થૅન્ક યુ શ્રીલંકા : વૉર્નર

13 July, 2022 03:34 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દેશમાં કટોકટી વચ્ચે પણ સિરીઝ હેમખેમ પાર પડી એ બદલ શ્રીલંકન પ્રજાનો આભાર માન્યો: ફૅમિલી સાથે પાછો આવશે

વૉર્નર અગાઉ પરિવાર સાથે શ્રીલંકાના પ્રવાસે આવી ચૂક્યો છે અને નજીકના ભવિષ્યમાં ફરી ફૅમિલી-વિઝિટ કરવા મક્કમ છે. વૉર્નર-કૅન્ડિસને ત્રણ પુત્રીઓ છે.

ઑસ્ટ્રેલિયાના પીઢ ઓપનર ડેવિડ વૉર્નરે સોમવારે શ્રીલંકામાં ૧-૧ની બરાબરીમાં ટેસ્ટ-સિરીઝ પૂરી થયા બાદ શ્રીલંકન પ્રજાનો આભાર માનતો ભાવુક અને હૃદયસ્પર્શી સંદેશ ઇન્સ્ટાગ્રામ પર લખ્યો છે. શ્રીલંકામાં અભૂતપૂર્વ અને ઘેરી આર્થિક તથા રાજકીય કટોકટી હોવા છતાં મોટી સંખ્યામાં પ્રેક્ષકોએ એક મહિનામાં રમાયેલી ત્રણ સિરીઝ દરમ્યાન હાજરી આપી એ બદલ શ્રીલંકાની જનતાને થૅન્ક્સ કહ્યું છે.
શ્રીલંકામાં છેલ્લા સાત દાયકામાં જોવા મળેલી આ સૌથી ગંભીર સ્થિતિ છે જેમાં રાજકીય અસ્થિરતા વચ્ચે બળતણ, દવા અને આવશ્યક ચીજવસ્તુઓની ઘેરી અછત સર્જાઈ છે. એમ છતાં લોકો મોટી સંખ્યામાં સ્ટેડિયમમાં મૅચ જોવા આવ્યા હતા અને હોમ ટીમ તેમ જ ઑસ્ટ્રેલિયનોને ચિયર-અપ કર્યા હતા. હજારો લોકો રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્સેના રાજીનામાની માગણી સાથે રસ્તાઓ પર ઊતરી આવ્યા હતા એવી ગંભીર સ્થિતિ વચ્ચે શ્રીલંકા-ઑસ્ટ્રેલિયાની મૅચ એક પણ મિનિટના અવરોધ વગર રમાતી રહી હતી.
ઑસ્ટ્રેલિયાએ ટી૨૦ સિરીઝ ૨-૧થી જીતી લીધા બાદ શ્રીલંકાએ વન-ડે શ્રેણીમાં ૩-૧થી વિજય મેળવ્યો હતો અને છેલ્લે ટેસ્ટ-શ્રેણી ૧-૧થી ડ્રૉ ગઈ હતી.

ડેવિડ વૉર્નરે શ્રીલંકનો માટેના સંદેશમાં શું લખ્યું?

‘તમારા દેશમાં અત્યંત ઘેરી પરિસ્થિતિ હોવા છતાં તમે અમારા યજમાન બન્યા એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અમને અહીં આવીને અમારી સૌથી પ્રિય રમત રમવા મળી અને તમે પણ તમારી આ પ્રિય રમત જોવામાં જોડાયા એ બદલ અમે ખૂબ આભારી છીએ. તમે અમને બે હાથે આવકાર્યા એટલે અમે આ પ્રવાસ ક્યારેય નહીં ભૂલીએ. તમારા અદ્ભુત રાષ્ટ્ર વિશેની એક બાબત મને ખૂબ ગમે છે અને એ છે તમે ગમેએવી આફતભરી સ્થિતિમાં પણ તમારા ચહેરા પર હંમેશાં સ્મિત જોવા મળે છે. તમારા બધાનો ઘણો આભાર. અહીં પરિવાર સાથે હૉલિડે મનાવવા ક્યારેક વન-ડે વિઝિટ પર આવીશ અને એ દિવસની હું જરૂર રાહ જોઈશ. રિસ્પેક્ટ, લવ, ક્રિકેટ.’

cricket news sports news sports david warner sri lanka