09 July, 2024 10:52 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
યુપીના મુખ્ય પ્રધાન સાથે કુલદીપ યાદવ
ભારતીય ટીમને વર્લ્ડ ચૅમ્પિયન બનાવવા બદલ સ્ટાર સ્પિનર કુલદીપ યાદવે કૅપ્ટન રોહિત શર્માને સોશ્યલ મીડિયા પર ક્રેડિટ આપી હતી. તેણે એક ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે તે ટૂંક સમયમાં લગ્ન કરશે અને છોકરી કોઈ ઍક્ટ્રેસ નથી, પરિવાર અને માતા-પિતાને સંભાળી શકે એવી છોકરી સાથે તે લગ્ન કરવા માગે છે. આ બધા વચ્ચે કાનપુરના રહેવાસી કુલદીપ યાદવને ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથનું આમંત્રણ મળ્યું હતું. યોગીએ આ વર્લ્ડ ચૅમ્પિયન કુલદીપ યાદવને લખનઉના સરકારી આવાસમાં મળીને તેને સન્માનિત કર્યો હતો.
સૂર્યકુમાર યાદવે ગઈ કાલે પત્ની દેવિશા શેટ્ટી સાથે ઊજવેલી આઠમી વેડિંગ ઍનિવર્સરીની તસવીરો સોશ્યલ મીડિયા પર શૅર કરી હતી. એની સાથે તેણે લખ્યું હતું કે ગઈ કાલે (રવિવારે) પેલા કૅચને ૮ દિવસ થયા, પણ મેં સૌથી મહત્ત્વનો કૅચ તો હકીકતમાં ૮ વર્ષ પહેલાં પકડ્યો હતો.
ભારતીય વિમેન્સ ટીમની સ્ટાર ખેલાડી સ્મૃતિ માન્ધના હાલમાં સાઉથ આફ્રિકા સામેની મલ્ટિ-ફૉર્મેટ સિરીઝમાં ધમાલ મચાવી રહી છે. હાલમાં તે તેના બૉયફ્રેન્ડ પલાશ મુચ્છલના કારણે ચર્ચામાં છે. પહેલાં ઍક્ટર તરીકે અને હવે મ્યુઝિક કમ્પોઝર તરીકે જાણીતા થયેલા પલાશે સોશ્યલ મીડિયા પર સ્મૃતિ સાથે કેટ-કટિંગ સેલિબ્રેશનના ફોટો શૅર કર્યા હતા. એના કૅપ્શનમાં #5 લખીને દિલનું ઇમોજી શૅર કર્યું હતું જેના પરથી જાણવા મળ્યું કે તેમની રિલેશનશિપનાં પાંચ વર્ષ પૂરાં થયાં હોવાથી તેમણે આ સેલિબ્રેશન કર્યું હતું.
ઇંગ્લૅન્ડ સામે ત્રણ મૅચની ટેસ્ટસિરીઝ માટે વેસ્ટ ઇન્ડીઝની ટીમ લંડન પહોંચી ગઈ હતી. ૧૦ જુલાઈએ પહેલી ટેસ્ટ મૅચ રમતાં પહેલાં વિન્ડીઝના તમામ ખેલાડીઓ બકિંગહૅમ પૅલેસમાં કિંગ ચાર્લ્સ IIIને મળ્યા હતા. કિંગ ચાર્લ્સે આ ખેલાડીઓ સાથે કેટલીક રમૂજ પણ કરી હતી. લૉર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર બન્ને ટીમ વચ્ચે પહેલી ટેસ્ટમૅચ શરૂ થશે જે દિગ્ગજ ફાસ્ટ બોલર જેમ્સ ઍન્ડરસનના ઇન્ટરનૅશનલ કરીઅરની છેલ્લી મૅચ હશે.
અમેરિકાની ધરતી પર મેજર લીગ ક્રિકેટ (MLC)માં ૬ ટીમ વચ્ચે ધમાકેદાર ક્રિકેટ ઍક્શન જોવા મળી રહી છે. હાલમાં લૉસ ઍન્જલસ નાઇટ રાઇડર્સના આન્દ્રે રસેલે સૅન ફ્રાન્સિસ્કો યુનિકૉર્ન માટે રમતા પાકિસ્તાની બોલર હારિસ રઉફ સામે ૧૦૭ મીટર એટલે ૩૫૧ ફીટની મૉન્સ્ટર સિક્સર ફટકારી હતી. આ પહેલાં ૨૦૨૩માં તેણે હારિસ રઉફ સામે જ ૧૦૮ મીટરની સિક્સર ફટકારી હતી. સતત બીજા વર્ષે એ જ બોલર સામે ૩૫૦ પ્લસ ફીટની સિક્સર ફટકારનાર આન્દ્રે રસેલ (૪૦ રન) MLC 2024માં સૌથી લાંબી સિક્સર ફટકારનાર બૅટર છે. જોકે આ મૅચમાં લૉસ ઍન્જલસ નાઇટ રાઇડર્સને ૬ વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. ૨૯ જુલાઈએ આ ટુર્નામેન્ટની ફાઇનલ મૅચ રમાશે.
ભારતીય ઑફ સ્પિનર રવિચન્દ્રન અશ્વિન ગ્લોબલ ચેસ લીગ (GCL)ની બીજી સીઝનમાં ભાગ લેનારી નવી ટીમ અમેરિકન ગેમ્બિટ્સનો કો-ઓનર બની ગયો છે. GCL એ ટેક મહિન્દ્ર અને ઇન્ટરનૅશનલ ચેસ ફેડરેશનની સંયુક્ત માલિકીની લીગ છે. આ લીગ ૩થી ૧૨ ઑક્ટોબર દરમ્યાન છ ફ્રૅન્ચાઇઝી વચ્ચે રમાશે.
ફુટબૉલની મોટી ટુર્નામેન્ટ યુરોપિયન ચૅમ્પિયન્સ લીગ અને કોપા અમેરિકા હાલમાં એના અંતિમ સ્ટેજમાં છે. ૧૦ જુલાઈએ બન્ને ટુર્નામેન્ટની પહેલી સેમી ફાઇનલ મૅચ રમાશે. ભારતીય સમય અનુસાર ૧૦ જુલાઈએ મધરાતે ૧૨.૩૦ વાગ્યાથી યુરો કપની પહેલી સેમી ફાઇનલ ફ્રાન્સ અને સ્પેન વચ્ચે રમાશે, જ્યારે સવારે ૫.૩૦ વાગ્યાથી આર્જેન્ટિના અને કૅનેડા વચ્ચે કોપા અમેરિકાની પહેલી સેમી ફાઇનલ રમાશે.
ઓડિશાના મુખ્ય પ્રધાન મોહન ચરણ માઝીએ સોમવારે હૉકી ખેલાડી અમિત રોહિદાસ અને જૅવલિન થ્રોઅર કિશોર જેના માટે ૧૫-૧૫ લાખ રૂપિયાના પ્રોત્સાહનની જાહેરાત કરી હતી. આ બન્ને ૨૬ જુલાઈથી પૅરિસ ઑલિમ્પિક્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. માઝીએ આશા વ્યક્ત કરી કે પ્રોત્સાહક પ્રાઇઝ મની ઓડિશાના બે ખેલાડીને ઉત્કૃષ્ટ દેખાવ કરવા અને દેશને ગૌરવ અપાવવા માટે પ્રોત્સાહિત કરશે.