જીત્યા બાદ બંગલા દેશનું રીઍક્શન ડર્ટી હતું : ગર્ગ

11 February, 2020 10:27 AM IST  |  Potchefstroom

જીત્યા બાદ બંગલા દેશનું રીઍક્શન ડર્ટી હતું : ગર્ગ

પ્રિયમ ગર્ગ

ભારત અને બંગલા દેશ વચ્ચે રમાયેલી અન્ડર-૧૯ વર્લ્ડ કપની ફાઇનલ મૅચ બંગલા દેશે ત્રણ વિકેટે ડકવર્થ લુઇસ મેથડ વડે જીતી લીધી હતી. ઇતિહાસમાં પહેલી વાર આ ટાઇટલ પોતાના નામે કરવામાં સફળ થયેલી બંગલા દેશની ટીમ મૅચ જીતી જતાં જશ્‍ન કરવા મેદાનમાં દોડી આવી હતી ત્યારે ભારતીય પ્લેયરો સાથે ગેરવર્તણૂક કરી હતી. આ વિશે ટીકા કરતાં પ્રિયમ ગર્ગે કહ્યું કે ‘અમે માનીએ છીએ કે હાર-જીત રમતનો એક ભાગ છે. જોકે તેમનું રીઍક્શન બહુ ડર્ટી હતું. એવું ન થયું હોત તો સારું હતું.’

ગર્ગની આ ટિપ્પણી બાદ બંગલા દેશના કૅપ્ટન અકબર અલીએ આગળ આવીને ટીમ વતી માફી માગી હતી. અકબરે કહ્યું હતું કે ‘ગ્રાઉન્ડ પર જે થયું એ નહોતું થવું જોઈતું. વાસ્તવમાં શું થયું છે એની મને નથી ખબર. મેં એ વિશે પૂછ્યું નથી છતાં તમે જાણો છો કે એ ફાઇનલ મૅચ છે અને લોકોનાં ઇમોશન્સ બહાર આવી જાય છે. યંગસ્ટર્સ તરીકે આવું ન થવું જોઈએ. કોઈ પણ સત્તા પર કોઈ પણ રીતે આપણે સામેની ટીમ પ્રત્યે આદર દેખાડવો જોઈએ. અમને ગેમ પ્રત્યે માન છે, કેમ કે ક્રિકેટ જેન્ટલમૅનની ગેમ છે. મારી ટીમ વતી હું માફી માગું છું.’

જોકે આ માફી માગ્યા બાદ બંગલા દેશ ટીમના પ્લેયરો ભારતીય પ્લેયરો સાથે જાણીજોઈને અથડાયા હતા અને પછીથી તેમની વચ્ચે ગાળાગાળી પણ થઈ હોવાની ચર્ચા ચાલી રહી છે. ઇન્ડિયન પ્લેયરોનો આ ઘટનામાં કશે પણ વાંક નહોતો. મૅચ દરમ્યાન પણ બંગલાદેશી પ્લેયરો આક્રમકતા બતાવી રહ્યા હોવાનું જોવા મળ્યું હતું. આ ઝપાઝપીમાં બંગલા દેશના ઝંડાને પણ નુકસાન થયું હોવાનું કહેવાય છે. આઇસીસી આ સમગ્ર મુદ્દાનું અવલોકન કરી રહ્યું છે.

વર્લ્ડ કપ દરમ્યાન બહેનનું મૃત્યુ થયું હોવા છતાં મૅચ રમ્યો હતો અકબર અલી

બંગલા દેશ અન્ડર-૧૯ ક્રિકેટ ટીમના કૅપ્ટન અકબર અલીની મોટી બહેન ખદીજા ખાતૂનનું આ વર્લ્ડ કપ દરમ્યાન બાવીસમી જાન્યુઆરીએ ટ્વિન્સને જન્મ આપતી વખતે નિધન થયું હતું. ચાર ભાઈઓ અને એક બહેનમાં અકબર સૌથી નાનો છે. ખદીજા ખાતૂને અકબરને છેલ્લે ગ્રુપ-સીની ઝિમ્બાબ્વે સામેની મૅચમાં રમતો જોયો હતો. એ મૅચ બંગલા દેશ ૯ વિકેટે જીત્યું હતું. અકબર મૅચ પર ફોકસ કરી શકે એ માટે પરિવારજનોએ તેને બહેનના નિધનની માહિતી શરૂઆતમાં નહોતી આપી, પણ પાકિસ્તાન પછીની મૅચ બાદ અકબરને આ ઘટનાની જાણ થઈ હતી.

u-19 world cup cricket news sports news india bangladesh