રમતમાં ટકી રહેવા અને ખુશ રહેવા માટે કૅપ્ટન્સી છોડી દીધી હતી : વિરાટ કોહલી

07 May, 2025 08:48 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઑલમોસ્ટ એક દાયકા સુધી ભારત અને રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ (RCB)ની ટીમનું નેતૃત્વ કરનાર વિરાટ કોહલીએ પોતાના મુશ્કેલ તબક્કા વિશે મહત્ત્વપૂર્ણ ખુલાસો કર્યો છે.

વિરાટ કોહલી

ઑલમોસ્ટ એક દાયકા સુધી ભારત અને રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ (RCB)ની ટીમનું નેતૃત્વ કરનાર વિરાટ કોહલીએ પોતાના મુશ્કેલ તબક્કા વિશે મહત્ત્વપૂર્ણ ખુલાસો કર્યો છે. RCB બોલ્ડ ડાયરીઝના એક એપિસોડમાં તેણે કહ્યું, ‘એક સમય એવો આવ્યો જ્યારે મારા માટે ખૂબ જ મુશ્કેલ બની ગયું, કારણ કે મારી કરીઅરમાં ઘણું બધું થઈ રહ્યું હતું. હું સાત-આઠ વર્ષ સુધી ભારતનું નેતૃત્વ કરી રહ્યો હતો. મેં નવ વર્ષ સુધી RCBનું નેતૃત્વ કર્યું. હું જે પણ મૅચ રમ્યો એમાં બૅટિંગમાં મારી પાસેથી ઘણી અપેક્ષાઓ રાખવામાં આવી રહી હતી. મને ખ્યાલ પણ નહોતો કે હું ધ્યાન કેન્દ્રિત કરવામાં સંઘર્ષ કરી રહ્યો છું. ક્યારેક કૅપ્ટન્સીમાં તો ક્યારેય બૅટિંગમાં હું ફોકસ ગુમાવી રહ્યો હતો. એટલા માટે જ મેં કૅપ્ટન્સી છોડી દીધી, કારણ કે મને લાગ્યું કે જો હું આ રમતમાં ટકી રહેવા માગું છું તો મારા માટે ખુશ રહેવું મહત્ત્વપૂર્ણ છે. મને મારા જીવનમાં એક એવી જગ્યાની જરૂર હતી જ્યાં હું આરામદાયક રહી શકું અને મારું ક્રિકેટ રમી શકું, કોઈ પણ ટીકા વિના, એક સીઝનમાં તમે (ટીમ માટે) શું કરવા જઈ રહ્યા છો અને આગળ શું થવાનું છે એ જોયા વિના.’  

વિરાટ કોહલીનો ભારતીય ટીમ માટે કૅપ્ટન્સીમાં પર્ફોર્મન્સ

ભારત માટે કોહલીએ ૬૮ ટેસ્ટ, ૯૫ વન-ડે અને ૫૦ T20 મૅચમાં કૅપ્ટન્સી કરી હતી. તેણે ૨૦૧૯માં વન-ડે, ૨૦૨૧માં T20 અને ૨૦૨૨માં ટેસ્ટ-ટીમની કૅપ્ટન્સી છોડી દીધી હતી. બૅન્ગલોર માટે ૧૪૩ IPL મૅચમાં કૅપ્ટન્સી કર્યા બાદ તેણે ૨૦૨૧ બાદ એ પદેથી પણ રાજીનામું આપી દીધી હતું.

virat kohli royal challengers bangalore indian premier league IPL 2025 cricket news sports news sports