30 April, 2025 09:08 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કપોળ યુનિટી કપની અગાઉની સીઝનની તસવીર, જેમાં જુદી-જુદી ટર્ફ પર એકસાથે અનેક મૅચો રમાતી જોઈ શકાય છે
કપોળ સ્પોર્ટ્સ ગ્રુપ (KSG) ફરી એક વાર કપોળ જ્ઞાતિના ક્રિકેટપ્રેમીઓને એક છત્ર નીચે ભેગા કરવા કપોળ યુનિટી કપનું આયોજન કરી રહ્યું છે. ૨૦૧૯માં પ્રથમ અને ૨૦૨૧માં બીજી સીઝનની શાનદાર સફળતા બાદ આવતી કાલે બોરીવલી (વેસ્ટ)માં ગોખલે કૉલેજની બાજુમાં આવેલા સમાજ ઉન્નતિ ગ્રાઉન્ડમાં ટર્ફ ક્રિકેટ ટુર્નામેન્ટની ત્રીજી સીઝન રમાશે. ૨૦૧૯માં યોજાયેલી પ્રથમ સીઝનની ઇન્ડિયા બુક ઑફ વર્લ્ડ રેકૉર્ડે પણ નોંધ લીધી હતી. એ વખતે એક દિવસમાં ૧૪૮ મૅચ રમાઈ હતી. ૨૦૨૧માં બે દિવસમાં ૨૪૮ મૅચ રમાઈ હતી. આ વખતે રેકૉર્ડ ૯૩ પુરુષોની ૬૭, મહિલાઓની ૧૮ અને અન્ડર-14 બાળકોની ૮) ટીમો ભાગ લઈ રહી છે. દરેક ટીમમાં ૧૦-૧૦ ખેલાડીઓ એમ કુલ ૯૩૦ ખેલાડીઓ આજે મેદાનમાં ઊતરશે. સવારે સાતથી રાતના ૧૦ વાગ્યા દરમ્યાન દરેક ટીમ ૬-૬ ઓવરની મિનિયમ ત્રણ લીગ મૅચ બાદ નૉક-આઉટ રાઉન્ડમાં પ્રવેશ કરશે.
રમતગમત સાથે સમાજસેવા
૧૯૯૬માં શરૂ થયેલું કપોળ સ્પોર્ટ્સ ગ્રુપ ૩૦મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે. ફક્ત ૧૨ ખેલાડીઓથી શરૂ થયેલું આ ગ્રુપ આજે દરેક વયજૂથના ૨૫૦થી ૩૦૦ ખેલાડીઓનો સમાવેશ કરે છે જેઓ દર શનિવારે અને રવિવારે સ્પર્ધાત્મક ધોરણે લેધર બૉલ ક્રિકેટ રમે છે. મુંબઈના ગુજરાતીઓનો વર્લ્ડ કપ ગણાતા મિડ-ડે કપમાં ત્રણ-ત્રણ વાર ચૅમ્પિયન બનીને તેમણે સમાજનું નામ રોશન કર્યું છે. કપોળ સ્પોર્ટ્સ ગ્રુપે છ વખત ઑલિમ્પિયાડનું પણ આયોજન કર્યું છે. યુવા ખેલાડીઓએ એના થકી નૅશનલ લેવલ સુધી પોતાની હાજરી અંકિત કરી છે. ખેલાડીઓ રમતગમત ઉપરાંત સમાજસેવામાં પણ કાર્યરત છે. જરૂરિયાતમંદોને બ્લડ પૂરું પાડવું, મફત પાઠ્યપુસ્તકો અને નોટબુક આપવાં, તબીબી સહાય પૂરી પાડવી, યોગ અને ફિટનેસ કૅમ્પ યોજવા, વૃદ્ધ અને જરૂરિયાતમંદ પરિવારને કોઈ પણ પ્રચાર વિના નાણાકીય અને બોર્ડિંગ સહાય આપવી, શાળા અને કૉલેજ-ફીની ચુકવણી, યોગ્ય તબીબી સલાહ તથા બિલ-ચુકવણીમાં રાહત જેવાં વિવિધ સેવાકાર્યો તેઓ કરે છે. આયોજકો દ્વારા સર્વે કપોળ સમાજના ક્રિકેટપ્રેમીઓને આવતી કાલે યુનિટી કપની ત્રીજી સીઝન માણવા ભાવભર્યું આમંત્રણ છે.