21 November, 2026 09:49 AM IST | Chennai | Gujarati Mid-day Correspondent
એમ.એસ. ધોની ટ્રિબ્યુટ રૂમ
ચેન્નઈની ITC ગ્રૅન્ડ ચોલા હોટેલે મહેન્દ્ર સિંહ ધોનીની થીમ પર એક નવો સ્વીટ રજૂ કર્યો છે. આ સ્યુટનું નામ એમ.એસ. ધોની ટ્રિબ્યુટ રૂમ અને રૂમ નંબર 7 રાખવામાં આવ્યું છે. આ રૂમને ધોનીના કરીઅરની યાદગાર ક્ષણોની આસપાસ ડિઝાઇન કરવામાં આવ્યો છે. રૂમમાં તેના ઑટોગ્રાફવાળી જર્સીઓ પણ છે. આ રૂમમાં મહેમાનો કૅપ્ટન્સ પૅન્ટ્રીનો આનંદ માણી શકે છે જેમાં ધોનીના મનપસંદ ફૂડ પર આધારિત વાનગીઓનો સમાવેશ થાય છે. આ રૂમ ફક્ત ક્લબ ITCના સભ્યો માટે જ ઉપલબ્ધ છે. સભ્યો વધુમાં વધુ બે રાત માટે આ રૂમ બુક કરી શકે છે.
૨૦૨૩થી શરૂ થયેલી UAEની ILT20 લીગ અને સાઉથ આફ્રિકાની SA20 લીગ છેલ્લી ૪ સીઝનથી એકસાથે રમાઈ રહી હતી. આ વખતે પહેલી વખત બન્ને લીગ એકબીજા સાથે ઓવરલૅપ થશે નહીં. ILT20ની પાંચમી સીઝન ૨૧ નવેમ્બરથી ૨૦ ડિસેમ્બર દરમ્યાન રમાશે, જ્યારે SA20નું આયોજન આગામી ૨૬ ડિસેમ્બરથી ૨૫ જાન્યુઆરી વચ્ચે કરવામાં આવ્યું છે. સાઉથ આફ્રિકાના મુખ્ય પ્લેયર્સ હવે ILT20માં શેડ્યુલની ચિંતા વગર રમી શકશે.
ઇન્ટરનૅશનલ લીગ T20 (ILT20)ની પહેલી ૪ સીઝનમાં અનુક્રમે ગલ્ફ જાયન્ટ્સ, MI એમિરેટ્સ, દુબઈ કૅપિટલ્સ અને ડેઝર્ટ વાઇપર્સની ટીમ વિજેતા રહી છે. વર્તમાન સીઝનમાં UAEનાં ત્રણ મેદાન પર ૩૪ મૅચો રમાશે.
વેસ્ટ ઇન્ડીઝના ૨૯ વર્ષના બૅટર શિમરન હેટમાયરે ઇતિહાસ રચી દીધો છે. ગુરુવારે રાત્રે શિમરન હેટમાયરે એમિરેટ્સ ઈગલ્સ તરફથી રમીને યુનાઇટેડ ટાઇગર્સ સામેની ૪૦ રનની જીતમાં મોટું યોગદાન આપ્યું હતું. તેણે માત્ર ૩૯ બૉલમાં ૯ ફોર, ૮ સિક્સની મદદથી ૧૦૨ રન કર્યા હતા. તેણે ૩૭ બૉલમાં ટુર્નામેન્ટની ફાસ્ટેસ્ટ સદી ફટકારી હતી.
શિમરન હેટમાયરે અબુ ધાબી T10ના ઇતિહાસમાં એક જ સીઝનમાં સૌથી વધુ રન કરવાનો રેકૉર્ડ પણ કર્યો હતો. તેણે ૧૦ ઇનિંગ્સમાં કુલ ૪૨૮ રન બનાવ્યા છે. અગાઉ ૨૦૨૫માં ટિમ ડેવિડે UAE બુલ્સ માટે એક સીઝનમાં ૩૯૩ રન બનાવ્યા હતા. તે અબુ ધાબી T10ના ઇતિહાસમાં એવો પ્રથમ બૅટ્સમૅન પણ બન્યો છે જેણે એક જ સીઝનમાં સદી અને ચાર હાફ સેન્ચુરી ફટકારી હોય.