વિરાટ કોહલીએ છોડી દીધી ટેસ્ટની કેપ્ટન્સી, સોશિયલ મીડિયા પર શેર કર્યો ઈમોશનલ લેટર

15 January, 2022 07:27 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

તેણે ટ્વિટ કરીને ચાહકોને આ માહિતી આપી હતી.

ફાઇલ તસવીર

વિરાટ કોહલીએ ODI અને T20 બાદ હવે ભારતની ટેસ્ટ ટીમની કેપ્ટન્સી છોડી દીધી છે. તેણે ટ્વિટ કરીને ચાહકોને આ માહિતી આપી હતી. અત્યાર સુધીમાં તેણે ટીમ ઈન્ડિયા માટે 68 ટેસ્ટ મેચમાં કેપ્ટનશિપ કરી છે. આ દરમિયાન ભારતે 40 મેચ જીતી છે અને 17 હારનો સામનો કરવો પડ્યો છે. ટીમ ઈન્ડિયાને તાજેતરમાં દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ શ્રેણીમાં 1-2થી હારનો સામનો કરવો પડ્યો હતો.

ભારતીય ટીમના દિગ્ગજ ખેલાડી વિરાટ કોહલીએ ટ્વિટર દ્વારા કેપ્ટનશિપ છોડવાની માહિતી આપી હતી. તેણે ટ્વિટર પર એક લાંબો પત્ર લખ્યો છે. આમાં તેણે BCCI અને તેના ફેન્સનો આભાર માન્યો છે. આ સાથે વિરાટે તેની અત્યાર સુધીની સફરનો પણ ઉલ્લેખ કર્યો છે.

વિરાટે પત્રમાં લખ્યું છે કે “મેં છેલ્લા 7 વર્ષમાં સખત મહેનત કરીને ટીમને સાચી દિશામાં લઈ જવાનો પ્રયાસ કર્યો છે. મેં મારી જવાબદારી પૂરી નિષ્ઠાથી નિભાવી છે.”

BCCIનો આભાર માનતા કોહલીએ લખ્યું કે “હું BCCIનો આભાર માનવ માગુ છું, તેઓએ મને આટલા લાંબા સમય સુધી ભારતીય ટીમનો કેપ્ટન રહેવાની તક આપી.”

ઉલ્લેખનીય છે કે વિરાટે ટીમ ઈન્ડિયા માટે અત્યાર સુધી 99 ટેસ્ટ મેચ રમી છે. આ દરમિયાન તેણે 7962 રન બનાવ્યા છે. કોહલીએ ટેસ્ટ ફોર્મેટમાં 27 સદી અને 28 અડધી સદી ફટકારી છે. ટેસ્ટમાં તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર અણનમ 254 રન છે.

sports news cricket news test cricket virat kohli