શ્રીલંકા સામે ઇંગ્લૅન્ડનો વિજય નક્કી જ સમજો

18 January, 2021 03:30 PM IST  |  Galle | Gujarati Mid-day Correspondent

શ્રીલંકા સામે ઇંગ્લૅન્ડનો વિજય નક્કી જ સમજો

સેન્ચુરી પૂરી કર્યા બાદ રાજીપો વ્યક્ત કરતો લહીરુ થિરીમાને (તસવીર: પી.ટી.આઇ.)

શ્રીલંકા અને ઇંગ્લૅન્ડ વચ્ચે રમાઈ રહેલી પહેલી ટેસ્ટ મૅચમાં હવે માત્ર ઔપચારિકતા બાકી રહી છે એમ કહેવામાં જરાય વાંધો નથી કેમ કે ઇંગ્લૅન્ડને પહેલી ટેસ્ટ મૅચ જીતવા માત્ર ૩૬ રનની જરૂરત છે અને તેમના હાથમાં હજી ૭ વિકેટ શેષ છે. બીજી ઇનિંગમાં શ્રીલંકાને ૩૫૯ રને ઑલઆઉટ કરી ઇંગ્લૅન્ડે શ્રીલંકાને માત્ર ૭૩ રનની લીડ લેવા દીધી હતી.

શ્રીલંકન ઓપનર લહીરુ થિરીમાનેએ ૨૫૧ બૉલમાં ૧૨ ચોગ્ગા ફટકારી શાનદાર ૧૧૧ રનની શતકીય પારી રમી હતી. અન્ય ઓપનર કુસલ પરેરા ૬૨ રને આઉટ થયો હતો. આ બે પ્લેયર્સના આઉટ થયા બાદ ઍન્જેલો મૅથ્યુઝ હાફ સેન્ચુરી પૂરી કરી શક્યો હતો. તે ૭૧ રનના વ્યક્તિગત સ્કોર પર જૅક લીચનો શિકાર બન્યો હતો. જૅકે કુલ પાંચ વિકેટ લઈ શ્રીલંકાને વધારે આગળ વધવા નહોતી દીધી. આ ત્રણ પ્લેયરોને બાદ કરતાં અન્ય કોઈ પણ શ્રીલંકન પ્લેયર ૩૦ રનનો આંકડો પાર કરી શક્યો નહોતો. બીજી ઇનિંગમાં ૭૩ રનના લક્ષ્યને પ્રાપ્ત કરવા ઊતરેલી ઇંગ્લૅન્ડની શરૂઆત જરાય સારી નહોતી રહી અને તેમણે ૧૪ રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. ઓપનર ઝેક ક્રાવલી આઠ રને જ્યારે ડોમિનીક સિબલી બે રને આઉટ થયા હતા. કૅપ્ટન જો રૂટ માત્ર એક રનના સ્કોર પર રનઆઉટ થતાં ટીમની ત્રીજી વિકેટ પડી હતી. ચોથા દિવસના અંતે જૉની બેરસ્ટો અને ડેનિયલ લૉરેન્સ અનુક્રમે ૧૧ અને સાત રને ક્રિઝ પર બનેલા છે. સ્કોરને જોતાં ઇંગ્લૅન્ડ માટે આ લક્ષ્યાંક પ્રાપ્ત કરવો અઘરો નથી, પણ જો શ્રીલંકન બોલરના નસીબ સારા હોય અને તેઓ કોઈ અસાધારણ પ્રદર્શન કરી બતાવે તો જ તેમને વિજયને સ્વાદ ચાખવા મળી શકે છે.

sports sports news cricket news sri lanka england