પૃથ્વી શૉની ડબલ સેન્ચુરીએ બનાવ્યો અનોખો રેકૉર્ડ

26 February, 2021 08:05 AM IST  |  Jaipuir | Gujarati Mid-day Correspondent

પૃથ્વી શૉની ડબલ સેન્ચુરીએ બનાવ્યો અનોખો રેકૉર્ડ

પૃથ્વી શૉ

વિજય હઝારે ટ્રોફીમાં ગઈ કાલે મુંબઈ અને પૉન્ડિચેરી વચ્ચે રમાયેલી મૅચમાં મુંબઈકર પૃથ્વી શૉએ અણનમ ૨૨૭ રનની ઘાતક ઇનિંગ રમીને રેકૉર્ડ કર્યો છે. પોતાની ઇનિંગમાં શૉએ ૧૫૨ બૉલમાં ૩૧ ચોગ્ગા અને પાંચ સિક્સર ફટકારી હતી. આ સાથે તેણે વિજય હઝારે ટ્રોફીમાં સૌથી વધારે વ્યક્તિગત સ્કોર બનાવવાનો રેકૉર્ડ પોતાના નામે કરી લીધો હતો. અગાઉ આ રેકૉર્ડ સંજુ સૅમસનના નામે હતો, જેણે ૨૦૧૯માં ગોવા સામે ૨૧૨ રન કર્યા હતા. આ ઉપરાંત શૉની લિસ્ટ-‘એ’ કરીઅરની આ પહેલી ડબલ સેન્ચુરી હતી અને આમ કરનાર તે આઠમો ભારતીય પ્લેયર અને વિજય હઝારે ટ્રોફીમાં ડબલ સેન્ચુરી કરનારો ચોથો પ્લેયર બન્યો છે. આ મૅચમાં સૂર્યકુમાર યાદવે પણ ૫૮ બૉલમાં ૨૨ ચોગ્ગા અને ચાર સિક્સર વડે ૧૩૩ રન કર્યા હતા. પૉન્ડિચેરી સામેની આ મૅચમાં મુંબઈએ ૪૫૭ રન બનાવ્યા હતા જેની સામે પૉન્ડિચેરી ૨૨૪ રનમાં ઑલઆઉટ થતાં મુંબઈએ ૨૩૩ રને મૅચ પોતાના કબજામાં કરી લીધી હતી.

સૂર્યકુમાર હવે વિરાટ કરતાં પણ ફાસ્ટ

મુંબઈ અને પૉન્ડિચેરી વચ્ચેની મૅચમાં ૧૩૩ રનની પારી રમીને સૂર્યકુમાર યાદવે લિસ્ટ-‘એ’ ક્રિકેટમાં ફાસ્ટેસ્ટ સેન્ચુરી કરવાનો વિરાટ કોહલીનો રેકૉર્ડ તોડ્યો હતો. સૂર્યકુમારે ૨૨૯.૩૧ની સ્ટ્રાઇક રેટથી રમતાં ૫૦ બૉલમાં પોતાની સેન્ચુરી બનાવી હતી. આ પહેલાં ૨૦૧૩માં ઑસ્ટ્રેલિયા સામે રમતાં જયપુરમાં વિરાટ કોહલીએ બાવન બૉલમાં સેન્ચુરી બનાવી હતી. લિસ્ટ -‘એ’માં સૌથી ફાસ્ટેસ્ટ સેન્ચુરી યુસુફ પઠાણે ૨૦૧૦માં અમદાવાદમાં મહારાષ્ટ્ર સામેની મૅચમાં માત્ર ૪૦ બૉલમાં કરી હતી.

sports sports news cricket news vijay hazare trophy prithvi shaw