ગલવાનમાં શહીદ થનારા જવાનોને ક્રિકેટ જગતે આપી શ્રદ્ધાંજલિ

18 June, 2020 11:40 AM IST  |  New Delhi | Agencies

ગલવાનમાં શહીદ થનારા જવાનોને ક્રિકેટ જગતે આપી શ્રદ્ધાંજલિ

વિરાટ કોહલી, સાઈના નેહવાલ અને ઈરફાન પઠાણ.

ભારતીય ક્રિકેટ ટીમના કૅપ્ટન અને વાઇસ કૅપ્ટન વિરાટ કોહલી અને રોહિત શર્માએ ક્રિકેટ જગત વતી ગલવાન કલેશમાં શહીદ થનારા જવાનોને શ્રદ્ધાંજલિ આપી છે. પૂર્વી લદ્દાખના ગલવાન ખીણમાં સોમવારે રાત્રે ચીની પીપલ્સ લિબરેશન આર્મીના સૈનિકો સાથે અભૂતપૂર્વ હિંસક અથડામણમાં અધિકારીઓ સહિત ભારતીય સૈન્યના ૨૦ જવાન શહીદ થયા હોવાનું ભારતીય સેનાએ જણાવ્યું હતું. જવાનોને શ્રદ્ધા સુમન આપી વિરાટ કોહલીએ કહ્યું કે ‘ગલવાન ખીણમાં દેશની સુરક્ષા કરી રહેલા સોલ્જરો, જેમણે દેશ માટે પોતાનું જીવન સમર્પિત કર્યું છે તેમને દિલથી સૅલ્યુટ. આ કપરા સમયમાં તેમના પરિવારોનાં દુઃખમાં સહભાગી છું અને આશા છે કે ભગવાન તેમના આત્માને શાંતિ આપે.’

ભારતીય સેનાના જવાનોને રિયલ હીરો કહી રોહિત શર્માએ કહ્યું કે ‘આપણા રિયલ હીરોને સૅલ્યુટ, જેમણે બૉર્ડર પર અન્ય લોકોના જીવ બચાવવા પોતાના જીવને દાવ પર લગાવ્યા. ભગવાન તેમના પરિવારને તાકાત આપે.’

વિરાટ કોહલી અને રોહિત શર્મા ઉપરાંત વીરેન્દર સેહવાગે પણ તેમને શ્રદ્ધા સુમન આપ્યાં હતાં. સેહવાગે કહ્યું કે ‘સંતોષ બાબુ જેમણે ગેલવાન ખીણમાં પોતાના જીવનનું બલિદાન આપ્યું તેમને હું મારા શ્રદ્ધા સુમન અર્પણ કરું છું. એક મહાબીમારીના સમયમાં આ સૌથી છેલ્લી જરૂરિયાત છે જે આપણે ઇચ્છીએ છીએ. આશા કરું છું કે ચીનીઓ સુધરી જાય.’

સચીન તેન્ડુલકરે ટ્વીટ કર્યું હતું કે ‘આપણા દેશને બચાવી તેમણે જે સાહસભર્યું કામ કર્યું છે એ દ્વારા આપણા શહીદો હંમેશાં પ્રેરણા બની આપણી સાથે જીવંત રહેશે. દેશ આપણા જવાનોનો શોક મનાવી રહ્યો છે અને આપણે તેમના ફૅમિલી અને પેરન્ટ્સનાં આ દુખમાં સહભાગી છીએ. બધાના આત્માને શાંતિ મળે એવી પ્રાર્થના.’

યુવરાજ સિંહ, ઇરફાન પઠાણ અને ઈશાન્ત શર્મા જેવા દિગ્ગજ પ્લેયરોએ પણ શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી.

virat kohli rohit sharma pv sindhu saina nehwal sports news china