23 April, 2025 11:05 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રોહિત શર્મા અને સ્ટીવ વૉ
ભારતીય ટીમ ૨૦૨૫-’૨૭ વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (WTC) સીઝનની શરૂઆત જૂન ૨૦૨૫માં ઇંગ્લૅન્ડ સામેની સિરીઝથી કરશે. આ સિરીઝ દરમ્યાન રોહિત શર્મા કૅપ્ટન્સી કરશે કે નહીં એના પર હમણાંથી જ ચર્ચા શરૂ થઈ ગઈ છે. રોહિત ૩૦ એપ્રિલે ૩૮ વર્ષનો થશે. બંગલાદેશ, ન્યુ ઝીલૅન્ડ અને ઑસ્ટ્રેલિયા સામેની છેલ્લી ત્રણ ટેસ્ટ-સિરીઝમાં તેનું પ્રદર્શન ખરાબ રહ્યું હતું. આ બાબતે ઑસ્ટ્રેલિયન ક્રિકેટર સ્ટીવ વૉએ મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે.
૫૯ વર્ષનો ભૂતપૂર્વ કાંગારૂ કૅપ્ટન સ્ટીવ વૉ કહે છે, ‘એ સંપૂર્ણપણે રોહિત પર નિર્ભર છે. તે એકલો જ આ સમસ્યાનો ઉકેલ લાવી શકે એમ છે. તેણે પોતાને અરીસામાં જોઈને પૂછવું જોઈશે કે શું હું હજી પણ કૅપ્ટન રહેવા માગું છું કે હું ભારત માટે રમવા માગું છું? શું હું પ્રતિબદ્ધ છું? શું હું આમાં પૂરતો સમય અને પ્રયત્ન કરી રહ્યો છું? તમારા દેશ માટે રમવું એ એક વિશેષાધિકાર અને સન્માનની વાત છે. તમારે આત્મસંતુષ્ટ કે હળવાશથી ન રહેવું જોઈએ.’
સ્ટીવ વૉ ઑસ્ટ્રેલિયા માટે ૧૯૮૫થી ૨૦૦૪ દરમ્યાન ૧૬૮ ટેસ્ટ અને ૩૨૫ વન-ડે મૅચ રમ્યો હતો.