બે નવી અને સૌથી શક્તિશાળી ટીમ વચ્ચે આજે બળાબળની ટક્કર

10 May, 2022 01:15 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એકસરખા 16-16 પૉઇન્ટ ધરાવનાર ગુજરાત અને લખનઉમાંથી આજે જીતનાર ટીમ સત્તાવાર રીતે પ્લે-ઑફમાં જશે

૨૮ માર્ચે વાનખેડેમાં ગુજરાતે લખનઉની ટીમને બે બૉલ બાકી રાખીને પાંચ વિકેટના માર્જિનથી હરાવી હતી. ટોચની આ બે ટીમ ફાઇનલમાં પણ સામસામે આવી શકે એવી ધારણાને ક્રિકેટપ્રેમીઓ નકારી ન શકે. બીસીસીઆઇ/આઇપીએલ

આઇપીએલની ૧૫મી સીઝન શરૂ થઈ એ પહેલાં કોઈએ કલ્પના પણ નહીં કરી હોય કે ગુજરાત ટાઇટન્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ બન્ને નવી ટીમ એક તબક્કે પૉઇન્ટ્સ-ટેબલમાં ટોચ પર હશે અને બીજી તરફ સૌથી વધુ ટાઇટલ જીતનારી બન્ને ટીમ તળિયે હશે. આજે સ્થિતિ એવી છે કે હાઇએસ્ટ પાંચ ટાઇટલ જીતી ચૂકેલી મુંબઈ ઇન્ડિયન્સ સ્પર્ધાની બહાર થઈ ચૂકી છે, જ્યારે ચેન્નઈ સુપર કિંગ્સ માટે પ્લે-ઑફ અસંભવ છે.
આ સ્પર્ધામાં અત્યારે લખનઉ (મૅચ ૧૧, જીત ૮, હાર ૩, પૉઇન્ટ ૧૬, રનરેટ ૦.૭૦૩) અને ગુજરાત (મૅચ ૧૧, જીત ૮, હાર ૩, પૉઇન્ટ ૧૬, રનરેટ ૦.૧૨૦) એકસરખી સ્થિતિમાં છે. યોગાનુયોગ આજે આ જ બે ટીમ વચ્ચે પુણેમાં ટક્કર છે. હાર્દિક પંડ્યાના નેતૃત્વમાં ગુજરાતની ટીમ ઉપરાઉપરી બે મૅચ હારી ગયા બાદ આજે બરાબરીવાળી લખનઉની ટીમ સામે જીતવાનો એની સામે સૌથી મોટો પડકાર છે. લખનઉની ટીમ શનિવારે કલકત્તાને ૭૫ રનથી હરાવીને ગુજરાતના સ્થાને મોખરે થઈ ગઈ હતી. રાહુલના સુકાનમાં લખનઉની ટીમ છેલ્લી ચાર મૅચ જીતી છે.
આજે જીતનારી ટીમ સત્તાવાર રીતે પ્લે-ઑફમાં જનારી પ્રથમ ટીમ બનશે.
લખનઉની મજબૂત બોલિંગ
લખનઉની ટીમે કૅપ્ટન રાહુલ પર સૌથી વધુ મદાર રાખ્યો છે. જોકે છેલ્લી થોડી મૅચોમાં ક્વિન્ટન ડિકૉક અને દીપક હૂડા વધુ જવાબદારીપૂર્વક રમતા જોવા મળ્યા છે. લખનઉનો બોલિંગ-પાવર બહુ સારો છે. ખાસ કરીને તેમણે ભૂતપૂર્વ ચૅમ્પિયન કલકત્તાની ટીમને ૧૦૧ રનમાં ઑલઆઉટ કરી હતી અને એમાં અવેશ ખાન (૧૯ રનમાં ત્રણ) અને જેસન હોલ્ડર (૩૧ રનમાં ત્રણ)ની સૌથી મોટી ભૂમિકા હતી. પેસ બોલર્સ મોહસિન ખાન (૫.૩૫) અને દુશ્મંથા ચમીરા (૭.૯૦)ના ઇકૉનૉમી-રેટ સારા રહ્યા છે. કૃણાલ પંડ્યા અને રવિ બિશ્નોઈ પણ આજે ગુજરાતને મુસીબતમાં મૂકી શકે છે.
ગુજરાત કમબૅક માટે જાણીતું
ગુજરાતની ટીમ મૅચમાં ટફ સ્થિતિમાં કમબૅક કરીને જીતવા માટે જાણીતી છે. રાહુલ તેવતિયા, ડેવિડ મિલર, શુભમન ગિલ અને હાર્દિક પંડ્યા ટીમની બૅટિંગના મુખ્ય સ્તંભ છે. એ ઉપરાંત મોહમ્મદ શમી, રાશિદ ખાન અને લૉકી ફર્ગ્યુસનને લીધે ગુજરાતની ટીમે સીઝન દરમ્યાન મોટા ભાગે મોખરાનું સ્થાન જાળવ્યું છે.

451
લખનઉના સુકાની રાહુલના કુલ આટલા રન છે જે તમામ બૅટર્સમાં બીજા નંબરે છે. તેના આટલા રનમાં બે સેન્ચુરી અને બે હાફ સેન્ચુરી સામેલ છે.

sports news cricket news sports ipl 2022