ટી૨૦ વર્લ્ડ કપ ભારતમાંથી ખસેડાશે અથવા રદ થશે : ચૅપલ

10 May, 2021 02:25 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઑસ્ટ્રેલિયાના દિગ્ગજે કહ્યું કે કોરોના જેવાં કંઈકેટલાંય કારણસર ભૂતકાળમાં પણ ક્રિકેટ ટુર્નામેન્ટ રદ થઈ છે

ઇયાન ચૅપલ

ઑસ્ટ્રેલિયાના દિગ્ગજ ખેલાડી ઇયાન ચૅપલે કહ્યું કે ‘ભારતમાં કોરોનાના વધતા જતા કેસને જોતાં આઇપીએલ રદ કરવામાં આવી છે એને જોતાં આગામી ટી૨૦ વર્લ્ડ કપને પણ ભારતમાંથી ખસેડવો જોઈએ અથવા તો મોકૂફ રાખવામાં આવે એવી શક્યતાને નકારી શકાય નહીં. આ તમામ ઘટનાઓ ક્રિકેટની રમતની અનિશ્ચિતતાઓ જ દર્શાવે છે. ચાર ખેલાડીઓ કોરોના-સંક્રમિત થતાં જ આઇપીએલ રદ કરવામાં આવી હતી. બાયો-બબલમાં હોવા છતાં વૃદ્ધિમાન સહા, અમિત મિશ્રા, વરુણ ચક્રવર્તી અને સંદીપ વૉરિયરનો કોરોના-રિપોર્ટ પૉઝિટિવ આવ્યો હતો. કોરોનાકેસમાં થયેલો વધારો, સામાન્ય લોકોના મૃત્યુદરમાં થયેલો વધારો એ તમામ કારણસર આઇપીએલ રદ કરવામાં આવી હતી.

ઇએસપીએન ક્રિકઇન્ફો વેબસાઇટમાં આ‍વતી પોતાની કૉલમમાં ચૅપલે કહ્યું હતું કે વધતાજતા કેસને જોતાં આઇપીએલ રદ થઈ, પરંતુ એને કારણે એક સિલસિલો શરૂ થયો છે. આ વર્ષના અંતમાં ભારતમાં રમાનારો ટી૨૦ વર્લ્ડ કપ પણ રદ થશે અથવા અન્યત્ર ખસેડાશે. ભૂતકાળમાં પણ એવા ઘણા કિસ્સા બન્યા છે જેને કારણે ટુર્નામેન્ટ અથવા મૅચ રદ થઈ હોય. કેટલીક ઘટનાઓ દુખદ હતી તો કેટલીક વિચિત્ર પણ હતી.

૧૯૭૦-’૭૧ દરમ્યાન ઑસ્ટ્રેલિયા અને ઇંગ્લૅન્ડ વચ્ચે રમાનારી બૉક્સિંગ ડે ક્રિકેટ ટેસ્ટ શક્ય ન બનતાં એક દિવસની મૅચ રમાડાઈ હતી, જેના થકી મેલબર્ન ક્રિકેટ મેદાનમાં વન-ડેનો જન્મ થયો. આ મૅચ આયોજકોની ખોટની ભરપાઈ કરવા માટે જ રાખવામાં આવી હતી. આયોજકોએ આ મામલે ખેલાડીઓનો અભિપ્રાય પણ પૂછ્યો નહોતો. ઇંગ્લૅન્ડના અમુક ખેલાડીઓ એને કારણે બહુ ગુસ્સામાં હતા.૨૦૦૬માં બૉલ ટેમ્પિંરગના આરોપને કારણે પાકિસ્તાન ઇંગ્લૅન્ડ સામેની ટેસ્ટ રમ્યું નહોતું.

cricket news sports news t20 world cup ian chappell ipl 2021