કોહલીએ વર્લ્ડ કપમાં પ્રેક્ષકોને સ્મિથનો હુરિયો બોલાવતા કેમ રોક્યા?

16 December, 2020 07:41 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

કોહલીએ વર્લ્ડ કપમાં પ્રેક્ષકોને સ્મિથનો હુરિયો બોલાવતા કેમ રોક્યા?

ફાઈલ તસવીર

વિરાટ કોહલી અને ઓસ્ટ્રેલિયાનો સ્ટીવ સ્મિથ ચાર ટેસ્ટ સીરિઝની પ્રથમ ટેસ્ટ પહેલાં પોતપોતાના ક્રિકેટિંગ કરિયર વિશે વાતચીત કરવા ભેગા થયા હતા. બંનેએ આ દરમિયાન 2019 વનડે વર્લ્ડ કપની એ ઘટના વિશે પણ ચર્ચા કરી હતી જ્યારે કોહલીએ સ્ટિવ સ્મિથનો હુરિયો બોલાવતા ભારતીય પ્રેક્ષકોને રોક્યા હતા.

સ્મિથે કહ્યું કે, એ રાત્રે મેં વિરાટને મેસેજ કરીને થેંક્યું કહ્યું હતું. તેમજ તેની આ એક્શનને વર્લ્ડ ક્લાસ કહી હતી. પરંતુ વિરાટ તે પ્રેક્ષકોને કેમ રોક્યા હતા?

કોહલીએ જવાબ આપતા કહ્યું કે, એક ઘટના (બોલ ટેમ્પરિંગ) બની ગઈ હતી. તમે લોકોએ સજા ભોગવી લીધી હતી. લાંબા સમય પછી પરત ફરી રહ્યા હતા. મને જે થઈ રહ્યું હતું તે બિલકુલ યોગ્ય ન લાગ્યું. કોહલીએ વધુમાં કહ્યું કે, જીવનમાં કોઈપણ વસ્તુ કાયમી નથી. મને લાગ્યું કે એક વ્યક્તિને ટાર્ગેટ કરવો ખોટો છે. તમે એકબીજા કેટલું પણ રમો તમારી પણ એક હ્યુમન સાઈડ હોય છે. અત્યારે આપણે અહીં સાથે બેસીને વાતો કરી રહ્યા છીએ. 

ઓસ્ટ્રેલિયાનો ભૂતપૂર્વ કેપ્ટન અને બોલ ટેમ્પરિંગના કારણે એક વર્ષના પ્રતિબંધનો સામનો કરી ચૂકેલો સ્ટિવ સ્મિથ ભારતીય ટીમની બેટિંગ વખતે જ્યારે બાઉન્ડ્રી પર ફિલ્ડીંગ કરી રહ્યો હતો ત્યારે સ્ટેડિયમમાં રહેલા ભારતીય પ્રેક્ષકોએ તેનો હુરિયો બોલાવ્યો હતો.

બેટિંગ કરી રહેલા ભારતીય કેપ્ટન વિરાટ કોહલીને જ્યારે તેની ખબર પડી ત્યારે તેણે પ્રેક્ષકોને હુરિયો ન બોલાવીને, સ્મિથને પ્રોત્સાહિત કરવા માટે જણાવ્યું હતું.

virat kohli steve smith cricket news australia world cup 2019