ચીનના શાસકોએ પેન્ગ શુઇને જાહેરમાં લાવવી પડી

22 November, 2021 03:04 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મહિલા ટેનિસ સંગઠનની બહિષ્કારની ધમકી બાદ ભૂતપૂર્વ વિમ્બલ્ડન ચૅમ્પિયન એક સ્પર્ધામાં ચાહકો વચ્ચે દેખાઈ

પેન્ગ શુઇ ગઈ કાલે બીજિંગની એક યુવા સ્પર્ધા દરમ્યાન જોવા મળી હતી. તેણે આયોજકો સાથે ફોટા પડાવ્યાં હતાં.

ચીનના ભૂતપૂર્વ નાયબ વડા પ્રધાન અને પ્રમુખ શી જિનપિંગના સાથી ઝાંગ ગાઓલી સામે યૌનશોષણનો આરોપ મૂક્યા બાદ મહિલા ટેનિસ ખેલાડી પેન્ગ શુઇ ગાયબ થઈ જવાના પ્રકરણમાં ગઈ કાલે મોટો વળાંક આવ્યો હતો. પેન્ગ શુઇ ગઈ કાલે પાટનગર બીજિંગની એક યુવા સ્પર્ધા દરમ્યાન જાહેરમાં આવી હતી. આયોજકોએ બહાર પાડેલા ફોટો મુજબ તે પેન્ગ શુઇ જ હતી અને ગઈ કાલે ચીનની શાસક કમ્યુનિસ્ટ પાર્ટીએ એક તરફ ઘરઆંગણે માહિતી દબાવી દીધી હતી અને બીજી બાજુ વિદેશોમાં પેન્ગની બાબતમાં ભય દૂર કરવાનો પ્રયત્ન કર્યો હતો.
એ.પી.ના અહેવાલ મુજબ વિબો સોશ્યલ મીડિયા સર્વિસ પર ચાઇના ઓપનની એક પોસ્ટમાં પેન્ગ ગાયબ થઈ જવા વિશે કે તેના યૌનશોષણ વિશેના આક્ષેપ વિશે કોઈ ઉલ્લેખ નહોતો.
ત્રણ વાર ઑલિમ્પિક્સમાં રમી
ત્રણ વાર ઑલિમ્પિક્સમાં રમી ચૂકેલી અને એક  વખત વિમ્બલ્ડન ચૅમ્પિયનશિપ જીતી ચૂકેલી પેન્ગ શુઇને આ પોસ્ટમાં ટેનિસ કોર્ટની બાજુમાં ઊભેલી અને ચાહકોનું અભિવાદન ઝીલી રહેલી તેમ જ ટેનિસ બૉલ પર ઑટોગ્રાફ આપી રહેલી બતાવાઈ હતી.
ટેનિસ પ્લેયરોની ધમકીની અસર
પેન્ગુ શુઇએ આક્ષેપ કર્યો હતો કે ઝાંગ ગાઓલીએ પોતાની સાથે સેક્સ માણવાનું એક દિવસ તેને દબાણ કર્યું હતું. પેન્ગે આ માગણીને જાહેરમાં લાવીને તેમની સામે ખુલ્લેઆમ આક્ષેપ કર્યો ત્યાર બાદ પેન્ગ ગાયબ હતી. જોકે સરકાર તરફથી સત્તાવાર રીતે પેન્ગ ગાયબ થવા વિશે કંઈ જ ન કહેવામાં આવતાં ખેલકૂદ જગતમાં એના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા અને ફેબ્રુઆરીમાં બીજિંગમાં યોજાનારી વિન્ટર ઑલિમ્પિક્સનો બહિષ્કાર કરવાની માગણી ઊઠી હતી. આ માગણી ખાસ કરીને મહિલા ટેનિસ અસોસિએશને કરી હતી જેમાં જણાવાયું હતું કે મહિલા ટેનિસ ડબલ્સની ભૂતપૂર્વ વર્લ્ડ નંબર વન પેન્ગ શુઇ સલામત છે એની ખાતરી નહીં કરાવાય તો વિન્ટર ઑલિમ્પિક્સનો અમે બૉયકૉટ કરીશું.

cricket news sports news sports