ઇંગ્લૅન્ડ-સાઉથ આફ્રિકા વરસાદને કારણે તેમની શૉર્ટેસ્ટ T20 મૅચ રમ્યાં

12 September, 2025 10:54 AM IST  |  Cardiff | Gujarati Mid-day Correspondent

સાઉથ આફ્રિકાએ ૧૪ રને જીત નોંધાવીને ૧-૦થી લીડ મેળવી

ફાસ્ટ બોલર કૅગિસો રબાડાએ બીજી ઇનિંગ્સના પહેલા બૉલ પર ફિલ સૉલ્ટને કૅચઆઉટ કરીને સાથી પ્લેયર્સ સાથે ઉજવણી કરી હતી

ઇંગ્લૅન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચે કાર્ડિફમાં વરસાદના વિઘ્ન સાથે ૩ મૅચની T20 સિરીઝ શરૂ થઈ હતી. આફ્રિકન ટીમે DLS મેથડથી ૧૪ રને જીત નોંધાવી હતી. બે કલાક વરસાદને કારણે બન્ને ટીમ વચ્ચે ૯-૯ ઓવરની રમત નક્કી થઈ હતી. ૭.૫ ઓવરમાં સાઉથ આફ્રિકાએ પાંચ વિકેટે ૯૭ રન કર્યા ત્યારે ફરી વરસાદ પડતાં યજમાન ટીમને DLS મેથડ હેઠળ પાંચ ઓવરમાં ૬૯ રનનો ટાર્ગેટ મળ્યો હતો, પરંતુ ઇંગ્લૅન્ડ પાંચ વિકેટે ૫૪ રન જ કરી શક્યું હતું. બન્ને ટીમ વચ્ચે રમાયેલી આ T20 ફૉર્મેટની તેમની ૧૨.૫ ઓવરની શૉર્ટેસ્ટ મૅચ હતી.

ડોનોવન ફેરેરા (૧૧ બૉલમાં પચીસ રન અણનમ), કૅપ્ટન એઇડન માર્કરમ (૧૪ બૉલમાં ૨૮ રન) અને ડેવાલ્ડ બ્રેવિસે (૧૦ બૉલમાં ૨૩ રન) વિપરીત પરિસ્થિતિમાં ટીમને મજબૂત સ્કોર કરી આપ્યો હતો. ઇંગ્લૅન્ડ તરફથી ફાસ્ટ બોલર લ્યુક વુડ (બાવીસ બૉલમાં બે વિકેટ) સૌથી સફળ રહ્યો હતો. ફાસ્ટ બોલર માર્કો યાન્સેન (૧૮ રનમાં બે વિકેટ) અને કોર્બિન બોશ (૨૦ રનમાં બે વિકેટ)ના તરખાટ વચ્ચે ફિલ સૉલ્ટ અને જોશ બટલરની જોડી પહેલી વખત આ ફૉર્મેટમાં એક પણ રનની પાર્ટનરશિપ કરી શકી નહોતી. યજમાન ટીમ માટે બટલરે (૧૧ બૉલમાં પચીસ રન) સૌથી વધુ રન કર્યા.

t20 international t20 england south africa cricket news sports sports news