કોરોનાકાળ બાદ આજથી મુશ્તાક અલી ટ્રોફી સાથે ડોમેસ્ટિક ક્રિકેટનું કમબૅક

10 January, 2021 11:48 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કોરોનાકાળ બાદ આજથી મુશ્તાક અલી ટ્રોફી સાથે ડોમેસ્ટિક ક્રિકેટનું કમબૅક

પ્રતીકાત્મક તસવીર

૧૧ ફેબ્રુઆરીએ યોજાનારા ઑક્શનમાં ફ્રૅન્ચાઇઝીનું ધ્યાન ખેંચવા તથા ઘરઆંગણે યોજાનરી વર્લ્ડ મેગા ઇવેન્ટ માટે નૅશનલ ટીમ માટે દાવેદારી નોંધાવવાની બેસ્ટ તક: સ્ટેડિયમમાં પ્રેક્ષકોને એન્ટ્રી નહીં મળે

કોરોનાના કપરા કાળ બાદ દેશમાં ડોમેસ્કિટ ક્રિકેટનું કમબૅક આજથી શરૂ થતી ટી૨૦ મુશ્તાક અલી ટ્રોફી સાથે થઈ રહ્યું છે. આવતા મહિને યોજાનારા આઇપીલ મિની ઑક્શન અને ઘરઆંગણે રમાનારા ટી૨૦ વર્લ્ડ કપનને ધ્યાનમાં રાખતાં દર વર્ષ કરતાં આ વખતે આ ટુર્નામેન્ટનું મહત્ત્વ ખૂબ વધી ગયું છે. લાંબા સમયથી કોઈ ટુર્નામેન્ટ કે મૅચો રમાઈ ન હોવાથી ફ્રૅન્ચાઇઝીને ઇમ્પ્રેસ કરીને મોટો કૉન્ટ્રૅક્ટ મેળવી લેવાની યુવા ખેલાડીઓ માટે આ એકમાત્ર અને અમૂલ્ય ‌તક છે. બીજું, અમુક સિનિયર અને નામી-અનામી ખેલાડીઓ માટે આગામી ટી૨૦ વર્લ્ડ કપ માટે દાવેદારી નોંધવવા અને સિલેક્ટરોનું ધ્યાન ખેંચવા માટે આ તક બની રહેશે.

નૉકઆઉટ જંગ અમદાવાદમાં

આજથી શરૂ થઈને ૩૧ જાન્યુઆરી દરમ્યાન આ ટુર્નામેન્ટમાં કુલ ૧૬૯ મૅચ રમાવાની છે. લીગ રાઉન્ડ ૧૯ જાન્યુઆરી સુધી ચાલશે જે બાયો-સિક્યૉર બબલમાં મુંબઈ, વડોદરા, ઇન્દોર, કલકત્તા, બૅન્ગલોર અને ચેન્નઈમાં રમાશે. નૉકઆઉટ રાઉન્ડ અઠવાડિયાના ગૅપ બાદ ૨૬થી ૩૧ જાન્યુઆરી દરમ્યાન વર્લ્ડના સૌથી મોટા સ્ટેડિયમ અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં રમાશે. ૨૬ અને ૨૭ની ક્વૉર્ટર ફાઇનલ, ૨૯મીએ સેમી ફાઇનલ અને ૩૧ જાન્યુઆરીએ ફાઇનલ જંગ જામશે. ટુર્નામેન્ટ દરમ્યાન પ્રેક્ષકોને પ્રવેશ નહીં આપવામાં આવે.

ટુર્નામેન્ટનું ફૉર્મેટ

બધી જ ૩૮ ટીમોને ૬ ભાગમાં વહેંચી નાખવામાં આવી છે, જેમાં પાંચ ઍલિટ અને ઍક પ્લેટ-ગ્રુપનો સમાવેશ છે. ૩૦ ટીમને પાંચ ઍલિટ ગ્રુપમાં વહેંચવામાં આવી છે, જ્યારે પ્લેટ-ગ્રુપમાં ૮ ટીમ છે. ૬ ગ્રુપની ટૉપ ટીમ સીધી ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચી જશે. બાકીની બે ટીમ પાંચ ઍલિટ ગ્રુપની બાકીની ટીમમાં જે બે ટીમના પૉઇન્ટ સૌથી વધુ હશે એને પસંદ કરવામાં આવશે. આથી કોઈ ગ્રુપની ૩ ટીમ પણ નૉકઆઉટ રાઉન્ડમાં પ્રવેશી શકે છે.

સ્પેશ્યલ અટ્રૅક્શન

સ્વાભાવિક છે કે આ ટુર્નામેન્ટમાં ઋતુરાજ ગાયકવાડ, દેવદત્ત પડિક્કલ, પ્રિયમ ગર્ગ, યશસ્વી જયસ્વાલ, શિવમ દુબે, સરફરાઝ ખાન અને એમ. સિદ્ધાર્થ જેવા યુવા ખેલાડીઓ પર સૌકોઈની નજર હશે. આ ઉપરાંત ઇશાન્ત શર્મા અને ભુવનેશ્વર કુમારે, શિખર ધવન, યુઝવેન્દ્ર ચહલ, દિનેશ કાર્તિક, સૂર્યકુમાર યાદવ, કૃણાલ પંડ્યા સાથે મૅચ-ફિક્સિંગ બાદ કમબૅક કરી રહેલા એસ. શ્રીશાન્ત અને સંન્યાસ બાદ ફરી ડોમેસ્ટિક ક્રિકેટ રમી રહેલા સુરેશ રૈના સાથે પહેલી વાર સિનિયર ટીમમાં પ્રવેશ મેળવનાર સચિન તેન્ડુલકરના પુત્ર અર્જન તેન્ડુલકરના પર્ફોર્મન્સ પર વિશેષ નજર રહેશે.

આ સ્ટાર્સ નથી રમી રહ્યા

ઇન્જરી સહિત વિવિધ કારણસર હાર્દિક પંડ્યા, લોકેશ રાહુલ, શ્રેયસ ઐયર અને મનીષ પાંડે જેવા અનુભવી ખેલાડીઓ આ ટુર્નામેન્ટનમાં નથી રમી રહ્યા. જોકે શ્રેયસ ઐયર નૉકઆઉટમાં રમી શકે છે.

મુંબઈની લીગ મૅચો ક્યારે?

મુંબઈ એની પહેલી મૅચ આવતી કાલે દિલ્હી સામે ત્યાર બાદ ૧૩ જાન્યુઆરીએ કેરળ સામે, ૧૫મીએ હરિયાણા સામે, ૧૭મીએ પુડુચેરી સામે અને છેલ્લે ૧૯મીએ આંધ્ર સામે રમશે. શ્રેયસ ઐયયર ઇન્જર્ડ હોવાને લીધે મુંબઈનો કૅપ્ટન સૂર્યકુમાર યાદવ છે.

sports sports news cricket news