ઑસ્ટ્રેલિયાના વિજયરથને અટકાવીને સાઉથ આફ્રિકાએ ત્રણ મૅચની સિરીઝ લેવલ કરી

14 August, 2025 07:03 AM IST  |  Canberra | Gujarati Mid-day Correspondent

સાઉથ આફ્રિકાનો યંગેસ્ટ T20 સેન્ચુરિયન બન્યો ડેવાલ્ડ બ્રેવિસ

૪૧ બૉલમાં ૧૦૦ રન ફટકારીને પોતાની પહેલી ઇન્ટરનૅશનલ સદીની ઉજવણી કરી ડેવાલ્ડ બ્રેવિસે.

ગઈ કાલે યજમાન ઑસ્ટ્રેલિયા સામે બીજી T20 ૫૩ રને જીતીને સાઉથ આફ્રિકાએ ત્રણ મૅચની સિરીઝ ૧-૧થી લેવલ કરી છે. સાઉથ આફ્રિકાએ સ્ટાર બૅટર ડેવાલ્ડ બ્રેવિસ (૫૬ બૉલમાં ૧૨૫ રન)ની ધમાકેદાર ઇનિંગ્સના આધારે સાત વિકેટે ૨૧૮ રન કર્યા હતા જે ઑસ્ટ્રેલિયા સામેનો તેમનો હાઇએસ્ટ T20 સ્કોર હતો. સળંગ નવ T20 મૅચ જીતનાર ઑસ્ટ્રેલિયા ટિમ ડેવિડ (૨૪ બૉલમાં ૫૦ રન)ની ફિફ્ટી છતાં ૨૧૯ રનના ટાર્ગેટ સામે ૧૭.૫ ઓવરમાં ૧૬૫ રને ઑલઆઉટ થયું હતું.

બાવીસ વર્ષ અને ૧૦૫ દિવસની ઉંમરે સાઉથ આફ્રિકાનો યંગેસ્ટ T20 સેન્ચુરિયન બનવાની સાથે ડેવાલ્ડ બ્રેવિસ પ્લેયર ઑફ ધ મૅચ પણ બન્યો હતો. તેણે ૪૧ બૉલમાં પોતાની ઇન્ટરનૅશનલ કરીઅરની પહેલી સદી ફટકારી ઘણા મોટા રેકૉર્ડ તોડ્યા હતા.

તેણે સાઉથ આફ્રિકા માટે હાઇએસ્ટ T20 ઇન્ટરનૅશનલ સ્કોર કરવાનો ફાફ ડુપ્લેસીનો વેસ્ટ ઇન્ડીઝ સામેનો વર્ષ ૨૦૧૫નો ૧૧૯ રનનો રેકૉર્ડ તોડ્યો હતો. તેણે ઑસ્ટ્રેલિયામાં હાઇએસ્ટ T20 ઇન્ટરનૅશનલ સ્કોરનો શેન વૉટ્સનનો વર્ષ ૨૦૧૬નો ભારત સામે ફટકારેલા ૧૨૪ રનના રેકૉર્ડને પણ ધ્વસ્ત કર્યો હતો.

હરીફ ટીમના બૅટર તરીકે કાંગારૂ સામે હાઇએસ્ટ ૧૨૩ રન કરવાનો રેકૉર્ડ વર્ષ ૨૦૨૩માં ગુવાહાટીમાં ભારતના ઋતુરાજ ગાયકવાડે કર્યો હતો. તેણે આ રેકૉર્ડ પણ પોતાને નામે કર્યો છે. તેની સાથે જ બેબી એબી ડિવિલિયર્સ તરીકે જાણીતા બ્રેવિસે ઑસ્ટ્રેલિયા સામે ઑસ્ટ્રેલિયામાં અને ચાર કે એથી નીચેના ક્રમે T20 સેન્ચુરી કરનાર પહેલા બૅટર બનવાની સિદ્ધિ મેળવી છે.

australia south africa t20 international t20 cricket news sports news sports international cricket council ab de villiers