સૂર્યકુમાર યાદવ હાથની ઈજાને કારણે આઇપીએલની બહાર

10 May, 2022 01:23 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જૂનમાં સાઉથ આફ્રિકા સામેની ટી૨૦ સિરીઝ પહેલાં ફિટ થઈ જવું પડશે

સૂર્યકુમાર યાદવ હાથની ઈજાને કારણે આઇપીએલની બહાર

વર્તમાન સીઝનની મુંબઈ ઇન્ડિયન્સની ટીમના મુખ્ય બૅટર્સમાંના એક સૂર્યકુમાર યાદવને ડાબા હાથના આગળના ભાગના સ્નાયુઓમાં અસહ્ય દુખાવો શરૂ થયો છે જેને કારણે તે ગઈ કાલની કલકત્તા સામેની મૅચમાં નહોતો રમ્યો અને આ ઈજાને લીધે તે મુંબઈની બાકીની મૅચોમાં પણ નહીં રમે.
આ ટુર્નામેન્ટની બહાર થઈ ગયા બાદ મુંબઈની ટીમે બાકીની બધી લીગ મૅચો જીતીને માનભેર આ સીઝનમાંથી વિદાય લેવાનું નક્કી કર્યું હતું, પરંતુ સૂર્યકુમારની ઈજાને કારણે ટીમને મોટો ઝટકો લાગ્યો છે. મુંબઈના ફ્રૅન્ચાઇઝીએ તેને ઑક્શન પહેલાં રિટેન કર્યો હતો. અંગૂઠાના હેરલાઇન ફ્રૅક્ચરને લીધે તે પહેલી બે મૅચ નહોતો રમી શક્યો. હવે તેણે જૂન મહિનામાં ઘરઆંગણે સાઉથ આફ્રિકા સામે રમાનારી ટી૨૦ સિરીઝ પહેલાં તેણે ફિટ થઈ જવું પડશે.
સૂર્યાને શુક્રવાર, ૬ઠ્ઠી મેએ બ્રેબર્નમાં ગુજરાત ટાઇટન્સ સામેની મૅચ દરમ્યાન આ ઈજા થઈ હતી. એ રોમાંચક મુકાબલામાં મુંબઈએ ગુજરાતને છેલ્લા બૉલે પાંચ રનના માર્જિનથી હરાવી દીધું હતું.
સૂર્યકુમાર યાદવે આઠ મૅચમાં ત્રણ હાફ સેન્ચુરીની મદદથી કુલ ૩૦૩ રન બનાવ્યા હતા અને તેનો સ્ટ્રાઇક-રેટ ૧૪૫.૬૭ હતો.

cricket news sports sports news ipl 2022