29 January, 2025 07:39 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
દિલ્હીમાં પ્રૅક્ટિસ-સેશન દરમ્યાન યંગ ફૅન સાથે વાતચીત કરી વિરાટ કોહલીએ.
ભારતનો ૩૬ વર્ષનો સ્ટાર બૅટર વિરાટ કોહલી આવતી કાલે એક દાયકા બાદ દિલ્હીની ડોમેસ્ટિક ટીમ માટે મેદાન પર ઊતરશે. ગુરુવારથી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રેલવેઝ સામેની ગ્રુપ-Dની મૅચ વિરાટ કોહલી માટે ડોમેસ્ટિક ક્રિકેટની કમબૅક મૅચ બનશે. કોહલી છેલ્લે નવેમ્બર ૨૦૧૨માં ગાઝિયાબાદમાં ઉત્તર પ્રદેશ સામે રણજી મૅચ રમ્યો હતો, જ્યારે સપ્ટેમ્બર ૨૦૧૩માં તે દિલ્હી માટે વન-ડે ફૉર્મેટની ચૅલેન્જર ટ્રોફીની ફાઇનલમાં રમ્યો હતો.
નવેમ્બર ૨૦૧૨માં જ્યારે તે ઉત્તર પ્રદેશ સામે છેલ્લી રણજી મૅચ રમ્યો ત્યારે તેણે વીરેન્દર સેહવાગના નેતૃત્વમાં દિલ્હી માટે પહેલા દાવમાં ૧૯ બૉલમાં ૧૪ રન અને બીજા દાવમાં ૬૫ બૉલમાં ૪૩ રનની ઇનિંગ્સ રમી હતી. આ મૅચમાં ઉત્તર પ્રદેશે છ વિકેટે જીત મેળવી હતી.
ઇંગ્લૅન્ડ સામેની વન-ડે ફૉર્મેટની સિરીઝની તૈયારી માટે ભારતીય વિકેટકીપર-બૅટર રિષભ પંત આ રણજી મૅચમાં નથી રમવાનો. દિલ્હીની ટીમ દ્વારા વિરાટ કોહલીને કૅપ્ટન્સી કરવા માટે ઑફર કરવામાં આવી હતી, પણ તેણે પચીસ વર્ષના બૅટર આયુષ બડોનીને જ કૅપ્ટન તરીકે જાળવી રાખવાનું સૂચન કર્યું જેને કારણે આ ૩૬ વર્ષનો સ્ટાર બૅટર પચીસ વર્ષના યંગ બૅટરના નેતૃત્વમાં પોતાની કમબૅક મૅચ રમશે.
કમબૅક મૅચ પહેલાં મસ્તી-મજાક સાથે પ્રૅક્ટિસ-સેશનનો આનંદ માણ્યો વિરાટ કોહલીએ.
ગઈ કાલે સવારે મુંબઈથી દિલ્હી પહોંચેલા વિરાટ કોહલીએ અરુણ જેટલી સ્ટેડિયમમાં સાથી પ્લેયર્સ સાથે ૪૫ મિનિટ સુધી પ્રૅક્ટિસ કરી હતી. દિલ્હીના મુખ્ય કોચ સરનદીપ સિંહના માર્ગદર્શન હેઠળ પ્રૅક્ટિસ ડ્રિલ યોજાઈ હતી. તેણે આ દરમ્યાન જમણા અને ડાબા હાથના કુલ પાંચ ઝડપી બોલરો સામે બૅટિંગનો અભ્યાસ કર્યો હતો. સાથે જ બે ડાબોડી સ્પિનર્સનો પણ સામનો કર્યો હતો. કોહલી પોતાની બૅકફુટ રમતને મજબૂત બનાવવા માટે ૧૬ યાર્ડના અંતરેથી થ્રોડાઉન પણ રમ્યો, જ્યારે તેનું સંપૂર્ણ ધ્યાન તેની ફ્રન્ટફુટ અને બૅકફુટ રમતને મજબૂત બનાવવા પર રહ્યું.
દિલ્હીની ટીમના સાથી પ્લેયર્સ સાથે ફીલ્ડિંગ પ્રૅક્ટિસ પણ કરી વિરાટ કોહલીએ.
|
દિલ્હી માટે કોહલીનો રણજીનો રેકૉર્ડ |
|
|
કુલ મૅચ |
૨૩ |
|
રન |
૧૫૭૪ |
|
ઍવરેજ |
૫૦.૭૭ |
|
સેન્ચુરી |
૫ |
ફૅન્સ માટે સ્ટેડિયમમાં એન્ટ્રી મફત, સિક્યૉરિટીમાં વધારો
દિલ્હીની ડોમેસ્ટિક ટીમ માટે આવતી કાલની મૅચ ઐતિહાસિક બનવા જઈ રહી છે. એક દાયકા બાદ વિરાટ કોહલી દિલ્હી માટે રમવા ઊતરશે જેને કારણે સુરક્ષાવ્યવસ્થા વધારવામાં આવી છે. દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં ફૅન્સને મફતમાં એન્ટ્રી મળશે. સામાન્ય રીતે દર્શકો માટે રણજી મૅચમાં એક સ્ટૅન્ડ ખુલ્લું રાખવામાં આવે છે, પણ આ મૅચ માટે ત્રણ સ્ટૅન્ડ ખોલવામાં આવશે. નિયમિત રણજી મૅચ માટે સામાન્ય રીતે ૧૦થી ૧૨ વ્યક્તિગત સુરક્ષા ગાર્ડ હોય છે, પણ સ્ટાર પ્લેયરની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કડક સુરક્ષાવ્યવસ્થા માટે દિલ્હી પોલીસને જાણ કરવામાં આવી છે. દર્શકોએ સુરક્ષા-તપાસમાંથી પસાર થવું પડશે. ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) અને જિયોસિનેમા સાથે મળીને આ મૅચના લાઈવ ટેલિકાસ્ટની તૈયારી કરી રહ્યાં છે.
0018 નંબરવાળી પૉર્શેમાં આવ્યો કોહલી
વિરાટ કોહલી અરુણ જેટલી સ્ટેડિયમમાં 0018 નંબર ધરાવતી તેની પૉશ પૉર્શે કારમાં આવ્યો હતો. ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં કોહલીનો જર્સી-નંબર પણ 18 છે.