સ્નેહ રાણાની ઇનિંગ્સને લીધે મહિલા ટીમે મૅચ ડ્રૉ કરી

20 June, 2021 10:07 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એકમાત્ર ટેસ્ટમાં ઇંગ્લૅન્ડ સામે ફૉલોઑન બાદ બીજી ઇનિંગ્સમાં આપી જોરદાર લડત

સ્નેહ રાણાની ઇનિંગ્સને લીધે મહિલા ટીમે મૅચ ડ્રૉ કરી

બ્રિસ્ટલમાં મિતાલી રાજની કૅપ્ટન્સીમાં ભારતીય મહિલા ટીમે ઇંગ્લૅન્ડ સામેની ટેસ્ટ બચાવી હતી, જેમાં સ્નેહ રાણાની (નોટઆઉટ-૮૦) ઇનિંગ્સે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. સ્નેહ અને તાનિયા ભાટિયા વચ્ચે આઠમી વિકેટ માટે થયેલી પાર્ટનરશિપે મૅચને ડ્રૉ ખેંચવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. પહેલી ઇનિંગ્સમાં ભારતીય મહિલા ટીમ ૨૩૧ રનમાં ઑલઆઉટ થતાં ફૉલોઑન થવું પડ્યું હતું. જવાબમાં બીજી ઇનિંગ્સમાં ભારતીય ટીમે ૮ વિકેટે ૩૪૪ રન બનાવ્યા હતા. ઇંગ્લૅન્ડ તરફથી બીજી ઇ​નિંગ્સમાં સ્પિનર સોફી એક્લેસ્ટને શાનદાર પ્રદર્શન કરતાં ૪ વિકેટ ઝડપી હતી. પહેલી ઇ​નિંગ્સમાં બે રન માટે સદી ચૂકી જનાર શેફાલી વર્મા ૬૩ રનમાં આઉટ થઈ ગઈ હતી. એને વુમન ઑફ ધ મૅચ જાહેર કરાઈ હતી. છેલ્લે સ્નેહ રાણા ૮૦ રને અને તાનિયા ભાટિયા ૪૪ રને અણનમ રહી હતી.
ગઈ કાલે ટેસ્ટના ચોથા અને છેલ્લા દિવસે બીજા સેશનમાં ભારતે પાંચ વિકેટ ગુમાવી હતી, જેમાં કૅપ્ટન મિતાલી રાજ (૪) અને હરમનપ્રીત કૌર (૮) સસ્તામાં આઉટ થઈ ગઈ હતી. પૂનમ રાઉત પણ ૧૦૪ બૉલમાં ૩૯ રન કરી શકી હતી. ગઈ કાલે સેકન્ડ સેશન દરમ્યાન દીપ્તિ શર્મા (૫૪) અને પૂનમ રાઉત (૩૪) વચ્ચે ૭૨ રનની પાર્ટનરશિપ થઈ હતી.

sports news sports cricket news