આઇપીએલ અને ટી૨૦ વર્લ્ડ કપ બન્ને કદાચ યુએઈમાં

06 May, 2021 02:38 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બાયો-સિક્યૉર બબલમાં એક પછી એક પૉઝિટિવ કેસ મળતાં ભારતીય ક્રિકેટ બોર્ડે મંગળવારે આઇપીએલની ૧૪મી સીઝન પોસ્ટપોન કરી દીધી હતી.

સૌરવ ગાંગુલી

બાયો-સિક્યૉર બબલમાં એક પછી એક પૉઝિટિવ કેસ મળતાં ભારતીય ક્રિકેટ બોર્ડે મંગળવારે આઇપીએલની ૧૪મી સીઝન પોસ્ટપોન કરી દીધી હતી. આમ આઇપીએલ આવા સંજોગોમાં અટકી પડતાં ઑક્ટોબરમાં યોજાનારા ટી૨૦ વર્લ્ડ કપ સામે પણ પ્રશ્નાર્થચિહન લાગી ગયું છે. આઇસીસીએ ઘણા સમયથી ટી૨૦ વર્લ્ડ કપ માટે સ્ટૅન્ડ-બાય તરીકે યુએઈને તૈયાર રહેવા જણાવી જ દીધું છે. જોકે હવે એવી પણ ચર્ચા છે આઇપીએલની બાકીની ૩૧ મૅચ અને ટી૨૦ વર્લ્ડ કપ બન્ને કદાચ યુએઈમાં યોજાય. 

જૂનમાં પહેલા અઠવાડિયામાં ભારતે ઇંગ્લૅન્ડ વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની ફાઇનલ માટે જવાનું હોવાથી હાલ પૂરતું તો આઇપીએલ શરૂ થવાની શક્તયા નથી અને એ માટે યોગ્ય માહોલ પણ નથી. ઇંગ્લૅન્ડની સિરીઝ બાદ અને ટી૨૦ વર્લ્ડ કપ પહેલાંનો જે એકાદ મહિનાનો સમય છે એ એકમાત્ર માત્ર વિકલ્પ છે ભારત માટે આઇપીએલની આ સીઝન પૂરી કરવાનો. 

ટી૨૦ વર્લ્ડ કપ હવે ભારતને બદલે મોટા ભાગે યુએઈમાં યોજવાની જાહેરાત કરી જ દેવામાં આવશે. આથી બધા દેશોના ખેલાડીઓ ઑક્ટોબરમાં યુએઈ જવાના જ છે. આથી ક્રિકેટ બોર્ડ એ પ્રયત્નો કરી રહ્યું છે કે આઇપીએલ પણ યોજીને એમાં સામેલ ખેલાડીઓને થોડા વહેલા યુએઈ બોલાવી લેવા. આઇપીએલ બાદ તેઓ ત્યાં જ ટી૨૦ વર્લ્ડ કપ માટે તેમની નૅશનલ ટીમમાં જોડાઈ જાય. જે ખેલાડીઓ નૅશનલ ટીમમાં સામેલ નહીં હોય તેઓ પાછા તેમના દેશમાં જતા રહેશે. ભારત અને ઇંગ્લૅન્ડના ખેલાડીઓને પણ ૧૪ સપ્ટેમ્બરે સિરીઝ પતાવીને ત્યાંના બાયો-બબલથી યુએઈમાં અન્ય બબલમાં જોડાવામાં વાંધો નહીં આવે. 

t20 world cup ipl 2021 cricket news sports news