વાનખેડેમાં મુંબઈને ધોબીપછાડ: દિલ્હીએ ૭૬ રનથી હરાવ્યું

12 January, 2021 07:52 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વાનખેડેમાં મુંબઈને ધોબીપછાડ: દિલ્હીએ ૭૬ રનથી હરાવ્યું

ઇશાન્ત શર્મા

સૈયદ મુશ્તાક ટ્રોફીમાં ગઈ કાલે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં અલાઇટ ગ્રુપ ‘ઈ’માં મુંબઈ અને દિલ્હી વચ્ચે મૅચ યોજાઈ હતી, જે દિલ્હીએ ૭૬ રનના માર્જિનથી જીતી લીધી હતી.

મુંબઈએ ટૉસ જીતીને પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને દિલ્હીએ પહેલાં બૅટિંગ કરતાં ૨૦ ઓવરમાં ચાર વિકેટે ૨૦૬ રન બનાવ્યા હતા જેના જવાબમાં મુંબઈની ટીમ ૧૮.૧ ઓવરમાં ૧૩૦ રનના સ્કોરે ઑલઆઉટ થઈ ગઈ હતી.

દિલ્હી વતી ઓપનર શિખર ધવને ૨૩ અને હિતેન દલાલે ૨૪ રન બનાવ્યા હતા. નીતિશ રાણાએ ચોથા ક્રમે આવીને ૩૭ બૉલમાં ૭ ચોગ્ગા અને પાંચ સિક્સરની ધુઆંધાર ઇનિંગ્સ રમીને ૭૪ રન બનાવ્યા હતા, જ્યારે વન-ડાઉન પ્લેયર હિંમત સિંહે ૩૨ બૉલમાં ત્રણ ચોગ્ગા અને ચાર સિક્સર ફટકારીને ૫૩ રન બનાવ્યા હતા. મુંબઈની ટીમના સમ્સ મુલાનીએ સૌથી વધારે બે વિકેટ લીધી હતી.

૨૦૭ રનના વિશાળ લક્ષ્યને પ્રાપ્ત કરવા ઊતરેલી મુંબઈએ ઇનિંગના બીજા જ બૉલમાં યશસ્વી જયસ્વાલની વિકેટ ગુમાવી હતી, તો વળી ઇશાન્ત શર્માએ યશસ્વીની વિકેટ ઝડપીને પોતાની ટૅલન્ટનો અને કમબૅકનો પરચો આપ્યો હતો. મુંબઈની ટીમ ૧૭ રને ચાર વિકેટ ગુમાવીને ફસડાઈ પડી હતી. શિવમ દુબે ટીમની પારી સંભાળતાં ટીમ માટે સર્વાધિક ૬૩ રન કર્યા હતા જેમાં ત્રણ ચોગ્ગા અને પાંચ સિક્સર સામેલ હતા. એને બાદ કરતાં મુંબઈના સાત પ્લેયર એકઅંકી સ્કોરમાં જ અટવાયેલા રહ્યા હતા જેમાંથી ત્રણ પ્લેયર્સ ખાતું ખોલ્યા વિના આઉટ થયા હતા. પ્રદીપ સંગવાનને સૌથી વધારે ત્રણ વિકેટ પ્રાપ્ત થઈ હતી.

sports sports news cricket news mumbai