IPLના યંગેસ્ટ કરોડપતિ વૈભવ સૂર્યવંશીના તરખાટથી ભારત અન્ડર-19 એશિયા કપના ફાઇનલમાં

07 December, 2024 09:30 AM IST  |  Abu Dhabi | Gujarati Mid-day Correspondent

શ્રીલંકાને આસાનીથી હરાવ્યું : પાકિસ્તાનને હરાવીને બંગલાદેશ પણ ફાઇનલમાં : રવિવારે દુબઈમાં ફાઇનલ

વૈભવ સૂર્યવંશી

ભારતની અન્ડર-19 ટીમ ગઈ કાલે શ્રીલંકાને હરાવીને વન-ડે એશિયા કપની ફાઇનલમાં પહોંચી ગઈ હતી. શ્રીલંકાએ પહેલાં બૅટિંગ કરીને ૪૬.૨ ઓવરમાં તમામ વિકેટો ગુમાવીને ૧૭૩ રન કર્યા હતા. ભારતે માત્ર ૨૧.૪ ઓવરમાં ત્રણ વિકેટે ૧૭૫ રન કરીને ફાઇનલમાં ધમાકેદાર એન્ટ્રી મારી હતી.

ભારતની જીતમાં IPLનો યંગેસ્ટ કરોડપતિ ૧૩ વર્ષનો વૈભવ સૂર્યવંશી ઝળક્યો હતો. ઓપનિંગમાં આવેલા વૈભવે ૩૬ બૉલમાં ૬૭ રન ફટકારીને ધમાલ મચાવી દીધી હતી. તેણે ૬ ફોર અને પાંચ સિક્સર ફટકારી હતી. વૈભવ સાથે જ ઓપનિંગમાં આવેલા આયુષ મ્હાત્રેએ ૨૮ બૉલમાં ૩૪ રન કર્યા હતા. બન્નેએ પહેલી વિકેટ માટે ૯૧ રનની પાર્ટનરશિપ કરી હતી. બિહારના વૈભવ સૂર્યવંશીને પ્લેયર ઑફ ધ મૅચ જાહેર કરવામાં આવ્યો હતો.

અન્ય સેમી ફાઇનલમાં બંગલાદેશે પાકિસ્તાનને હરાવ્યું હતું. બંગલાદેશે ૧૨૨ રનના ટાર્ગેટને ૨૨.૧ ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો.

રવિવારે દુબઈ ઇન્ટરનૅશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ફાઇનલ રમાશે.

india asia cup under 19 cricket world cup sri lanka indian premier league dubai bangladesh cricket news sports news sports