છેલ્લાં 75 વર્ષની સૌથી કમજોર છે ટીમ ઇન્ડિયા

16 January, 2021 12:52 PM IST  |  Sydney

છેલ્લાં 75 વર્ષની સૌથી કમજોર છે ટીમ ઇન્ડિયા

જીવતદાન ભારે મોંઘા પડ્યાં: સેન્ચુરી ફટકાર્યા બાદ લબુશેન

બોર્ડર-ગાવસકર ટ્રોફીની ચોથી અને છેલ્લી ટેસ્ટના પ્રથમ દિવસે યજમાન ઑસ્ટ્રેલિયાએ ટૉસ જીતીને પહેલાં બૅટિંગ કરતાં માર્કસ લબુશેનની સેન્ચુરીની મદદથી પાંચ વિકેટે ૨૭૪ રન બનાવી લીધા હતા. ટીમ ઇન્ડિયાએ છેલ્લાં ૭૫ વર્ષની સૌથી અનુભવીને મામલે સૌથી કમજોર ટીમ સાથે મેદાનમાં ઊતર્યા છતાં સારી લડત આપી હતી. કૅચ ન છૂટ્યા હોત તો ભારતીય ટીમ દિવસના અંતે કદાચ મજબૂત સ્થિતિમાં હોત. સેન્ચુરિયન લબુશેનને કૅપ્ટન અજિંક્ય રહાણે અને રોહિત શર્માએ જીવતદાન આપ્યાં હતાં જે આખરે ભારે પડ્યાં હતાં.

ભારતે કરવા પડ્યા ચાર ફેરફાર

ઑસ્ટ્રેલિયાએ વિલ પુકોવ્સકી ફિટ નહોતા એટલે તેને બદલે માર્કસ હૅરિસનો સમાવેશ કરીને ગુરુવારે પ્લેઇંગ ઇલેવન જાહેર કરી દીધી હતી. ભારતે બુમરાહ અને અશ્વિનની ફિટનેસને લીધે છેલ્લી ઘડી સુધી રાહ જોઈ હતી, પણ એનો કોઈ અર્થ નહાતો સર્યો. આખરે ઇન્જર્ડ બુમરાહ, અશ્વિન, હનુમા વિહારી અને રવીન્દ્ર જાડેજાને બદલે મયંક અગરવાલ સાથે એક જ મૅચ રમનાર શાર્દુલ ઠાકુર સાથે વૉશિંગ્ટન સુંદર અને ટી. નટરાજનને ડેબ્યુ કરાવ્યું હતું. આ પ્લેઇંગ ઇલેવન સાથે છેલ્લાં ૭૫ વર્ષની સૌથી અનુભવના મામલે સૌથી કમજોર ટીમ હતી. તેમને ભારતના બોલિંગ-અટૅકનો કુલ અનુભવ ફક્ત ચાર મૅચનો છે.

વૉર્નર-સ્મિથ ફ્લૉપ, લકી લબુશેન હિટ

ઑસ્ટ્રેલિયાએ ટૉસ જીતીને પ્રથમ બૅટિંગ કરતાં પહેલી ઓવરના છેલ્લા બૉલમાં ડેવિડ વૉર્નર (૧)ના રૂપે પહેલો ઝટકો લાગ્યો હતો. ત્યાર બાદ નવમી ઓવરમાં બીજો ઓપનર અને ટીમમાં કમબૅક કરી રહેલો માર્કસ હૅરિસ (પાંચ રન) પણ ચાલતી પકડતાં કાંગારુઓએ ૧૭ રનમાં જ બન્ને ઓપનર ગુમાવી દીધા હતા. વૉર્નરનો સિરાજના બૉલમાં સ્લીપમાં રોહિત શર્માએ શાનદાર કૅચ પકડ્યો હતો. ત્યાર બાદ ટીમમાં કમબૅક કરી રહેલા શાર્દુલે તેના પહેલા જ બૉલમાં હૅરિસને આઉટ કર્યો હતો. સ્ટીવન સ્મિથ (૩૬) અને મૅથ્યુ વેડ (૪૫) સારી શરૂઆત બાદ વધુ ટકી નહોતા શક્યા, પણ લકી મૅન માર્નસ લબુશેન ૨૦૪ બૉલમાં ૯ ફોર સાથે ૧૦૮ રન ફટકારીને ટીમની વહારે આવ્યો હતો. લબુશેનને કૅપ્ટન અજિંક્ય રહાણેઅે ૩૭ રન પર હતો ત્યારે અને રોહિત શર્માએ ૪૮ રન પર હતો ત્યારે જીવતદાન આપ્યું હતું, જેનો લાભ લઈને તેણે પાંચમી સેન્ચુરી ફટકારી હતી. વેડ અને લબુશેનને ડેબ્યુટન્ટ નટરાજને બે ઓવરમાં ઉપરાઉપરી આઉટ કરીને ભારતને મૅચમાં કમબૅક કરાવ્યું હતું, પણ છેલ્લે કૅમરુન ગ્રીન (અણનમ ૨૮) અને પેઇને (અણનમ ૩૮) ૬૧ રનની અણનમ પાર્ટનરશિપ કરી વધુ નુકસાન નહોતું થવા દીધું. નટરાજનને બે અને સુંદરને એક વિકેટ મળી હતી. સુંદરે કરીઅરનો પ્રથમ શિકાર સ્મિથનો કર્યો હતો. સિરાજ અને શાર્દુલને પણ એક-એક વિકેટ મળી હતી.

લબુશેને તોડ્યો બ્રૅડમેનનો રેકૉર્ડ

લબુશેને ગઈ કાલે સેન્ચુરી કરીને ગૅબા મેદાનમાં ૩ ઇનિંગ્સમાં ૩૭૪ રન બનાવીને લેજન્ડ ડૉન બ્રૅડમૅનને પાછળ રાખી દીધા હતા. બ્રૅડમૅને આ મેદાનમાં તેમની પ્રથમ ત્રણ ઇનિંગ્સમાં કુલ ૩૨૭ રન બનાવ્યા હતા. લબુશેને ૨૦૧૯માં પ્રથમ વાર અહીં શ્રીલંકા સામે રમતાં ૮૧ રન બનાવ્યા હતા અને ત્યાર બાદ એ જ વર્ષે પાકિસ્તાન સામે ૧૮૫ રનની શાનદાર ઇનિંગ્સ રમ્યો હતો.

દુકાળમાં અધિક માસ, સૈની પણ ઇન્જર્ડ

નેટ-બોલરોને ટેસ્ટ ડેબ્યુ કરાવીને માંડ-માંડ પ્લેઇંગ ઇલેવન તૈયાર કરીને મેદાનમાં ઊતરેલી ટીમ ઇન્ડિયાને ૩૬મી ઓવરમાં વધુ એક ઝટકો વાગ્યો હતો. સિડની ટેસ્ટમાં ડેબ્યુ કરનાર અને ગઈ કાલે બીજી ટેસ્ટ રમી રહેલો નવદીપ સૈની ૭.૫ ઓવર કર્યા બાદ પગની નસ ખેંચાઈ જતાં મેદાન છોડીને ચાલ્યો ગયો હતો. સૈનીની ઓવરનો એક બૉલ રોહિત શર્માએ ફેંક્યો હતો.

એક જ સિરીઝમાં ત્રણ ફૉર્મેટમાં ડેબ્યુ કરનાર નટરાજન ભારતનો પ્રથમ ખેલાડી

આઇપીએલમાં શાનદાર પર્ફોર્મન્સના જોરે કાંગારૂ સિરીઝમાં શરૂઆતમાં નેટ-બોલર તરીકે જોડાયેલા ટી. નટરાજને પહેલાં વન-ડે, ત્યાર બાદ ટી૨૦ અને ગઈ કાલે ટેસ્ટ મળી એક સિરીઝમાં ત્રણેય ફૉર્મેટમાં ડેબ્યુ કરીને ઇતિહાસ રચ્યો હતો. આવી કમાલ કરનાર તે પહેલો ભારતીય ખેલાડી બન્યો હતો. ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલે પણ રેકૉર્ડનો ઉલ્લેખ કરીને તેને અભિનંદન આપ્યાં હતાં.

ટી. નટરાજન ભારતનો ૩૦૦મો અને વૉશિંગ્ટન સુંદર ૩૦૧મો ટેસ્ટ-પ્લેયર બન્યો હતો.

આ ઉપરાંત નટરાજને ફક્ત ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં પ્રવેશ કરીને ૪૪ દિવસની અંદર ત્રણેય ફૉર્મેટમાં ડેબ્યુ કરી લીધું છે જે પણ ભારતીય રેકૉર્ડ છે. બીજી ડિસેમ્બરે વન-ડે ડેબ્યુ બાદ બે દિવસ પછી ટી૨૦ ઇન્ટરનૅશનમાં પ્રવેશ અને હવે ૧૫ જાન્યુઆરીએ ટેસ્ટ પ્રવેશ કર્યો. આ બાબતે અત્યાર સુધી ભારતીય રેકૉર્ડ ભુવનેશ્વરકુમારના નામે ૬૦ દિવસનો હતો. ઓવરઑલ રેકૉર્ડ ન્યુ ઝીલૅન્ડના પીટર ઇન્ગ્રામના નામે ૧૨ દિવસનો છે. તેણે ૩ ફેબ્રુઆરીથી ૧૫ ફેબ્રુઆરી ૨૦૧૦ દરમ્યાન ત્રણેય ફૉર્મેટમાં ડેબ્યુ કરી લીધું હતું.

cricket news india australia sports sports news