U-19 વર્લ્ડ કપમાં આજે ઇન્ડિયા-પાકિસ્તાનની હાઈ વૉલ્ટેજ સેમી ફાઇનલ મૅચ

04 February, 2020 11:00 AM IST  |  Potchefstroom

U-19 વર્લ્ડ કપમાં આજે ઇન્ડિયા-પાકિસ્તાનની હાઈ વૉલ્ટેજ સેમી ફાઇનલ મૅચ

સેમી ફાઇનલ માટે તૈયારી કરી રહેલી ભારત અને પાકિસ્તાનની ટીમ.

ઇન્ડિયા અને પાકિસ્તાનની મૅચ જ્યારે પણ રમાવાની હોય ત્યારે મેદાનનું વાતાવરણ રણમેદાન જેવું બની જતું હોય છે. એશિયાની આ બે ટીમો વચ્ચે આજે અન્ડર-૧૯ વર્લ્ડ કપની પહેલી સેમી ફાઇનલ રમાવાની છે એવામાં બન્ને ટીમ ફૉર્મમાં ચાલી રહી હોવાથી મૅચ વધારે રસપ્રદ બનવાની આશા છે.

પ્રિયમ ગર્ગના નેતૃત્વમાં રમનારી ટીમ ઇન્ડિયા ૨૦૨૦ અન્ડર-૧૯ વર્લ્ડ કપમાં એક પણ મૅચ હારી નથી. સેમી ફાઇલનમાં પહોંચતાં પહેલાં ટીમે શ્રીલંકા, જપાન, ન્યુ ઝીલૅન્ડ અને ઑસ્ટ્રેલિયાને મહાત આપી હતી, જ્યારે પાકિસ્તાન પણ આ ટુર્નામેન્ટમાં અજય રહી છે. રેકૉર્ડ પ્રમાણે જોવા જઈએ તો ટીમ ઇન્ડિયા છેલ્લાં ૧૦ વર્ષમાં અન્ડર-૧૯ વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે એક પણ મૅચ હારી નથી. જો ઇન્ડિયા પાકિસ્તાન સામે આજની સેમી ફાઇનલ મૅચ જીતી જાય તો એ સાતમી વાર અન્ડર-૧૯ વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચી જશે.

અન્ડર-૧૯ વર્લ્ડ કપમાં અત્યાર સુધીમાં કુલ નવ વખત આ બન્ને ટીમો આમને-સામને થઈ છે જેમાં પાકિસ્તાન પાંચ વખત અને ઇન્ડિયા ચાર વખત વિજેતા રહી છે. આ વર્લ્ડ કપના પાછલા ઍડિશનમાં પણ આ બન્ને ટીમોનો મુકાબલો સેમી ફાઇનલમાં જ થયો હતો જ્યાં ઇન્ડિયાએ પાકિસ્તાનને ૨૦૩ રનથી પરાસ્ત કરી હતી. સ્વાભાવિક છે કે પાછલી કેટલીક હારનો બદલો લેવા પાકિસ્તાનની ટીમ નવી વ્યૂહરચના ઘડી શકે છે.

ઇન્ડિયન ટીમનો રવિ બિશનોઈ અને પાકિસ્તાનનો પેસર અબ્બાસ આફ્રિદી ફૉર્મમાં ચાલી રહ્યા છે એવામાં બન્ને ટીમો વચ્ચે કાંટે કી ટક્કર જેવી મૅચ રોમાંચક બની રહેશે એ સ્વાભાવિક છે.

અન્ડર-૧૯ વર્લ્ડ કપની બીજી સેમી ફાઇનલ મૅચ ન્યુ ઝીલૅન્ડ અને બંગલા દેશ વચ્ચે છ ફેબ્રુઆરીએ રમાશે.

પાકિસ્તાન સામે અન્ડર-૧૯ બૉય્ઝ સારું પર્ફોર્મ કરશે : ઝહીર ખાન

સાઉથ આફ્રિકામાં ચાલી રહેલા અન્ડર-૧૯ વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચવા માટે આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે પહેલી સેમી ફાઇનલ રમાશે. હાઈ ટેન્શનવાળી આ મૅચમાં બન્ને ટીમમાંથી કોણ કોને મહાત આપશે એ જોવા જેવું રહેશે. જોકે ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ પ્લેયર ઝહીર ખાનનું માનવું છે કે ટીમ ઇન્ડિયાના પ્લેયર્સ સારું પર્ફોર્મ કરશે.

ઝહીર ખાનનું કહેવું છે કે ‘અન્ડર-૧૯ના પ્લેયરો સારું રમી રહ્યા છે. તેઓ કેટલીક કપરી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે, પરંતુ એમાંથી પાછા કમબૅક પણ કરી જાણે છે. દરેક દેશ સામે પ્લેયરો સારી રીતે પર્ફોર્મ કરી રહ્યા છે. તમે જ્યારે ઇન્ડિયા-પાકિસ્તાન મૅચની વાત કરો ત્યારે માહોલ કંઈક અલગ જ હોય છે. મને ભરોસો છે કે તેમની સામે પણ આપણા બૉય્ઝ સારી ગેમ રમશે અને એક મોટી જીતની ઉજવણી કરશે.’

india pakistan u-19 world cup cricket news sports news