ઇન્ડિયન ટીમને જબરદસ્તી મળેલો આ બ્રેક સારો છે : શાસ્ત્રી

29 March, 2020 05:20 PM IST  |  Mumbai Desk | IANS

ઇન્ડિયન ટીમને જબરદસ્તી મળેલો આ બ્રેક સારો છે : શાસ્ત્રી

શાસ્ત્રી

ઇન્ડિયન ક્રિકેટ ટીમના કોચ રવિ શાસ્ત્રીનું કહેવું છે કે કોરોના વાઇરસને લીધે ટીમ ઇન્ડિયાને મળેલો આ બ્રેક સારો છે. આ ફ્રી ટાઇમમાં ઇન્ડિયન પ્લેયરોને પૂરતો આરામ મળતાં તેઓ પોતાની એનર્જી ફરી પાછી મેળવી શકશે. આ વિશે વાત કરતાં શાસ્ત્રીએ કહ્યું કે ‘આ રેસ્ટ જરાય ખોટો નથી, કેમ કે ન્યુ ઝીલૅન્ડ ટૂર પછી તમે જુઓ તો પ્લેયરોની માનસિક અને શારીરિક સ્થિતિ ઉપરાંત તેમની ઈજામાં કેટલોક વધારો જોવા મળ્યો છે. છેલ્લા ૧૦ મહિનાથી અમે જે પ્રમાણેની ક્રિકેટ રમી રહ્યા છીએ એ જોતાં થોડો રેસ્ટ જરૂરી હતો. મારા જેવા કે સપોર્ટ સ્ટાફ જેવા લોકો જેઓ વર્લ્ડ કપ દરમ્યાન ૨૩ મેથી ઇન્ડિયાની બહાર છે તેઓ માંડ ૧૦-૧૧ દિવસ પોતાના ઘરે રહ્યા હશે.’

આ વિશે વધુ જણાવતાં શાસ્ત્રીએ કહ્યું કે ‘ટીમમાં એવા ઘણા પ્લેયર છે જેઓ ત્રણેય ફૉર્મેટમાં રમે છે. એ લોકોનો વિચાર કરો તો તમને ખબર પડશે કે તેમને કેટલી અગવડ પડતી હશે. ખાસ કરીને ફીલ્ડિંગ વખતે, ટી૨૦ ફૉર્મેટમાંથી ટેસ્ટમાં ઍડ્જસ્ટ થતી વખતે, સતત ટ્રાવેલિંગ કરીને, આ બધા મુદ્દાઓને લઈને તેમને તકલીફ પડે છે. આ વાત પર ધ્યાન આપીએ તો આ રેસ્ટ પ્લેયરો માટે બેસ્ટ છે અને સારો છે. હાલની પરિસ્થિતિને જોતાં બધાના મગજમાં ક્રિકેટ સૌથી છેલ્લો વિકલ્પ છે. હમણાં પોતાની અને બીજાની સેફ્ટી મહત્ત્વની છે. વિરાટ જેવા અનેક પ્લેયરો આગળ આવીને લોકોને આ બીમારી માટે જાગરૂક કરે છે, ડોનેશન આપે છે એ ખરેખર પ્રશંસનીય કામ છે.’

વિરાટ કોહલી ‘બૉસ’ છે, તેની સાથે પંગો ન લઈ શકાય : રવિ શાસ્ત્રી

રવિ શાસ્ત્રીનું કહેવું છે કે વિરાટ કોહલી ‘બૉસ’ છે. ઇન્ડિયન ટીમની ન્યુ ઝીલૅન્ડ ટૂર ખરાબ ગઈ હતી એમ છતાં, વિરાટ કોહલીની કૅપ્ટન્સી પર કોઈ સવાલ નથી ઊઠ્યો. હાં, તેના ફૉર્મને લઈને જરૂર ચર્ચા ચાલી છે. આ વિશે નાસિર હુસેને પૂછેલા સવાલમાં રવિ શાસ્ત્રીએ કહ્યું હતું કે ‘હું હંમેશાંથી માનતો આવ્યો છું કે કૅપ્ટન બૉસ છે. પ્લેયર ગ્રાઉન્ડ પર જઈને પૉઝિટિવ, બ્રેવ અને ફિયરલેસ ક્રિકેટ રમી શકે એ માટે તેમને તૈયાર કરવાનું કોચિંગ સ્ટાફનું કામ છે. કૅપ્ટન ખરેખર ટીમને લીડ કરે છે. તે દરેક પ્લેયર પાસે જઈને વાત નથી કરવાનો અને એ મારું કામ છે એથી હું તેના કામનું ભારણ ઓછું કરી શકું છું. મિડલ ઑર્ડરમાં તમારે કોહલીને તેની રીતે કામ કરવા દેવું એ જ સૌથી બેસ્ટ વિકલ્પ છે.કૅપ્ટન એક માર્ક નક્કી કરે છે અને એ માર્કને મેળવવા માટે તે ટીમને પ્રોત્સાહિત કરે છે. મિડલમાં તે સૌને કન્ટ્રોલ કરે છે અને દુનિયાનો કોઈ પણ કોચ એ નથી કરી શકતો.’

ઇન્ડિયન ટીમની ફીલ્ડિંગ પર ખૂબ જ સવાલ ઊઠ્યા હતા અને તેઓ ફિટનેસ અને ફીલ્ડિંગમાં ખાસ્સી મહેનત કરી રહ્યા છે. આ માટે વિરાટનાં વખાણ કરતાં રવિ શાસ્ત્રીએ કહ્યું હતું કે ‘તમે જ્યારે ફિટનેસ વિશે વાત કરો ત્યારે એની શરૂઆત લીડરશિપથી થાય છે અને એ છે વિરાટ. તે એક એવી વ્યક્તિ છે જેની સાથે પંગો ન લઈ શકાય. તે સવારે ઊઠીને કહે છે કે મારે આ ગેમ રમવી હોય તો મારે દરેક પ્રકારની કન્ડિશનમાં દુનિયાની શ્રેષ્ઠ ટીમ સામે સારું પર્ફોર્મ કરવું પડશે અને એ માટે તેની બૉડી પર ખૂબ જ ટોર્ચર કરે છે. ફક્ત ફિટનેસની જ વાત નથી. તેની ડાયેટ પણ ખૂબ જ જોરદાર હોય છે. તે લાઇફને જે રીતે જુએ છે એ કાબિલેદાદ છે અને હું સતત એમાં બદલાવ જોતો રહો છું.’

sports sports news cricket news ravi shastri