હું ઘણો મૂર્ખ લાગી રહ્યો હતો: ઑસ્ટ્રેલિયન કૅપ્ટન ટિમ પેઇન

13 January, 2021 09:09 AM IST  |  Sydney | Agency

હું ઘણો મૂર્ખ લાગી રહ્યો હતો: ઑસ્ટ્રેલિયન કૅપ્ટન ટિમ પેઇન

ટિમ પેઇન

સિડની ટેસ્ટ મૅચ ડ્રૉ કરાવવામાં ટીમ ઇન્ડિયાના હનુમા વિહારી અને રવિચંદ્રન અશ્વિનનો મહત્ત્વનો ફાળો રહ્યો હતો. વિહારી-અશ્વિને કાંગારૂઓને બરાબરના પરેશાન કર્યા હતા અને તેઓ તેમનું ધ્યાનભંગ કરવા જાતજાતના દાવ અજમાવી રહ્યા હતા. પેઇને અશ્વિનને ચિડાવીને તેનો ધ્યાનભંગ કરવાનો પણ પ્રયત્ન કરી જોયો હતો. જોકે એ સ્લેજિંગનો વિડિયો વાઇરલ થતાં પેઇનની ભારે ટીકા થઈ હતી. પેઇનને આખરે તેની ભૂલ સમજાઈ હતી અને ગઈ કાલે તેણે માફી પણ માગી લીધી હતી. પેઇનને ત્રીજી ટેસ્ટમાં તેની નબળી કૅપ્ટન્સી અને વિકેટકીપર તરીકેના ખરાબ પર્ફોમેન્સનો પણ સ્વીકાર કર્યો હતો.

ગઈ કાલે એક પ્રેસ-કૉન્ફરન્સ દરમ્યાન ટિમ પેઇને કહ્યું કે ‘મેં ગઈ કાલે મૅચ પછી તરત જ અશ્વિન સાથે વાત કરી હતી. મેં તેને કહ્યું કે છેવટે તો હું જ મૂર્ખ જેવો લાગ્યો, નહીં? તમે મોઢું ખોલો છો અને પછી કૅચ ડ્રૉપ કરી દો છો અને વળી પાછા હસો છો. હું આ ટીમને મારી સ્ટાઇલમાં લીડ કરવામાં ગર્વ અનુભવું છું અને એને લીધે જે ઘટના બની એ બદલ હું માફી માગું છું. મારી કપ્તાની સારી નહોતી રહી. મેં મૅચનું પ્રેશર મારા પર હાવી થવા દીધું જેને લીધે મારા મૂડને અસર પહોંચી અને એની અસર મારા પ્રદર્શન પર જોવા મળી. હું મારી ટીમની ધારણાઓ પર ખરો ન ઊતરી શક્યો એટલે માફી માગું છું. સ્વાભાવિક છે કે હું જે પ્રમાણે ઇચ્છતો હતો એ પ્રમાણેની આ છાપ નથી.’

સ્મિથે કાંઈ ખોટું નહોતું કર્યું, નહીંતર ભારત ફરિયાદ કરત

કૅપ્ટન પેઇને ભૂતપૂર્વ કૅપ્ટન સ્ટીવ સ્મિથનો બચાવ કરતાં કહ્યું કે તેણે કાંઈ ખોટું નહોતું કર્યું. સોમવારે ત્રીજી ટેસ્ટના છેલ્લા દિવસે ડ્રિન્ક્સ-બ્રેક્સ દરમ્યાન સ્મિથ સ્ટમ્પ્સ પાસે બૅટ્સમૅને કરેલા ગાર્ડના માર્ક પાસેની જગ્યાએ પોતાના બૂટથી નવો માર્ક બનાવતો જોવા મળ્યો હતો. પંત જ્યારે બૅટિંગ માટે આવ્યો ત્યારે તેણે બે માર્ક જોયા અને અમ્પાયરની પરવાનગી લઈને ફરીથી પોતાનો માર્ક સેટ કર્યો હતો. સ્મિથની આ ઘટનાનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો હતો. પેઇને સ્મિથો બચાવ કરતાં કહ્યું હતું કે મેં આ સંદર્ભે સ્મિથ સાથે વાત કરી હતી. જે રીતે દર્શાવાઈ રહ્યું છે એનાથી તે ખૂબ નિરાશ છે. જો તમે સ્મિથને ટેસ્ટ રમતો જોશો તો તે દરેક મૅચમાં આવું પાંચથી છ વાર કરતો હોય છે. આ તેની આદત છે. તે કોઈના ગાર્ડનું નિશાન નહોતો બદલી રહ્યો. અગર જો એવું હોત તો ભારતીય ટીમે એનો વિરોધ જરૂર કર્યો હોત.’

cricket news sports news sydney ravichandran ashwin australia india