29 September, 2026 09:44 AM IST | Thiruvananthapuram | Gujarati Mid-day Correspondent
વિરાટ કોહલી
૩૭ વર્ષના વિરાટ કોહલીએ રવિવારે વેસ્ટ ઇન્ડીઝ સામે તોફાની બૅટિંગ કરીને ઇન્ટરનૅશનલ કરીઅરની ૮૬મી સદી પૂરી કરી હતી. સચિન તેન્ડુલકરના ૧૦૦ સદીના માઇલસ્ટોનની બરાબરી કરવા હવે તેને ૧૪ સદી અને રેકૉર્ડ તોડવા ૧૫ સદીની જરૂર છે.
જાહેર થયેલા શેડયુલ અનુસાર ભારત કૅરિબિયન ટીમ સામેની બે મૅચ પછી ન્યુ ઝીલૅન્ડ સામે પાંચ વન-ડે, શ્રીલંકા અને ઝિમ્બાબ્વે સામે ત્રણ-ત્રણ વન-ડે મૅચ રમશે. બંગલાદેશ સામેની ૩ વન-ડે મૅચની સિરીઝ ૨૦૨૫માં પોસ્ટપોન થઈ હતી એ આગામી વર્ષે જાન્યુઆરીમાં રમાવાની સંભાવના છે.
સપ્ટેમ્બર ૨૦૨૭માં બંગલાદેશમાં વન-ડે ફૉર્મેટના એશિયા કપનું પણ આયોજન છે જેમાં ગ્રુપ-સ્ટેજની બે, સુપર ફોરની બે અને નૉકઆઉટની બે સહિત ટોટલ ૬ મૅચ રમાશે.
૨૦૨૭માં ૪ ઑક્ટોબરથી ૨૧ નવેમ્બર વચ્ચે ૧૪ ટીમો વચ્ચે વન-ડે વર્લ્ડ કપ રમાવાનો છે. આ ટુર્નામેન્ટમાં ભારતની જર્સીમાં છેલ્લી વખત રમીશ એવી જાહેરાત વિરાટ કોહલી કરી ચૂક્યો છે. વર્લ્ડ કપમાં ફાઇનલ સુધી ભારતને ૧૩ વન-ડે રમવાની તક મળશે.
રાજકીય માહોલને જોતાં જો બંગલાદેશ સામેની વન-ડે સિરીઝ ન પણ થાય તો વિરાટ કોહલી પાસે ૧૦૦ સદીના માઇલસ્ટોન સુધી પહોંચવા માટે ૩૦થી ૩૨ મૅચો બચી છે. ઇન્જરીઓ, ખરાબ હવામાન, વરસાદ જેવાં પરિબળો વિરાટને આ માઇલસ્ટોન સુધીમાં પહોંચવામાં પડકાર આપી શકે છે.
સપ્ટેમ્બર-ઑક્ટોબર ૨૦૨૬ વેસ્ટ ઇન્ડીઝ સામે ૨ મૅચ
ઑક્ટોબર-નવેમ્બર ૨૦૨૬ ન્યુ ઝીલૅન્ડ સામે પાંચ મૅચ
ડિસેમ્બર ૨૦૨૬ શ્રીલંકા સામે ૩ મૅચ
જાન્યુઆરી ૨૦૨૭ ઝિમ્બાબ્વે સામે ૩ મૅચ
જાન્યુઆરી ૨૦૨૭ બંગલાદેશ સામે સંભવિત ૩ મૅચ
સપ્ટેમ્બર ૨૦૨૭ એશિયા કપ ફાઇનલ સુધી ૬ મૅચ
ઑક્ટોબર-નવેમ્બર ૨૦૨૭ વર્લ્ડ કપ ગ્રુપ-સ્ટેજની પાંચ મૅચ
ઑક્ટોબર-નવેમ્બર ૨૦૨૭ વર્લ્ડ કપ સુપર સેવનની ૬ મૅચ
ઑક્ટોબર-નવેમ્બર ૨૦૨૭ વર્લ્ડ કપ સેમી ફાઇનલ અને ફાઇનલ મૅચ
મારું ધ્યાન ક્યારેય આવા માઇલસ્ટોન્સ પર રહ્યું નથી. વાત માત્ર પરિસ્થિતિને સમજવાની અને ટીમ માટે મારું કામ કરવાની છે. સિદ્ધિઓ તો આપોઆપ મળતી રહે છે
- વિરાટ કોહલી