ઈડન ગાર્ડનમાં ક્લીન સ્વીપ પર ટીમ ઇન્ડિયાની નજર

21 November, 2021 05:35 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પ્રાઇવેટ લીગને કારણે વિશ્વના ઘણા દેશોમાં દ્વિપક્ષીય સિરીઝ એની મહત્તા ગુમાવી ચૂકી છે છતાં વર્લ્ડ કપમાં થયેલા ધબડકા બાદ ભારતીય ટીમ માટે આ વિજય થોડો રાહતરૂપ જરૂર હશે.

ઈડન ગાર્ડનમાં ક્લીન સ્વીપ પર ટીમ ઇન્ડિયાની નજર

ત્રીજી મૅચ જીતવામાં કૅપ્ટન રોહિત શર્મા કોઈ કચાશ બાકી નહીં રાખે, પરંતુ ન્યુ ઝીલૅન્ડ સામેની ત્રીજી ટી૨૦ મૅચમાં વિજય સાથે ક્લીન સ્વીપ કરવા ઉપરાંત કેટલાક રિઝર્વ ખેલાડીઓને પણ તક આપવા માગે છે. પ્રાઇવેટ લીગને કારણે વિશ્વના ઘણા દેશોમાં દ્વિપક્ષીય સિરીઝ એની મહત્તા ગુમાવી ચૂકી છે છતાં વર્લ્ડ કપમાં થયેલા ધબડકા બાદ ભારતીય ટીમ માટે આ વિજય થોડો રાહતરૂપ જરૂર હશે.
રિઝર્વ ખેલાડીઓને મોકો
ન્યુ ઝીલૅન્ડ માટે આ કાર્યક્રમ ભરચક રહ્યો છે. વર્લ્ડ કપની સેમી ફાઇનલ પૂરી થયાનાં બે સપ્તાહમાં જ તેઓ પાંચ મૅચ રમ્યા છે. કૅપ્ટન કેન વિલિયમસનની ગેરહાજરીમાં તેઓ સિરીઝ ૦-૩થી હારે તો પણ આ દ્વિપક્ષીય સિરીઝની કોઈ લાંબા ગાળાની અસર નહીં જોવા મળે. જયપુર અને રાંચીમાં લક્ષ્યાંકનો પીછો કરતા સહેલાઈથી મેળવેલી જીત બાદ કૅપ્ટન રોહિત શર્મા ઈડન ગાર્ડનમાં રમાનારી મૅચમાં વિજય સાથે સિરીઝનો સારો અંત લાવવા માગશે અને કેટલાક રિઝર્વ ખેલાડીઓને પણ તક આપવા માગશે. 
શાનદાર શરૂઆત
રોહિત માટે પહેલી વખત ફુલટાઇમ કૅપ્ટન તરીકેની સિરીઝ પણ સારી રહી હતી, કારણ કે બન્ને વખત તે ટૉસ જીત્યો હતો. બોલરોએ પણ ડેથ ઓવરમાં કિવી બૅટ્સમેનોને વધુ છૂટ લેવા દીધી નહોતી. વળી બૅટ્સમેનોએ પણ સારી શરૂઆત કરી છે. રોહિત બ્રેક પર જતાં પહેલાં ન્યુ ઝીલૅન્ડને કલકત્તામાં ૩-૦થી હરાવવા માગે છે. આ એ જ મેદાન છે જ્યાં તેણે વન-ડેમાં ૨૬૪ રન કર્યા હતા. 
ગાયકવાડને તક
કોચ રાહુલ દ્રવિડ માટે પણ આ શાનદાર શરૂઆત તેની નવી ભૂમિકા માટે પ્રોત્સાહનરૂપ સાબિત થશે. એક સપ્તાહ બાદ ન્યુ ઝીલૅન્ડ સાથે જ ટેસ્ટ સિરીઝ પણ શરૂ થવાની છે. વેન્કટેશ ઐયરને પણ બોલિંગ અપાશે. જોકે આ બધી બાબત કૅપ્ટન રોહિત છઠ્ઠો બોલર અજમાવવા માગે છે કે નહીં એના પર નિર્ભર રહે છે. ગાયકવાડ, અવેશ ખાન અને ઈશાનને તક આપવાનું રોહિત વિચારી શકે છે. ગાયકવાડને ટોપ-3માં અજમાવવાની યોજના છે, પરંતુ એને માટે રોહિત શર્મા અથવા લોકેશ રાહુલને આરામ આપવો પડશે. ૪ દિવસ બાદ જ ટેસ્ટ સિરીઝ શરૂ થઈ રહી હોવાથી લોકેશને આરામ આપવો વધુ યોગ્ય રહેશે. ​એ જ પ્રમાણે દીપક ચાહર અથવા ભુવનેશ્વરની જગ્યાએ અવેશ ખાનને તક અપાય એવી શક્યતા છે. એ જ રીતે અક્ષર પટેલ અથવા રવિચન્દ્રન અશ્વિનને બદલે યુઝવેન્દ્ર ચહલને તક મળે એવી પણ શક્યતા છે. વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની શરૂઆતથી રમતા પંતને બદલે ઈશાન કિશનને છેલ્લી મૅચમાં તક મળી શકે છે. 
અશ્વિન સૌથી સફળ
અશ્વિનને ચાર વર્ષથી તક મળતી નહોતી, પરંતુ આ વખતે પહેલી મૅચમાં બે વિકેટ અને બીજી મૅચમાં એક વિકેટ મળતાં તેને પ્લેયર ઑફ ધ સિરીઝ અવૉર્ડ મળે એવી શક્યતા છે. પહેલી જ મૅચમાં મૅન ઑફ ધ મૅચ મેળવનાર હર્ષલ પટેલનો આત્મવિશ્વાસ પણ બુલંદી પર છે. ન્યુ ઝીલૅન્ડ માટે ખરી સમસ્યા ૧૫થી ૨૦મી ઓવર દરમ્યાન ઝડપી રન ન કરી શક્યાની છે. ડેથ ઓવરમાં ખરાબ બૅ​ટિંગને કારણે જ ભારત આ સિરીઝ જીતી શક્યું છે. 

cricket news sports news sports rohit sharma