Sports Updates: બે દિવસમાં પૂરી થયેલી મેલબર્ન ટેસ્ટ-મૅચની પિચને ICCએ અસંતોષકારક રેટિંગ આપ્યું

30 December, 2025 12:22 PM IST  |  Melbourne | Gujarati Mid-day Correspondent

Sports Updates: ભૂતાનના સ્પિનર સોનમ યેશે એક T20માં ઐતિહાસિક આઠ વિકેટ લેવાનો રેકૉર્ડ કર્યો

ICCએ ગઈ કાલે આ પિચને અસંતોષકારક રેટિંગ આપ્યું

ઑસ્ટ્રેલિયા-ઇંગ્લૅન્ડ વચ્ચે મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં હાલમાં ચોથી ટેસ્ટ-મૅચ બે દિવસમાં સમાપ્ત થઈ હતી. ​ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલે (ICC)એ ગઈ કાલે આ પિચને અસંતોષકારક રેટિંગ આપીને એક ડીમેરિટ પૉઇન્ટ પણ આપ્યો છે. આ નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો કારણ કે પિચ ખૂબ બોલર-ફ્રેન્ડ્લી હતી જેમાં ૧૪૨ ઓવરમાં ૩૬ વિકેટ પડી હતી અને કોઈ પણ બૅટર અડધી સદી ફટકારી શક્યો નહોતો.

પંડ્યા અને બુમરાહને વન-ડે સિરીઝમાં મળી શકે છે આરામ

ન્યુ ઝીલૅન્ડ સામેની વન-ડે સિરીઝની ટીમમાંથી બે પ્લેયર્સને વર્લ્ડ કપ પ્લાનને ધ્યાનમાં રાખીને આરામ આપવામાં આવી શકે છે. અહેવાલ અનુસાર વર્કલોડ મૅનેજમેન્ટ રૂટીન મુજબ હાર્દિક પંડ્યા અને જસપ્રીત બુમરાહને આરામ આપવામાં આવશે. ૭ ફેબ્રુઆરીથી શરૂ થતા ઘરઆંગણે યોજાનારા T20 વર્લ્ડ કપ દરમ્યાન બન્ને ભારત માટે મહત્ત્વપૂર્ણ રહેશે.

ભૂતાનના સ્પિનર સોનમ યેશે એક T20માં ઐતિહાસિક આઠ વિકેટ લેવાનો રેકૉર્ડ કર્યો

યજમાન ભૂતાને હાલમાં મ્યાનમાર સામેની પાંચ મૅચની T20 સિરીઝ ૫-૦થી જીતી છે. આ સિરીઝની ત્રીજી મૅચ દરમ્યાન ભૂતાનના ૨૨ વર્ષના સ્પિનર સોનમ યેશે ઐતિહાસિક બોલિંગ-સ્પેલ ફેંક્યો હતો. આ ડાબોડી સ્પિનરે ચાર ઓવરના સ્પેલમાંથી એક ઓવર મેઇડન ફેંકી હતી. ૪ ઓવરમાં તેણે માત્ર ૭ રન આપીને ૮ વિકેટ લીધી હતી. મેન્સ કે વિમેન્સ, ​ઇન્ટરનૅશનલ કે કોઈ પણ સ્તરની T20 મૅચમાં પહેલી વખત કોઈ બોલરે ૮ વિકેટ ઝડપી છે. સોનમે ૬ બૅટર્સને કૅચઆઉટ કરીને, એકને બોલ્ડ અને એકને LBW દ્વારા આઉટ કર્યા હતા. તેના રેકૉર્ડ પ્રદર્શનને કારણે હરીફ ટીમ ૧૨૮ રનના ટાર્ગેટ સામે ૯.૨ ઓવરમાં ૪૫ રનમાં ઢેર થઈ ગઈ હતી. સોનમ યેશે જુલાઈ ૨૦૨૨માં T20 ડેબ્યુ કર્યું હતું. તે હમણાં સુધી ૩૫ T20 મૅચમાં ૩૭ વિકેટ લઈ ચૂકયો છે. ઓવરઑલ મેન્સ T20 ક્રિકેટમાં ૪ વખત અને વિમેન્સ T20 ક્રિકેટમાં ૮ વખત એક બોલર એક મૅચમાં સાત-સાત વિકેટ લઈ ચૂક્યા છે.

અફેરના આરોપ બાદ પાકિસ્તાની ક્રિકેટર ઇમાદ વસીમે ડિવૉર્સ માટે અરજી કરી

પાકિસ્તાની ક્રિકેટર ઇમાદ વસીમે ૬ વર્ષના લગ્નજીવન પછી સાનિયા અશફાકથી છૂટાછેડા માટે અરજી કરી છે. બે બાળકોના પપ્પા એવા ૩૭ વર્ષના ઇમાદ પર લગ્નેતર સંબંધો હોવાનો આરોપ છે. સાનિયાએ પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટ પર લખ્યું છે, ‘આખરે આ લગ્નનો અંત એક ત્રીજી વ્યક્તિના હસ્તક્ષેપથી આવ્યો જે મારા પતિ સાથે લગ્ન કરવા ઇચ્છે છે.  પહેલાંથી જ મુશ્કેલીમાં મુકાયેલા સંબંધ માટે એ અંતિમ ફટકો સાબિત થયો.’ ઑલરાઉન્ડર ઇમાદ વસીમ પાકિસ્તાન માટે ૨૦૧૫થી ૫૫ વન-ડે અને ૭૫ T20 મૅચ રમ્યો છે. વન-ડેમાં તેના નામે ૯૮૬ રન અને ૪૪ વિકેટ છે જ્યારે T20માં તેણે ૫૫૪ રન કરીને ૭૩ વિકેટ ઝડપી છે. છેલ્લે જૂન ૨૦૨૪માં ઇન્ટરનૅશનલ ક્રિકેટ રમનાર આ સ્પિનર હાલમાં બંગલાદેશ પ્રીમિયર લીગ (BPL)માં ઢાકા કૅપિટલ્સ માટે રમી રહ્યો છે. 

sports sports news ashes test series melbourne australia england international cricket council bhutan pakistan