આરસીબી કરતાં ભારતીય ટીમને લીડ કરતો કોહલી વધારે અગ્રેસિવ છે: પાર્થિવ

29 June, 2020 07:11 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

આરસીબી કરતાં ભારતીય ટીમને લીડ કરતો કોહલી વધારે અગ્રેસિવ છે: પાર્થિવ

વિકેટકીપરની ફરજ બજાવી ચૂકેલા પ્લેયર પાર્થિવ પટેલનું કહેવું છે કે ભારતીય ક્રિકેટ ટીમને લીડ કરતો વિરાટ કોહલી રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોરના કૅપ્ટન કોહલી કરતાં વધારે અગ્રેસિવ છે. પાર્થિવ પટેલ ભારતીય ક્રિકેટ ટીમમાં અને આઇપીએલમાં કોહલીના નેતૃત્વમાં ક્રિકેટ રમ્યો છે.

વિરાટ કોહલી વિશે વાત કરતાં પાર્થિવ પટેલે કહ્યું કે ‘ટીમમાં તમારી પાસે કેવા-કેવા પ્લેયર્સ છે એના પર કૅપ્ટનની અગ્રેસિવનેસ આધાર રાખે છે. જ્યારે તે ભારતીય ક્રિકેટ ટીમનું નેતૃત્વ કરે છે ત્યારે તમને એક અલગ કૅપ્ટન જોવા મળે છે. એ વખતે તેની પાસે જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ શમી જેવા સારા બોલરો હોય છે જે વિકેટ લઈ શકે છે. આની સામે રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોરનો કૅપ્ટન સાવ અલગ છે. ત્યાં તે ટીમને તેની ક્ષમતા પ્રમાણે રમવાની તક આપે છે. જો એવામાં તમને વિકેટ ન મળે તો તમારે ડિફેન્સિવ ગેમ રમવી પડે છે. માટે મારું માનવું છે કે આરસીબીને લીડ કરવા કરતાં વિરાટ કોહલી ઇન્ડિયન ક્રિકેટ ટીમને લીડ કરવામાં વધારે અગ્રેસિવ રમત રમે છે.’

આ ઉપરાંત પાર્થિવ પટેલે મહેન્દ્ર સિંહ ધોની અને રોહિત શર્માની કપ્તાનીનનાં અને તેમની ગેમનાં પણ વખાણ કર્યાં હતાં.

જ્યારે ઇન્ડિયન ક્રિકેટ ટીમના બૅટિંગ-કોચ વિક્રમ રાઠોડનું કહેવું છે કે, વિરાટ કોહલીની સ્ટ્રેન્ગ્થ એ જ છે કે એ જરૂરિયાત પ્રમાણે પોતાની ગેમ બદલી શકે છે. કોહલી ક્રિકેટનાં ત્રણેય ફૉર્મેટમાં ઇન્ડિયન ટીમનું નેતૃત્વ સારી રીતે કરી રહ્યો છે જેના સંદર્ભમાં વિક્રમે ઉક્ત વાત કરી હતી.

વિક્રમ રાઠોડે કહ્યું કે ‘મારા માટે વિરાટ કોહલીની સૌથી સારી વાત એ છે કે તે પોતાની ગેમ પ્રત્યે કમિટેડ છે. તે વર્લ્ડનો બેસ્ટ પ્લેયર બનવા માગે છે અને એ માટે તે સખત મહેનત પણ કરે છે. તેના જેવો મહેનતુ ક્રિકેટર મેં આજ સુધી નથી જોયો. મારા ખ્યાલથી જરૂરિયાત પ્રમાણે પોતાની ગેમ બદલવી એ જ તેની સૌથી મોટી સ્ટ્રેન્ગ્થ છે. તે એક ડાયમેન્શનમાં રમનારો પ્લેયર નથી. જરૂરિયાત પ્રમાણે તે પોતાની ગેમ બદલવાનું જાણે છે. કોહલીનું સૌથી સારું ઉદાહરણ આપું તો ૨૦૧૬ની આઇપીએલમાં તેણે ૪૦૦ રન કર્યા હતા અને ૪૦ સિક્સર ફટકારી હતી. ત્યાર બાદ વેસ્ટ ઇન્ડીઝની સિરીઝમાં પણ તેણે સારું પર્ફોર્મ કર્યું હતું.’

sports sports news cricket news virat kohli parthiv patel