સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ સીરિઝ માટે ટીમ ઇન્ડિયાની ગુરૂવારે પસંદગી થશે

11 September, 2019 09:10 PM IST  |  Mumbai

સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ સીરિઝ માટે ટીમ ઇન્ડિયાની ગુરૂવારે પસંદગી થશે

Mumbai : સાઉથ આફ્રિકા સામેની ત્રણ ટેસ્ટની સીરિઝની પહેલી બે મેચ માટેની ટીમની પસંદગી ગુરુવારે મુંબઈમાં થશે. ટીમ ઇન્ડિયા 2થી 23 ઓક્ટોબર દરમિયાન આફ્રિકા સામે ત્રણ ટેસ્ટ રમશે. ઓપનર લોકેશ રાહુલનું સ્થાન અનિચ્છીત છે. તેની જગ્યાએ રોહિત શર્માને ઓપનર તરીકે જગ્યા મળી શકે છે. રોહિતે પોતાની અંતિમ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા સામે ડિસેમ્બર 2018માં ફિફટી મારી હતી. તેણે અણનમ 63 અને 5 રનની ઇનિંગ્સ રમી હતી.


છેલ્લી 10 ટેસ્ટમાં ઓપનરોએ માત્ર 2 સદી ફટકારી છે
ભારતીય ટીમ છેલ્લી 10 ટેસ્ટમાં 6 ઓપનર્સને રમાડી ચૂકી છે, પરંતુ કોઈ પણ સફળ થયું નથી. તેમાં રાહુલે સૌથી વધુ 9 ટેસ્ટ રમી છે. તે દરમિયાન તેણે માત્ર 1 સદી ફટકારી છે. અન્ય 6 ઓપનર્સે કુલ 2 સદી અને 4 ફિફટી મારી છે. તેમાંથી 3 ફિફટી 4 ટેસ્ટ રમનાર મયંક અગ્રવાલે મારી છે. એક સદી અને એક ફિફટી પૃથ્વી શોએ મારી છે.


વિન્ડીઝ પ્રવાસ સમયે ઓપનર્સે માત્ર એક અડધી સદી ફટકારી હતી
લોકેશ રાહુલે વેસ્ટ ઇન્ડિઝ સામે 2 ટેસ્ટમાં 44,38, 13 અને 6 રનની ઇનિંગ્સ રમી હતી. તેણે ઇંગ્લેન્ડ વિરુદ્ધ ગયા વર્ષે ઓવલમાં 149 રનની ઇનિંગ્સ રમી હતી. તે પછી રાહુલે છેલ્લી 7 ઇનિંગ્સમાં એક પણ ફિફટી મારી નથી. બીજી તરફ મયંક અગ્રવાલે ચાર ઇનિંગ્સમાં 5,16,55 અને 4 રન કર્યા હતા.


ગુજરાતના પ્રિયાંક પંચાલ અને શુભમન પણ રેસમાં શામેલ
બંગાળના ઓપનર અભિમન્યુ ઈશ્વરને ફર્સ્ટ ક્રિકેટમાં 52 મેચમાં 49.59ની એવરેજથી 4067 રન કર્યા છે. આ દરમિયાન તેણે 13 સદી પણ ફટકારી હતી. ઈશ્વરને ઇન્ડિયા રેડ તરફથી રમતા ગઈ મેચમાં ઇન્ડિયા ગ્રીન વિરુદ્ધ 153 રન કર્યા હતા. બીજી તરફ ગુજરાતના કપ્તાન પ્રિયાંક પંચાલે 87 મેચમાં 47.22ની એવરેજથી 6186 રન કર્યા છે. તેણે 21 સદી મારી છે. પ્રિયાંકે શ્રીલંકા A સામે 160 રનની ઇનિંગ્સ રમી હતી. શુભમન ગિલે 13 મેચમાં 74.88ની એવરેજથી 1348 રન કર્યા છે. તેના નામે 4 સદી છે અને તેણે ઓગસ્ટમાં વિન્ડીઝ A વિરુદ્ધ 204 રન કર્યા હતા.

આ પણ જુઓ : ઓલરાઉન્ડર 'સર રવિન્દ્ર જાડેજા' નો આવો છે અંદાજ, જુઓ તસવીરો.....

હાર્દિકની વાપસી સંભવ, ભુવનેશ્વર બહાર થઇ શકે છે
ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા છેલ્લા એક વર્ષથી ટેસ્ટ ટીમની બહાર છે. આ દરમિયાન તેને ઇજા થઇ હતી તેમજ કોફી વિથ કરન શોવાળો વિવાદ પણ થયો હતો. તેને વિન્ડીઝ સામે આરામ આપવામાં આવ્યો હતો. તે ટીમમાં વાપસી કરી શકે છે. બીજી તરફ ગયા વર્ષે જાન્યુઆરીમાં દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ પોતાની અંતિમ ટેસ્ટ રમનાર ભુવનેશ્વર કુમાર ફિટ હોવા છતાં ટીમની બહાર રહ્યો છે. ઇશાંત શર્મા, જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ શમી હાજર હોવાથી તેને સ્થાન મળવું અઘરું છે.

cricket news virat kohli board of control for cricket in india