કોચ છે. બેંગ્લોરનો કેપ્ટન કોહલી છે. તાજેતરમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમના મુખ્ય કોચ માટે પણ કર્સ્ટનનું નામ આગળ આવ્યું હતું.

મહેલ જયવર્દને

શ્રીલંકાના દિગ્ગજ ક્રિકેટર મહેલા જયવર્દનેની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દી શાનદાર રહી છે. તે શ્રીલંકા ટીમનો સુકાની રહી ચુક્યો છે. તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 20 હજારથી વધુ રન કરી ચુક્યો છે. તે 2015માં ઇંગ્લેન્ડની ટીમનો બેટિંગ સલાહકાર હતો. તે પછી 2017માં તેને મુંબઈ ઇન્ડિયન્સનો કોચ બનાવવામાં આવ્યો હતો. તેના કોચિંગમાં મુંબઇની ટીમ 2017 અને 2019 માં ચેમ્પિયન બની હતી. જયવર્દને 2008થી 2010 સુધી કિંગ્સ ઇલેવન પંજાબ, 2011માં કોચી ટસ્કર્સ કેરેલા અને 2012થી 2014 દરમિયાન દિલ્હી ડેરડેવિલ્સ માટે આઇપીએલમાં રમતો હતો.


આ પણ જુઓ : રવિન્દ્ર જાડેજાઃ 'સર'નો આવો છે રજવાડી અંદાજ

વીરેન્દ્ર સહેવાગ

અનિલ કુંબલેએ જ્યારે 2017માં કોચ પદેથી રાજીનામુ આપ્યું ત્યારે વીરેન્દ્ર સહેવાગ મુખ્ય દાવેદાર તરીકે સામે આવ્યો હતો. સિલેક્શન દરમિયાન તેના કેઝ્યુલ અપ્રોચના લીધે સિલેક્શન કમિટીએ તેને કોચ બનાવ્યો ન હતો. સહેવાગ 2016માં કિંગ્સ ઇલેવન પંજાબનો મેન્ટર પણ રહ્યો હતો. તેણે 30થી વધુ ટેસ્ટ અને 50થી વધુ વનડે રમી છે, પરંતુ તેની પાસે કોચિંગનું કોઈ સર્ટિફિકેટ નથી. કોચ પદ માટે બીસીસીઆઈએ 2 વર્ષનો અનુભવ માગ્યો છે.

 

 

ટોમ મૂડી

ઓસ્ટ્રેલિયાનો પૂર્વ ઓલરાઉન્ડર ટોમ મૂડી 2005માં જોન રાઈટ પછી ભારતના કોચ બનવા માટે દાવેદાર હતો. પરંતુ ચેપલને તે જવાબદારી સોંપવામાં આવી હતી, મૂડીના કોચિંગમાં શ્રીલંકા 2007ના વર્લ્ડકપની ફાઇનલમાં પહોંચ્યું હતું. તેણે 2007માં બિગ બેશમાં વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાને ટ્રેનિંગ આપી હતી. તે પછી આઇપીએલમાં કિંગ્સ ઇલેવન પંજાબ અને સનરાઇઝર્સ હૈદરાબાદનો પણ કોચ રહ્યો હતો. તેના કોચિંગ હેઠળ હૈદરાબાદ 2016માં ચેમ્પિયન બન્યું હતું.

આ પણ જુઓ : કોણ છે આ ગ્લેમરસ ચહેરો, મૅચ દરમિયાન થઈ રહ્યો છે ફૅમસ

રવી શાસ્ત્રીના કોચિંગમાં ટીમ 4માંથી 3 મોટી સિરીઝ હારી
57 વર્ષીય શાસ્ત્રી ટીમ ઇન્ડિયાના કેપ્ટન કોહલીની પસંદ છે. શાસ્ત્રી પાસે કોચ તરીકે પોતાને સાબિત કરવા 4 તક હતી- દક્ષિણ આફ્રિકા, ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ સિરીઝ અને તેમજ વર્લ્ડકપ ફાઇનલ. ટીમ દક્ષિણ આફ્રિકા અને ઇંગ્લેન્ડ સામે સિરીઝ હારી ગયું હતું. જયારે વર્લ્ડકપમાં સેમિફાઇનલથી આગળ વધી શક્યું ન હતું. જોકે તેના નામે એક બહુ મોટી ઉપલબ્ધી છે. તેના કોચિંગમાં ભારત પહેલી વાર ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ સિરીઝ જીત્યું છે.