પિન્ક બૉલથી વાઇટવૉશ આપવા તૈયાર ટીમ ઇન્ડિયા

22 November, 2019 02:35 PM IST  |  Kolkata

પિન્ક બૉલથી વાઇટવૉશ આપવા તૈયાર ટીમ ઇન્ડિયા

વિરાટ કોહલી

કલકત્તામાં આજે ઐતિહાસિક ટેસ્ટ મૅચ રમાવાની છે, કારણ કે ઇન્ડિયા પહેલી વાર ડે-નાઇટ મૅચ અને એ પણ પિન્ક બૉલ સાથે રમવાની છે. જોકે બે મૅચની આ સિરીઝમાં ઇન્ડિયા સિરીઝ જીતવા માટે કમરતોડ મહેનત કરશે. આજથી શરૂ થઈ રહેલી આ મૅચ ઇન્ડિયા અને બંગલા દેશ બન્ને માટે ખૂબ જ મહત્ત્વની અને મુશ્કેલ રહેશે. પિન્ક બૉલથી કેવી બોલિંગ થાય છે અને ફીલ્ડિંગમાં પણ શું અસર પડશે એની પ્લેયર્સને પણ ગ્રાઉન્ડ પર ખબર પડશે.

પહેલી ટેસ્ટ ટીમ ઇન્ડિયાએ ઇનીંગ અને 130 રને જીતી હતી
પહેલી ટેસ્ટ મૅચ ઇન્દોરમાં રમાઈ હતી, જેમાં ઇન્ડિયાએ ઇનિંગ અને 130 રનથી વિજય મેળવ્યો હતો. આઇસીસી વર્લ્ડ ચૅમ્પિયનશિપના પૉઇન્ટ ટેબલમાં ઇન્ડિયા હાલમાં નંબર-વન પર છે. ટેસ્ટ ચૅમ્પિયનશિપની શરૂઆત થઈ ત્યારથી અત્યાર સુધીમાં ઇન્ડિયા તમામ સિરીઝ જીત્યું છે. તેમણે વેસ્ટ ઇન્ડીઝ અને સાઉથ આફ્રિકા બન્નેનો વાઇટવૉશ કર્યો છે અને હવે બંગલા દેશનો પણ વાઇટવૉશ કરવા આજથી આકરી મહેનત કરશે.


ટેસ્ટ પહેલાં આર્મીના જવાનો હૅલિકૉપ્ટરમાં આવીને બન્ને કૅપ્ટનને ટૉસ પહેલાં પિન્ક બૉલ આપશે
ભારતીય ક્રિકેટ બોર્ડના પ્રેસિડન્ટ બન્યા બાદ સૌરવ ગાંગુલીએ ટેસ્ટ મૅચને ભવ્ય બનાવવાનું બીડું ઝડપ્યું છે. એ માટે ટેસ્ટ પહેલાં આર્મીના જવાનો હૅલિકૉપ્ટરમાં આવીને બન્ને કૅપ્ટનને ટૉસ પહેલાં પિન્ક બૉલ આપશે તેમ જ ત્યાં પૉલિટિશ્યન, લેજન્ડરી સ્પોર્ટ્સ-પર્સન અને બૉલીવુડની સેલિબ્રિટીનો પણ જમાવડો જોવા મળશે. અત્યાર સુધી ઑસ્ટ્રેલિયાએ ડે-નાઇટ પિન્ક બૉલ ટેસ્ટની સૌથી વધુ વ્યુઅરશિપનો લહાવો લીધો છે. જોકે ઇન્ડિયા-બંગલા દેશની ટેસ્ટ મૅચ શરૂ થાય એના બે દિવસ પહેલાં જ ગાંગુલીએ કહ્યું હતું કે ચાર દિવસની ટિકિટ વેચાઈ ગઈ છે. ટેસ્ટ મૅચમાં આટલાબધા દર્શકો અને લેજન્ડરી ક્રિકેટરો વચ્ચે રમવા માટે પણ ઇન્ડિયન પ્લેયર્સ પર પ્રેશર રહેશે.

કૃત્રિમ લાઇટનો ઉપયોગ કરવામાં આવશે ત્યારે બૅટ્સમૅન માટે ખૂબ જ ચૅલેન્જિંગ રહેશે
નૅચરલ લાઇટમાંથી જ્યારે કૃત્રિમ લાઇટનો ઉપયોગ કરવામાં આવશે ત્યારે બૅટ્સમૅન માટે ખૂબ જ ચૅલેન્જિંગ રહેશે. આ સમય બૅટ્સમૅનને બૉલ પર ફોકસ કરવામાં તકલીફ રહેશે. અત્યાર સુધી રમાયેલી ૧૧ ડે-નાઇટ ટેસ્ટ મૅચમાં આ પિરિયડ દરમ્યાન સૌથી વધુ વિકેટ લેવામાં આવી છે. ઇન્ડિયામાં ૨૦૧૬માં દુલીપ ટ્રોફી દરમ્યાન પિન્ક બૉલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને ત્યારે પ્લેયર્સ દ્વારા મિક્સ રિવ્યુ મળ્યા હતા. જોકે ઇન્ટરનૅશનલ લેવલ પર જ્યારે આ મૅચ રમાય ત્યારે એને કેવો રિસ્પૉન્સ મળે એ જોવું રહ્યું.

આ પણ જુઓ : જાણીતા ક્રિકેટર્સની તેમના બાળકો સાથેની આ ક્યૂટ તસવીરો તમે ક્યારેય નહીં જોઈ હોય...

પિંક બોલ બાંગ્લાદેશ માટે ચેલેન્જ રહેશે
પિન્ક બૉલ સ્વિંગ વધુ થાય છે અને જસપ્રીત બુમરાહની ગેરહાજરીમાં મોહમ્મદ શમી, ઇશાન્ત શર્મા અને ઉમેશ યાદવે ગ્રાઉન્ડ પર આગ લગાડી દીધી હતી. કોહલી સહિત ઇન્ડિયાના દરેક બૅટ્સમૅન માટે આ મૅચ ચૅલેન્જિંગ રહેશે. ઇન્ડિયા જ નહીં, બાંગ્લાદેશ માટે પણ આ ખૂબ મોટી ચૅલેન્જ છે. તેઓ રેડ બૉલમાં પણ સારો દેખાવ ન હોતા કરી શક્યા એથી પિન્ક બૉલ તેમને માટે ઇન્ડિયા કરતાં મોટી ચૅલેન્જ છે. પહેલી ટેસ્ટમાં મુશ્ફિકુર રહીમ સૌથી વધુ રન કરી શક્યો હતો અને અબુ જાયેદે ચાર વિકેટ લીધી હતી.

cricket news virat kohli sourav ganguly team india bangladesh