સ્ટિવ સ્મિથ ભારત માટે માથાનો દુઃખાવો થશે સાબિતઃ મેક્સવેલ

22 November, 2020 12:47 PM IST  |  Sydney | Agency

સ્ટિવ સ્મિથ ભારત માટે માથાનો દુઃખાવો થશે સાબિતઃ મેક્સવેલ

ગ્લેન મેક્સવેલ

ભારતીય ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝમાં રમવા માટે સજ્જ થઈ રહી છે. આઇપીએલની ફાઇનલ બાદ ટીમ સીધી જ ઓસ્ટ્રેલિયા પહોંચી ગઈ હતી. ૨૭મી નવેમ્બરથી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની વન-ડે સિરીઝનો પ્રારંભ થશે. ભારતે છેલ્લે ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ ખેડ્યો ત્યારે વિરાટ કોહલીની ટીમે સિરીઝ જીતી હતી. એ વખતે સ્ટિવ સ્મિથ અને ડેવિડ વોર્નર પર પ્રતિબંધ હતો તેથી તેઓ રમી શકયા ન હતા પરંતુ આ વખતે તેઓ રમવાના છે. ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલનું માનવું છે કે સ્મિથ આ વખતે ભારત માટે જોખમી પુરવાર થનારો છે.

ગ્લેન મેક્સવેલે જણાવ્યું હતું કે સ્ટિવ સ્મિથ આ વખતે ભારત માટે માથાનો દુખાવો સાબીત થનારો છે. તેણે દિલ્હી કેપિટલ્સ માટે રમનારા માર્કસ સ્ટોઇનિસની પણ પ્રશંસા કરી હતી. મેક્સવેલે જણાવ્યું હતું કે, સ્મિથના આગમનથી અને સ્ટોઇનિસ જે રીતે રમી રહ્યો છે તે જોતાં કાંગારું ટીમની બેટિંગ મજબૂત બની ગઈ છે. ઇંગ્લેન્ડ સામે છેલ્લે રમાયેલી વન-ડે સિરીઝમાં સ્ટિવ સ્મિથ રમી શક્યો ન હતો પરંતુ હવે તે પરત આવી ગયો છે. તે ભારત સામે ભૂતકાળમાં ઘણા રન ફટકારી ચૂક્યો છે અને આ વખતે પણ મને લાગે છે કે ભારતના બોલર્સ માટે સ્મિથ માથાનો દુખાવો પુરવાર થવાનો છે. આઇપીએલમાં આ વખતે સદંતર નિષ્ફળ રહેલા મેક્સવેલે જણાવ્યું હતું કે, એ ટુર્નામેન્ટના મારા ખરાબ ફોર્મની ભારત સામેની સિરીઝ દરમિયાન અસર પડવાની નથી.

australia glenn maxwell steve smith cricket news sports news