વન-ડે સિરીઝમાં પહેલી વાર કાંગારૂઓનાં સૂપડાં સાફ કર્યાં શ્રીલંકન ટીમે

15 February, 2025 09:55 AM IST  |  Cape Town | Gujarati Mid-day Correspondent

શ્રીલંકાના ૨૮૨ રનના ટાર્ગેટ સામે ૨૪.૨ ઓવરમાં ૧૦૭ રનમાં સમેટાઈ ગઈ આૅસ્ટ્રેલિયન ટીમ, ૧૭૪ રને મળી કારમી હાર : એશિયામાં લોએસ્ટ વન-ડે સ્કોર બનાવીને હારી આૅસ્ટ્રેલિયન ટીમ, શ્રીલંકાએ આ ટીમ સામે પહેલી વાર ૧૦૦ પ્લસ રનથી વન-ડે જીત મેળવી

શ્રીલંકન ટીમ

ચૅમ્પિયન્સ ટ્રોફી પહેલાં વન-ડે વર્લ્ડ કપ ચૅમ્પિયન ઑસ્ટ્રેલિયન ટીમ શરમજનક સ્થિતિમાં મુકાઈ છે.  પહેલી વાર શ્રીલંકન ટીમ વન-ડે ફૉર્મેટમાં કાંગારૂ ટીમ સામે ક્લીન સ્વીપ કરી છે. બે મૅચની ટેસ્ટ-સિરીઝમાં ક્લીન સ્વીપનો સામનો કરનાર શ્રીલંકન ટીમે પહેલી વન-ડે ૪૯ રન અને બીજી વન-ડે ૧૭૪ રને જીતીને આ સિદ્ધિ મેળવી છે. બીજી વન-ડેમાં શ્રીલંકન ટીમે ૫૦ ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને ૨૮૧ રન કર્યા હતા. ઑસ્ટ્રેલિયન ટીમ ૨૮૨ રનના ટાર્ગેટ સામે ૨૪.૨ ઓવરમાં ૧૦૭ રને ઑલઆઉટ થઈ ગઈ હતી.

ઑસ્ટ્રેલિયાના સ્ટાર બોલર્સની ગેરહાજરીમાં શ્રીલંકા તરફથી વિકેટકીપર બૅટર કુસલ મેન્ડિસે ૧૧૫ બૉલમાં ૧૧ ચોગ્ગાની મદદથી ૧૦૧ રનની ઇનિંગ્સ રમી હતી. ઓપનર નિશાન મદુષ્કા (૫૧ રન) અને કૅપ્ટન ચરિથ અસલંકાએ (૭૯ રન અણનમ)નું યોગદાન આપ્યું હતું.

ઑસ્ટ્રેલિયાના બાવીસ વર્ષના સ્પિનર ડુનિથ વેલાલેગે ૭.૨ ઓવરમાં ૩૫ રનની અંદર ચાર વિકેટ લઈ તરખાટ મચાવ્યો હતો. તેની સાથે અનુભવી સ્પિનર વાનિન્દુ હસરંગા અને મીડિયમ ફાસ્ટ બૉલર અસિતા ફર્નાન્ડોએ ૩-૩ વિકેટ મેળવી હતી. ઑસ્ટ્રેલિયન ટીમે ૧૭.૧ ઓવરમાં ૮૩ રનના સ્કોર પર સાત વિકેટ ગુમાવી દીધી હતી. ઑસ્ટ્રેલિયન ટીમ માટે કૅપ્ટન સ્ટીવ સ્મિથ (૨૯ રન) અને જૉશ ઇંગ્લિસ (બાવીસ રન) જ ૨૦ પ્લસ રનની ઇનિંગ્સ રમી શક્યા હતા. બન્નેએ ચોથી વિકેટ માટે ૪૬ રનની પાર્ટનરશિપ કરી હતી.

ચૅમ્પિયન્સ ટ્રોફીમાં ક્વૉલિફાય થયેલી ટીમે આપી જબરદસ્ત ટક્કર

ચૅમ્પિયન્સ ટ્રોફી પહેલાં ઑસ્ટ્રેલિયન ટીમે એશિયામાં વન-ડેનો પોતાનો ૧૦૭ રનનો લોએસ્ટ સ્કોર અને ૧૭૪ રનની સૌથી મોટી હાર નોંધાવી છે, જ્યારે શ્રીલંકાએ આ ટીમ સામે પહેલી વાર ૧૦૦ પ્લસ રનથી વન-ડે જીત પણ નોંધાવી હતી. શ્રીલંકન ટીમ ૨૦૨૩ના વન-ડે વર્લ્ડ કપમાં નવમા ક્રમે રહીને ચૅમ્પિયન્સ ટ્રોફી માટે ક્વૉલિફાય થઈ શકી નહોતી. ચૅમ્પિયન્સ ટ્રોફી પહેલાં કેટલાક સ્ટાર પ્લેયર્સને આ કાંગારૂ ટીમ ઇન્જરીને કારણે ગુમાવી ચૂકી છે, હવે સ્ક્વૉડમાં રહેલા પ્લેયર્સનું ફૉર્મ કૅપ્ટન સ્ટીવ સ્મિથ માટે ચિંતાનો વિષય બન્યો છે.

sri lanka australia steve smith cricket news champions trophy sports news sports