બુમરાહની ફિટનેસ વિશે સસ્પેન્સ

15 January, 2021 08:13 AM IST  |  New Delhi | Agencies

બુમરાહની ફિટનેસ વિશે સસ્પેન્સ

બુમરાહની ફિટનેસ વિશે સસ્પેન્સ

આજથી શરૂ થયેલી બોર્ડર-ગાવસકર ટ્રોફીની ચોથી અને અંતિમ ટેસ્ટ મૅચમાં ઇન્ડિયન પેસર જસપ્રીત બુમરાહ રમશે કે નહીં એ વિશે ગઈ કાલે આખો દિવસ સસ્પેન્સ રહ્યું હતું. આગલી ત્રણેય ટેસ્ટમાં ભારતીય ટીમે અેક દિવસ અગાઉ પ્લેઇંગ ઇલેવન જાહેર કરી હતી, પણ ગઈ કાલે સાંજ સુધી મૅનેજમેન્ટ તરફથી કોઈ અનાઉસમેન્ટ નહોતી કરવામાં આવી.
ચાર પ્લેયર્સને ગાબાનો અનુભવ
ટીમ ઇન્ડિયાને આ રાઇટ આર્મ પેસર જસપ્રીત બુમરાહની ગાબા ટેસ્ટમાં ભારે જરૂર છે, કારણ કે તે એકમાત્ર એવો પેસર બચ્યો છે જેણે ઑસ્ટ્રેલિયાને ૨૦૧૮-’૧૯ના ટેસ્ટ મુકાબલામાં હરાવવામાં પોતાનો સિંહફાળો આપ્યો હતો. આ ઉપરાંત તે એકમાત્ર એવો બોલર છે જે ગાબાની વિકેટ પર પોતાની લેંગ્થ સરળતાથી ઍડ્જસ્ટ કરી શકે છે. વળી, ટીમ ઇન્ડિયા પણ ગાબામાં ૬ વર્ષના અંતર બાદ રમવા ઊતરી રહી છે. વર્તમાન ટીમ ઇન્ડિયામાં માત્ર ચાર જ પ્લેયર એવા છે જેમને આ પિચ પર રમવાનો અનુભવ છે. આ ચાર પ્લેયર્સમાં ત્રણ બૅટ્સમેનમાં ચેતેશ્વર પુજારા, અજિંક્ય રહાણે, રોહિત શર્મા અને સ્પિનર રવિચંદ્રન અશ્વિનનો સમાવેશ છે.
ગાબાની વિકેટ પડકારજનક : ઇરફાન
જો જસપ્રીત આજની મૅચમાં ન રમે તો ઑસ્ટ્રેલિયાની આ ટ્રિકી વિકેટ પર ટીમ ઇન્ડિયાને ફાસ્ટ બોલર વગર ખાસ્સો પરિશ્રમ કરવો પડી શકે છે. ગાબાની વિકેટ અને બુમરાહ વિશે ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ પેસર ઇરફાન પઠાણનું કહેવું છે કે ‘ગાબા જેવી ઑસ્ટ્રેલિયન સરફેસ પરની આદર્શ લંબાઈ, બૅટ્સમેનો માટે થોડી વધારે લાભદાયી છે. આપણને અહીં ઘરઆંગણે જે વિકેટ મળે છે એના કરતાં એ બૅટ્સમેનો તરફ અંદાજે ૨૫ ઇંચ જેટલી વધારે રહે છે. આ જ મુદ્દા પર મને લાગે છે કે બુમરાહ ભારત માટે મહત્ત્વપૂર્ણ છે. તે ઑસ્ટ્રેલિયામાં સફળ રહ્યો છે, કારણ કે તે બૅટ્સમૅન તરફ વધુ ફુલ લેંગ્થ ફેંકી શકે છે. અન્ય કોઈ પણ ભારતીય બોલર (ઈજાગ્રસ્ત સહિત) કરતાં તેને બ્રિસ્બેન (અથવા પર્થ)માં જરૂરી લંબાઈ ઘણી સરળતાથી મળી રહે છે. તેણે ફક્ત થોડું ઍડ્જસ્ટ કરવું પડશે.’
સામાન્ય રીતે બુમરાહ બૅટ્સમૅનથી માત્ર સાત કે આઠ ફૂટ દૂર બૉલ ફેંકે છે જેને લીધે બૅટ્સમૅન માટે ફ્રન્ટફુટ અથવા તો બૅકફૂટ પર જઈને રમવું અઘરું થઈ પડે છે. યૉર્કર માટે તે ઘણો જાણીતો છે માટે બોલિંગમાં થોડુઘણું ઍડ્જસ્ટ કરવું તેના માટે ઘણું સરળ છે.
મૅચના દિવસે નક્કી થશે પ્લેઇંગ ઇલેવન
એક વર્ચ્યુલ પ્રેસ-કૉન્ફન્સમાં ટીમના બૅટિંગ-કોચ વિક્રમ રાઠોડે સ્પષ્ટતા કરતાં જણાવ્યું કે ટીમની પ્લેઇંગ ઇલેવનની શુક્રવારે સવારે જ ખબર પડશે. પ્લેઇંગ ઇલેવન અને બુમરાહ વિશે વાત કરતાં રાઠોડે કહ્યું કે અમે મેડિકલ ટીમ સાથે મળીને દરેક પ્લેયર્સ પર નજર રાખી રહ્યા છીએ. જો બુમરાહ મૅચ પહેલાં કાલે સવારે ફિટ હશે તો રમશે, નહીં હોય તો નહીં રમે. હાલમાં વધારે ટિપ્પણી કરી શકાય એમ નથી. પ્લેયર્સને સ્વસ્થ થવા તેમને સમય આપવો જરૂરી છે. તમને આવતી કાલે સવારે જ ખબર પડશે કે કયા ૧૧ પ્લેયર્સ મેદાનમાં રમવા ઊતર્યા.’

sports sports news cricket news jasprit bumrah