બે વર્લ્ડ કપ રમનાર વેદા ક્રિષ્ણામૂર્તિ ઇન્ટરનૅશનલ ક્રિકેટમાંથી રિટાયર થઈ

26 July, 2025 04:25 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ટૉપ ઓર્ડર બૅટર ભારતીય વિમેન્સ ટીમ માટે એક દાયકામાં ૪૮ વન-ડે અને ૭૬ T20 મૅચ રમી હતી

વેદા ક્રિષ્ણામૂર્તિ

ભારતીય વિમેન્સ ટીમની મિડલ ઑર્ડર બૅટર વેદા ક્રિષ્ણામૂર્તિએ ઇન્ટરનૅશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. ભારત માટે વન-ડે વર્લ્ડ કપ 2017 અને T20 વર્લ્ડ કપ 2020 રમનાર વેદા પાંચ વર્ષ પહેલાં ઇન્ટરનૅશનલ ક્રિકેટ રમી હતી. ૨૦૨૦ના T20 વર્લ્ડ કપની ઑસ્ટ્રેલિયા સામેની મેલબર્નમાં આયોજિત ફાઇનલ મૅચ તેની અંતિમ મૅચ હતી. વેદાની છેલ્લી પ્રોફેશનલ મૅચ ગયા વર્ષે વિમેન્સ પ્રીમિયર લીગમાં ગુજરાત જાયન્ટ્સ માટે રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ સામે હતી.

કર્ણાટકના ભૂતપૂર્વ ક્રિકેટર અર્જુન હોયસાલા સાથે લગ્ન કરનાર ૩૨ વર્ષની વેદાએ સોશ્યલ મીડિયા પર લખ્યું છે કે નાના શહેરની છોકરીથી લઈને મોટાં સપનાંઓ સાથે ભારતીય ટીમની જર્સી પહેરીને ગર્વથી રમી રહી છું. ક્રિકેટે મને જે પાઠ, લોકો અને યાદો આપી છે એ માટે હું આભારી છું. હવે અલવિદા કહેવાનો સમય છે, પણ હંમેશાં ભારતીય ટીમ માટે ઉપલબ્ધ રહીશ.

વેદા ક્રિષ્ણામૂર્તિનો કેવો રહ્યો છે ક્રિકેટ રેકૉર્ડ? 
કર્ણાટકમાં જન્મેલી વેદાએ ૨૦૧૧થી ૨૦૨૦ સુધી ૪૮ વન-ડેમાં ૮ ફિફટીની મદદથી ૮૨૯ રન કર્યા છે, જ્યારે ૭૬ T20માં તેણે બે ફિફટી સાથે ૮૭૫ રન કર્યા છે. વિમેન્સ પ્રીમિયર લીગમાં તેણે ચાર મૅચમાં માત્ર બાવીસ રન અને વિમેન્સ બિગ બૅશ લીગમાં ૯ મૅચમાં ૧૪૪ રન કર્યા છે. મોટા પ્લૅટફૉર્મ પર કોઈ સેન્ચુરી ન ફટકારી શકનાર વેદા વન-ડેમાં સ્પિનર તરીકે ૩ વિકેટ લઈ ચૂકી છે.

indian womens cricket team cricket news indian cricket team t20 world cup t20 womens premier league sports news sports board of control for cricket in india