સુપર શર્મા કુલદીપની કમાલ, ટીમ ઇન્ડિયાએ 107 રને વેસ્ટ ઇન્ડિઝને હરાવ્યું

19 December, 2019 01:02 PM IST  |  Visakhapatnam

સુપર શર્મા કુલદીપની કમાલ, ટીમ ઇન્ડિયાએ 107 રને વેસ્ટ ઇન્ડિઝને હરાવ્યું

કુલદીપ યાદવ

(મિડ-ડે પ્રતિનિધિ) ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચેની બીજી વન-ડે યજમાન ટીમે 107 રનથી જીતીને ત્રણ મૅચોની સિરીઝમાં 1-1ની બરાબરી કરી લીધી છે. અનેક રેકૉર્ડ સાથે પૂરી થયેલી આ મૅચમાં ચોગ્ગા અને છગ્ગાનો ભારે વરસાદ જોવા મળ્યો હતો. ફરી‍ એક વાર વેસ્ટ ઇન્ડીઝે ટૉસ જીતીને ભારતને બૅટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. ઓપનિંગ પ્લેયર લોકેશ રાહુલ અને રોહિત શર્માએ પહેલી વિકેટ માટે રેકૉર્ડ ૨૨૭ રનની પારી રમી બન્નેએ સેન્ચુરી ફટકારી હતી. લોકેશે વન-ડે ઇન્ટરનૅશનલમાં પોતાની ત્રીજી સેન્ચુરી ફટકારી હતી અને 104 બૉલમાં આઠ ચોગ્ગા અને ત્રણ છગ્ગા સાથે 102 રન બનાવ્યા હતા. રોહિત શર્માએ પોતાનો બેસ્ટ પર્ફોર્મન્સ આપી 159 રનની જબરદસ્ત પારી રમી હતી જેમાં તેણે 17 બાઉન્ડરી અને પાંચ સિક્સર ફટકારી હતી. કૅપ્ટન વિરાટ કોહલી ગોલ્ડન ડકનો શિકાર બન્યો હતો અને પહેલા બૉલમાં વગર ખાતું ખોલે આઉટ થયો હતો. મિડલ ઑર્ડરમાં આવેલા શ્રેયસ અય્યર અને રિષભ પંતે પણ અનુક્રમે 53 અને ૩૯ રનની ધમાકેદાર પારી રમી હતી. આ બન્ને પ્લેયરોએ ચોથી વિકેટ માટે રેકૉર્ડ 24 બૉલમાં 73 રનની પાર્ટનરશિપ કરી હતી. ટીમ ઇન્ડિયાએ 50 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવી 387 રનનો પહાડ સર્જ્યો હતો.

ભારતે આપેલા લક્ષ્યને પ્રાપ્ત કરવા ઊતરેલી વેસ્ટ ઇન્ડીઝ ટીમે ૮૬ રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી, પણ નિકોલસ પૂરન અને શાઇ હૉપે ટીમની પારીને સંભાળી ચોથી વિકેટ માટે ૧૦૬ રનની પાર્ટનરશિપ કરી હતી. કૅપ્ટન કીરોન પોલાર્ડ વગર ખાતું ખોલે મોહમ્મદ શમીનો શિકાર બન્યો હતો. જોકે આ મૅચમાં ઇન્ડિયન પ્લેયરોની ફીલ્ડિંગમાં કેટલીક ખામીઓ દેખાઈ હતી અને તેમણે કેટલાક મહત્ત્વના કૅચ પણ છોડ્યા હતા છતાં કુલદીપ યાદવે ૩૩મી ઓવરમાં શાઇ હૉપ, જેસન હોલ્ડર અને અલ્ઝારી જોસેફની લીધેલી હૅટ-ટ્રિક વિકેટ મૅચમાં ટર્નિંગ પૉઇન્ટ સાબિત થઈ હતી. આ પ્લેયરના આઉટ થયા બાદ અન્ય કોઈ પ્લેયર રમી શક્યું નહોતું અને વિન્ડીઝની ટીમ ૨૮૦ રનમાં ઑ‍લઆઉટ થઈ હતી. ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે ત્રીજી અને અંતિમ મૅચ ૨૨ ડિસેમ્બરે કટકમાં રમાશે.

વન-ડેમાં બે વાર હૅટ-ટ્રિક લેનાર પહેલો ભારતીય બોલર કુલદીપ
વન-ડે ઇન્ટરનૅશનલ મૅચમાં બે વાર હૅટ-ટ્રિક લેનારો કુલદીપ યાદવ ભારતનો પહેલો બોલર બન્યો છે. જોકે વૈશ્વિક સ્તરે શ્રીલંકાનો લસિથ મલિંગા ટૉપ પર છે જેણે વન-ડે ઇન્ટરનૅશનલમાં ત્રણ વાર હૅટ-ટ્રિક લીધી છે. તેણે ૨૦૧૭માં ઑસ્ટ્રેલિયા સામે અને અત્યારે વેસ્ટ ઇન્ડીઝ સામે હૅટ-ટ્રિક લીધી છે.

અય્યર-પંતે તોડ્યો તેન્ડુલકર અને જાડેજાનો 20 વર્ષ જૂનો રેકૉર્ડ
ટીમ ઇન્ડિયાના ઓપનર્સ લોકેશ રાહુલ અને રોહિત શર્માએ પહેલી વિકેટ માટે ૨૨૭ રનની ભાગીદારી કરી લીધા બાદ શ્રેયસ અય્યર અને રિષભ પંતે ચોથી વિકેટ માટે રેકૉર્ડ ભાગીદારી કરી હતી. તેમણે ચોથી વિકેટ માટે ૨૪ બૉલમાં ૭૩ રનની પાર્ટનરશિપ કરી હતી. અય્યરે સતત ચોથી મૅચમાં હાફ સેન્ચુરી ફટકારતાં ૩૨ બૉલમાં ૫૩ રન કર્યા હતા, જ્યારે પંતે ૧૬ બૉલમાં ૩૯ રન કર્યા હતા. જોગાનુજોગ છે કે આ બન્નેએ પ્લેયરોએ પોતાની ઇનિંગ દરમ્યાન ત્રણ ફોર અને ચાર સિક્સર મારી હતી.

આ પણ જુઓ : જાણીતા ક્રિકેટર્સની તેમના બાળકો સાથેની આ ક્યૂટ તસવીરો તમે ક્યારેય નહીં જોઈ હોય...

વાસ્તવમાં મૅચની ૪૭મી ઓવર નાખવા આવેલા રોસ્ટન ચૅઝના દરેક બૉલને ફટકારતાં આ જોડીએ કુલ ૩૧ રન બનાવી લીધા હતા, જેમાં ૨૮ રન શ્રેયસે કર્યા હતા. તેમણે સચિન તેન્ડુલકર અને અજય જાડેજાનો ૨૦ વર્ષ જૂનો રેકૉર્ડ તોડી દીધો છે. આ જોડીએ ૧૯૯૯માં ન્યુ ઝીલૅન્ડ સામે હૈદરાબાદ ખાતે એક ઓવરમાં ૨૮ રન લીધા હતા. ઝહીર ખાન અને અજિત આગરકર આ યાદીમાં ત્રીજા સ્થાને આવે છે. તેમણે ૨૦૦૦માં ઝિમ્બાબ્વે વિરુદ્ધ એક ઓવરમાં ૨૭ રન ફટકાર્યા હતા.

બન્ને કૅપ્ટન બન્યા ગોલ્ડન ડકનો શિકાર
ઇન્ડિયન કૅપ્ટન વિરાટ કોહલી અને વેસ્ટ ઇન્ડીઝ કૅપ્ટન કીરોન પોલાર્ડ બન્ને ગઈ કાલે ઝીરો રન પર આઉટ થયા હતા. એમાં પણ મજાની વાત એ છે કે કોહલીને આઉટ કરવામાં પોલાર્ડને સફળતા મળી હતી. જોકે પોલાર્ડની વિકેટ મોહમ્મદ શમીએ લીધી હતી.

cricket news Kuldeep Yadav virat kohli west indies team india