આઇપીએલના ​નિર્ણયની અમે રાહ જોઈ રહ્યા છીએ : કેન રિચર્ડસન

18 March, 2020 11:54 AM IST  |  Sydney | Agencies

આઇપીએલના ​નિર્ણયની અમે રાહ જોઈ રહ્યા છીએ : કેન રિચર્ડસન

કેન રિચર્ડસન

કોરોના વાઇરસને લીધે ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)નું ભાવિ હજી પણ અંધારામાં છે ત્યારે ઑસ્ટ્રેલિયન પેસર કેન રિચર્ડસનનું કહેવું છે કે દરેક ફૉરેન પ્લેયર ટુર્નામેન્ટના નિર્ણયની રાહ જોઈ રહ્યા છે. આઇપીએલમાં ઑસ્ટ્રેલિયાના ૧૭ પ્લેયરો રમી રહ્યા છે અને કોરોનાને કારણે આઇપીએલ પણ ૧૫ એપ્રિલ સુધી સ્થગિત રાખવામાં આવી છે. આ બાબતે કેન રિચર્ડસનનું કહેવું છે કે ‘અમે તેમના જવાબની રાહ જોઈ રહ્યા છીએ. વાસ્તવમાં આ બાબતે રોજ નવા સમાચાર આવે છે, પણ મારા મતે આ બધું એક દિવસમાં‍ અથવા એક અઠવાડિયામાં થાળે પડી શકે છે. માટે હું મારા ફોનની પાસે જ બેઠો રહું છું અને ગમે ત્યારે રમવા માટે તૈયારી રાખું છું. આખી ઑસ્ટ્રેલિયન ટીમ પણ આ બાબતે જવાબની રાહ જોઈ રહી છે. બધી ઇવેન્ટ્સ કૅન્સલ થવી અને ઘરે બેઠા રહેવું એ ખરેખર અજુગતું લાગે છે, પણ જ્યારે તમે આખા વિશ્વની હાલત જુઓ છો ત્યારે આ નિર્ણય યોગ્ય લાગે છે. મારા ખ્યાલથી પ્લેયરોને સૌથી મોટી જે તકલીફ નડી રહી છે એ ઘરથી દૂર રહીને ટ્રાવેલિંગની છે. જો તમે આ રોગમાં સપડાયા તો હોટેલની રૂમમાં બે અઠવાડિયાં માટે પુરાઈ જ ગયા સમજો.’

ઑસ્ટ્રેલિયાએ તેમની ઇન્ટરનૅશનલ તેમ જ તમામ ડોમેસ્ટિક મૅચને કૅન્સલ કરી છે. કોરોના વાયરસને લીધે ઑસ્ટ્રેલિયામાં અત્યાર સુધી કુલ ૪૦૦ નાગરિકો અસરગ્રસ્ત થયા છે અને ૧૦ના મોત નીપજ્યા છે.

ipl 2020 indian premier league cricket news