✕

બાર્બેડોઝના સ્ટેડિયમમાં ગુજરાતી ફૅન્સે અવ‌ર્ણનીય રોમાંચ અનુભવ્યો

01 July, 2024 12:06 PM IST  |  Mumbai | Shailesh Nayak

લૉસ ઍન્જલસથી મૅચ જોવા આવેલા મૂળ મુંબઈના એક પારસી અને બે ગુજરાતી ફ્રેન્ડ્સ ઓવારી ગયા ટીમ ઇન્ડિયાના પર્ફોર્મન્સની સાથે બુમરાહ તેમ જ હાર્દિક પર

લૉસ ઍન્જલસથી મૅચ જોવા આવેલા ડૉ. અનિલ શાહ, ડૉ. ભરત પટેલ અને નૌઝાદ સદરી.

વેસ્ટ ઇન્ડીઝના બાર્બેડોઝમાં ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની એક્સાઇટિંગ બનેલી T20 ક્રિકેટ વર્લ્ડ કપની ફાઇનલ મૅચ ભારત જીતી જતાં વર્ણવી ન શકાય એવો થ્રિલિંગ રોમાંચ સ્ટેડિયમમાં બેસીને મૅચ જોઈ રહેલા ગુજરાતી ફૅન્સે અનુભવ્યો હતો. લૉસ ઍન્જલસથી મૅચ જોવા બાર્બેડોઝ આવેલા મૂળ મુંબઈના એક પારસી અને બે ગુજરાતી ફ્રેન્ડ્સ ટીમ ઇન્ડિયાના પર્ફોર્મન્સ પર અને ખાસ કરીને જસપ્રીત બુમરાહ અને હાર્દિક પંડ્યા પર ઓવારી ગયા હતા અને સ્ટેડિયમમાંથી જીતની ખુશી વ્યક્ત કરતાં તેમણે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બુમરાહે સાબિત કરી દીધું કે તે મૅચવિનર છે તો હાર્દિકે ઊભા થઈને દુનિયાને બતાવી દીધું કે તે સુપરસ્ટાર કેમ છે.’

 બાર્બેડોઝના સ્ટેડિયમમાં ફાઇનલ મૅચમાં ટીમ ઇન્ડિયાને ચિયરઅપ કરવા આવેલા લૉસ ઍન્જલસના ત્રણ મિત્રો સહિતના ગુજરાતીઓ અને ભારતીયો. 

મૂળ મુંબઈના વર્સોવાના અને છેલ્લાં ૨૨ વર્ષથી લૉસ ઍન્જલસમાં રહેતા પારસી સમુદાયના નૌઝાદ સદરીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘વર્લ્ડ કપની ફાઇનલ મૅચના રોમાંચનો જે અનુભવ અમને થયો એ શબ્દોમાં સમજાવી શકાય એમ નથી. અમારા માટે આ અહેસાસ ખૂબ જ અલગ જ ફીલિંગ લાવ્યો છે. જ્યારે આપણે મૅચ જીત્યા ત્યારે સ્ટેડિયમમાં બેઠેલી મોટા ભાગની વ્યક્તિઓ ખૂબ જ ભાવુક થઈ ગઈ હતી. અમે ત્રણ મિત્રો કે જેમાં મારી સાથે મૂળ મુંબઈના ડૉ. અનિલ શાહ અને મૂળ સુરતના ડૉ. ભરત પટેલ ખાસ વર્લ્ડ કપની સેમી ફાઇનલ અને ફાઇનલ મૅચ જોવા લૉસ ઍન્જલસથી વેસ્ટ ઇન્ડીઝ આવ્યા હતા. આ એક્સાઇટિંગ રહેલી ફાઇનલ મૅચના અમે પણ સાક્ષી બન્યા એનો આનંદ કંઈક અલગ જ છે અને જીવનમાં ક્યારેય નહીં ભૂલી શકાય એવી આ મૅચ અમારા માટે યાદગાર બની રહી.’

ફાઇનલ મૅચમાં જે રીતે પાછલી ઓવર્સમાં જસપ્રીત બુમરાહ અને હાર્દિક પંડ્યાએ બોલિંગ કરી એને લઇને નૌઝાદ સદરીએ કહ્યું હતું કે ‘મારો ફેવરિટ ખેલાડી જસપ્રીત બુમરાહ છે, તે મૅચવિનર
ટૉપ-ક્લાસ બોલર છે. તેણે કેટલી સારી બોલિંગ કરી એનું વર્ણન હું કોઈ શબ્દમાં નથી કરી શકતો. અનબિલીવેબલ મૅચવિનિંગ પર્ફોર્મન્સ ટીમ ઇન્ડિયાનો રહ્યો હતો. લૉસ ઍન્જલસથી અહીં બાર્બેડોઝ આવવા માટે અંદાજે ૧૦ કલાક જેટલો સમય લાગતો હશે, પણ અમે બે સેમી ફાઇનલ અને ફાઇનલ મૅચ સ્ટેડિયમમાં બેસીને જોઈ અને એમાં પણ ફાઇનલ મૅચમાં ટીમ ઇન્ડિયા T20 વર્લ્ડ કપ જીતી ગઈ એનો આનંદ કંઈક ઑર જ રહ્યો અને અમારી ટ્રિપના પૈસા વસૂલ થઈ ગયા.’

તેમણે કહ્યું હતું કે ‘ફાઇનલ મૅચમાં સ્ટેડિયમમાં ઓછામાં ઓછા ૧૫૦૦થી ૨૦૦૦ જેટલા ગુજરાતીઓ સહિત મોટી સંખ્યામાં અન્ય ભારતીયો પણ મૅચ જોવા આવ્યા હતા. આખા સ્ટેડિયમમાં જ્યાં 
જુઓ ત્યાં ભારતીય અચૂક નજરે પડતા હતા અને આપણી ટીમને ચિયરઅપ કરતા હતા.’

sports news sports los angeles t20 world cup indian cricket team cricket news shailesh nayak