વિવિયન રિચર્ડ્‍સનો કોહલીએ આભાર માન્યો

09 December, 2019 10:05 AM IST  |  Trivendrum

વિવિયન રિચર્ડ્‍સનો કોહલીએ આભાર માન્યો

વિરાટ કોહલી

ઇન્ડિયા અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે બીજી ટી૨૦ મૅચ ગઈ કાલે થિરુવનંતપુરમમાં રમાઈ હતી, પણ પહેલી ટી૨૦માં વિરાટ કોહલીની નૉટ-આઉટ ૯૪ રનની ઇનિંગનાં વખાણ હજી પણ કરાઈ રહ્યાં છે. વેસ્ટ ઇન્ડીઝના લેજન્ડ વિવિયન રિચર્ડ્સે ખુદ સામે આવીને સોશ્યલ મીડિયા પર કોહલીની વાહવાહી કરી છે.
કોહલીની ધમાકેદાર ઇનિંગની પ્રશંસા કરતાં રિચર્ડ્સે કહ્યું હતું કે ‘અમૅઝિંગ, જસ્ટ અમૅઝિંગ વિરાટ કોહલી.’
કોહલીએ રિચર્ડ્સની આ વાતનો જવાબ આપતાં તેનો આભાર માન્યો હતો. કોહલીએ કહ્યું હતું કે ‘થૅન્ક યુ બિગ બૉસ. તમારા તરફથી આ વાત કહેવામાં આવી એ મારા માટે ઘણી મહત્ત્વની છે.’
વેસ્ટ ઇન્ડીઝ સામેની બીજી ટી૨૦ મૅચ પહેલાં કોહલીએ આ ફૉર્મેટમાં ઘરઆંગણે કુલ ૯૭૫ રન બનાવ્યા છે. જો વિરાટ થિરુવનંતપુરમમાં રમાનારી ટી૨૦માં ૨૫ રન બનાવી લે તો આ ફૉર્મેટમાં ૧૦૦૦ રન બનાવનારો તે પહેલો ભારતીય પ્લેયર બની જશે.

રોહિતથી આગળ કોહલી

ટી૨૦ ક્રિકેટમાં સૌથી વધારે રન કરવાની ભાગંભાગમાં ગઈ કાલે વિરાટ કોહલી રોહિત શર્માથી આગળ નીકળી ગયો હતો. વિરાટ ગઈ કાલની મૅચમાં માત્ર ૧૯ રને જ્યારે રોહિત ૧૫ રને આઉટ થયો હતો. તેમ છતાં આટલા સ્કોર કરી વિરાટના ટી૨૦માં કુલ રનોનો આંકડો ૨૫૬૩ થયો છે, જ્યારે રોહિત શર્માના ટી૨૦માં કુલ રનોનો આંકડો ૨૫૬૨ છે. માર્ટિન ગપ્ટિલ આ રૅન્કિંગમાં ૨૪૩૬ રન સાથે ત્રીજા સ્થાને અને શોહેબ મલિક ૨૨૬૩ રન સાથે ચોથા ક્રમાંકે છે.

virat kohli sports news