વર્ણાપુરાએ સિદ્ધિના વર્ષમાં જ પ્રતિબંધને આમંત્રણ આપેલું

19 October, 2021 04:26 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ભૂતપૂર્વ ઑલરાઉન્ડરનું થયું નિધન : ૧૯૮૨માં શ્રીલંકાના પ્રથમ ટેસ્ટ-સુકાની બન્યા પછી ટીમને રંગભેદી સાઉથ આફ્રિકાના પ્રવાસે લઈ જતાં બૅન મુકાયો

બાન્ડુલા વર્ણાપુરા

શ્રીલંકાના સૌપ્રથમ ટેસ્ટ-કૅપ્ટન બાન્ડુલા વર્ણાપુરાનું ગઈ કાલે કોલંબોની હૉસ્પિટલમાં અવસાન થયું હતું. તેઓ ૬૮ વર્ષના હતા. તેમના લોહીમાં શુગરનું પ્રમાણ અતિશય વધી જતાં આ મહિનાની શરૂઆતમાં તેમનો જમણો પગ કાપવો પડ્યો હતો. પરિણામે તેમના બ્લડ-સર્ક્યુલેશનમાં વિઘ્નો ઊભાં થતાં તેમની શારીરિક તકલીફો વધી ગઈ હતી.

અેક મૅચમાં અનેક સિદ્ધિ

સુંદર બૅટિંગ-ટેક્નિક સાથે ભરોસાપાત્ર ઓપનિંગ બૅટર તરીકેની છાપ ધરાવતા વર્ણાપુરા સારા પેસ બોલર પણ હતા. તેઓ ૪ ટેસ્ટ અને ૧૨ ટેસ્ટ ઉપરાંત ૫૩ ફર્સ્ટ-ક્લાસ મૅચ પણ રમ્યા હતા.

શ્રીલંકા ફેબ્રુઆરી ૧૯૮૨માં કોલંબોમાં સૌપ્રથમ ટેસ્ટ (ઇંગ્લૅન્ડ સામે) રમ્યું હતું અને એની કૅપ્ટન્સી વર્ણાપુરાને સોંપાઈ હતી. શ્રીલંકા વતી ટેસ્ટમાં પ્રથમ બૉલ તેઓ રમ્યા હતા, પહેલો રન તેમણે કર્યો હતો અને (બીજા દાવમાં) પહેલો બૉલ પણ તેમણે ફેંક્યો હતો.

પ્રથમ ટીમમાં કોણ હતું?

વર્ણાપુરાની અે પ્રથમ ટેસ્ટ ટીમમાં સિદાથ વેટ્ટીમુની, રૉય ડાયસ, દુલીપ મેન્ડિસ, રંજન મદુગલે, અર્જુન રણતુંગા, અસંથા ડી મેલ વગેરે ખેલાડીઓ હતા.

જોકે ૧૯૮૨ના ઑક્ટોબરમાં વર્ણાપુરા પોતાની કૅપ્ટન્સીમાં સાઉથ આફ્રિકાના ગેરકાયદે પ્રવાસે લઈ ગયા એટલે તેમના રમવા પર શ્રીલંકન ક્રિકેટ બોર્ડે આજીવન પ્રતિબંધ મૂકી દીધો હતો. તેમની આંતરરાષ્ટ્રીય કરીઅર ત્યાં જ પૂરી થઈ ગઈ હતી, કારણ કે રંગભેદની નીતિને કારણે સાઉથ આફ્રિકા ત્યારે ક્રિકેટજગતની બહાર હતું અને છેક ૧૯૯૧માં એ દેશની ટીમને ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં પાછા આવવા મળ્યું હતું.

sports sports news cricket news sri lanka